તિબેટ : ભારતની ઉત્તરે આવેલો પડોશી પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 28° થી 36´ 20´ ઉ. અ. અને 79° થી 96° પૂ. રે.. અગાઉ સ્વાયત્તપ્રદેશ હતો, પરંતુ 1965થી દાયદેસર રીતે તે ચીનના આધિપત્ય હેઠળ છે. ભૂતકાળમાં તે એક સ્વતંત્ર ધાર્મિક રાષ્ટ્ર હતું. તેની અગ્નિ સીમાએ મ્યાનમાર, દક્ષિણે ભારત, ભૂતાન અને નેપાળ તથા ઉત્તરમાં અને પૂર્વમાં ચીન આવેલાં છે. લગભગ 12,21,700 ચોકિમી. વિસ્તારમાં પથરાયેલો ઉચ્ચપ્રદેશ છે.

ભૂસ્તરીય દૃષ્ટિએ જોતાં તિબેટના ઉચ્ચપ્રદેશ સહિતની બૃહત હિમાલય અને મધ્ય એશિયાની નવી ગેડ પર્વતમાળાઓ આજથી આશરે ત્રણથી પાંચ કરોડ વર્ષ દરમિયાન તૃતીય જીવયુગમાં ઊંચકાઈ આવી છે. ભૂસ્તરવેત્તાઓના મતે હજુ આજે પણ આ ઉત્થાનક્રિયા ચાલુ છે અને તેનો વાર્ષિક દર લગભગ 10 મિમી. જેટલો છે. તિબેટ મુખ્યત્વે ઉત્તર-દક્ષિણ દિશામાં લંબાયેલી દક્ષિણની બૃહત હિમાલય અને ઉત્તરની કુનલુન શાન નામની ઉત્તુંગ પહાડી હારમાળાઓથી ઘેરાયેલો આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશ છે. આ વિશાળ ઉચ્ચપ્રદેશ સમુદ્રસપાટીથી સરેરાશ 4880 મીટરની ઊંચાઈ ધરાવે છે. તેની સપાટી પર બીજી અનેક પર્વતીય હારમાળાઓ આવેલી છે, જેને લીધે સમગ્ર પ્રદેશ સંખ્યાબંધ થાળાં(basins)માં વહેંચાઈ ગયો છે. અહીં આશરે 6000 મીટરની ઊંચાઈએ હિમરેખા આવેલી છે, જેથી 6000 મી.થી વધુ ઊંચાં શિખરો હિમાચ્છાદિત રહે છે. તે અનેક ઊંચાં શિખરો ધરાવે છે. આ પૈકી માઉન્ટ એવરેસ્ટ (8848 મી.) એ દુનિયાનું સર્વોચ્ચ શિખર છે, જે તિબેટ નેપાળ સીમા પર આવેલું છે. અન્ય ઊંચાં શિખરોમાં વાયવ્ય તિબેટમાં આવેલા લેલીશાન (6407 મી.) અને તિબેટ-ભુતાન સીમા પરના કુલા કાંગરી(7554 મી.)નો સમાવેશ થાય છે.

તિબેટ

તિબેટમાં બે પ્રકારનો જળપરિવાહ જોવા મળે છે : (1) અંત:સ્રાવી જળપરિવાહ : ઊંચાં પહાડી ક્ષેત્રો પર પડતા વરસાદને લીધે અને હિમ ઓગળવાથી ઝરણાં અને નાની નાની નદીઓ ઉદભવીને નીચાણવાળા ભાગોમાં મીઠાં અને ખારાં પાણીનાં સરોવરો રચે છે. તિબેટમાં આવાં ઘણાં સરોવરો આવેલાં છે. ‘નામકો’ ખારા પાણીનું વિશાળ સરોવર છે. જે લ્હાસાથી ઉત્તરમાં આવેલું છે. (2) સાગરોન્મુખ જળપરિવાહ : પૂર્વ, અગ્નિ અને દક્ષિણ એશિયાની મોટી નદીઓનાં મૂળ અહીં આવેલાં છે. અહીંથી નીકળતી નદીઓનાં જળ જુદા જુદા સમુદ્રોમાં ઠલવાય છે જેમાં યાંગત્સે, હોઆંગહો (પીળી નદી), મેકાંગ, સાલ્વિન, સિન્ધુ, બ્રહ્મપુત્ર, તારીમ વગેરે મુખ્ય છે.

તેનું સ્થાન સમશીતોષ્ણ કટિબંધમાં સમુદ્રથી ઘણું દૂર આવેલું છે. ખાસ કરીને સમુદ્ર સપાટીથી ઊંચાઈની અસરો તેની આબોહવા પર વિશેષ જોવા મળે છે. આમ અહીં વિશિષ્ટ પ્રકારની પહાડી શીત આબોહવા અનુભવાય છે. દક્ષિણથી ઉત્તર તરફ જતાં આબોહવામાં પલટો આવે છે. દક્ષિણના ભાગો થોડાક ગરમ અને ભેજવાળા છે, જ્યારે તેની તુલનામાં તેના ઉત્તરના પ્રદેશો ઠંડા અને સૂકા છે. ઉત્તરના ભાગોમાં વર્ષના છ માસ સુધી બરફ અને હિમ છવાયેલાં રહે છે. દક્ષિણ ભાગમાં આવેલા લ્હાસામાં પણ શિયાળાનું તાપમાન 0° સે.થી નીચે ઊતરી જાય છે. લ્હાસાનું  જાન્યુઆરી અને જુલાઈનું સરેરાશ તાપમાન અનુક્રમે 2° સે. અને 16° સે. જેટલું રહે છે. તેનું વાર્ષિક વરસાદનું સરેરાશ પ્રમાણ 408 મિમી. છે. આબોહવા અનુસાર અહીંનું વનસ્પતિજીવન પાંગરેલું છે. ઊંચા પહાડી ઢોળાવો પર ઘાસ તથા વિવિધ પ્રકારના છોડવા ઊગી નીકળે છે. ખીણોમાં પોચું લાકડું આપતાં  વૃક્ષોનાં જંગલો  છવાયેલાં છે. જંગલો, ઇમારતી લાકડું અને કસ્તૂરી જેવી પેદાશો આપે છે.

ઊંચાઈ અને ઓછા વરસાદને લીધે તિબેટમાં ધાન્ય પાકવાની ઋતુ ટૂંકી હોય છે. ખાસ કરીને નદીખીણોમાં ઘઉં, જવ, બટાટા, વટાણા, બાજરી, અળશી વગેરે પાકો ઉગાડવામાં આવે છે. તેમાં  બ્રહ્મપુત્રની ખીણ અગત્યનો ખેતીપ્રદેશ છે, જ્યાં લ્હાસા અને અન્ય શહેરી વસાહતો આવેલી છે. તિબેટના મોટાભાગના વિસ્તારોમાં ચરિયાણ અને પશુસંવર્ધનપ્રવૃત્તિ થાય છે. તેમાં ઘેટાંબકરાં ઉપરાંત યાકનો ઉછેર અગત્ય ધરાવે છે.

તેની ધરતીમાં અનેક પ્રકારનાં ખનિજો આવેલાં છે; જેમાં ક્રોમિયમ, લોખંડ, તાંબું, સીસું, જસત, અબરખ, ચિરોડી, ટંકણખાર, સિંધવ, અને કિરણોત્સર્ગી ગુણધર્મોવાળી ખનિજ ઉલ્લેખનીય છે, જોકે ધાર્મિક કારણોસર ઉત્ખનનપ્રવૃત્તિ ઘણા સમયથી અટકી ગઈ છે. તિબેટમાં ખાસ કરીને ગૃહઉદ્યોગોનો વિકાસ થયો છે. આ પૈકી સુતરાઉ અને ગરમ કાપડના વણાટની અને ભરતગૂંથણ પ્રવૃત્તિ અગત્યની છે.

તેનું અસમતળ પહાડી ભૂપૃષ્ઠ પરિવહનસેવાઓના વિકાસમાં અવરોધક રહ્યું છે. આ પ્રદેશનું મુખ્ય શહેર લ્હાસા છે. તે મોટરમાર્ગે પૂર્વમાં અને ઉત્તરમાં ચીન, દક્ષિણમાં ભારત અને પશ્ચિમમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને રશિયા સાથે સંકળાયેલું છે. વળી તે હવાઈ મથક પણ ધરાવે છે. ભારત, નેપાળ અને ભુતાનની પહાડી સીમાઓ પર અનેક પર્વતીય ઘાટમાંથી પસાર થતા વ્યાપારી માર્ગો આવેલા છે તિબેટની વસ્તી આશરે 35.1 લાખ (2022) જેટલી છે. તિબેટવાસીઓ મૉંગોલિયન કુળના છે અને તિબેટો-બર્મન ભાષા બોલે છે. તેઓ બૌદ્ધ ધર્મ પાળે છે. અહીંના લામા-સાધુઓ મઠમાં નિવાસ કરે છે.

એક સ્વતંત્ર રાજ્ય તરીકેનો તેનો ઉદય ઈ. સ.ની સાતમી સદીમાં થયો અને તેનું પાટનગર લ્હાસા હતું. ચીન સાથેના તેના સંબંધો ટાન્ગ વંશ(ઈ. સ. 618થી 906)માં સ્થપાયા, તેરમીથી અઢારમી સદી સુધી ચીન અને તિબેટ પર મૉંગોલોના માંચુવંશનું શાસન હતું. આ વંશ તિબેટી સંસ્થાઓ દ્વારા જ શાસન કરતો હતો. 1911ની ક્રાન્તિ પછી તિબેટ અને ચીન પરથી આ વંશનું આધિપત્ય દૂર થતાં તિબેટ સ્વતંત્ર થયું. 1911 પહેલાં  તે ચીનના રક્ષિત વિસ્તાર જેવું હતું. 1950માં ચીને તેના પર આક્રમણ કર્યું. પરિણામે 1955માં દલાઈ લામાએ તિબેટ છોડીને ભારતમાં રાજ્યાશ્રય લીધો. 1965માં ચીને તિબેટને વિધિસર ચીની પ્રજાસત્તાકનો સ્વાયત્ત પ્રદેશ હોવાનું જાહેર કર્યું.

સાતમી સદીમાં ભારતમાંથી તિબેટમાં બૌદ્ધ ધર્મ દાખલ થયો, જે તેની મહાયાન શાખા સાથે સંકળાયેલો હતો. અહીંના લોકોના જીવનમાં આ ધર્મની વ્યાપક અસર જોઈ શકાય છે. બૌદ્ધ ધર્મના બધા જ સિદ્ધાન્તો સમાન છે; આમ છતાં તફાવત માત્ર એટલો જ છે કે તિબેટનો બૌદ્ધ ધર્મ પુનર્જન્મમાં માને છે. આ ધર્મની માન્યતા અનુસાર બુદ્ધનો આત્મા ધર્મપુરુષોમાં પુનર્જન્મ પામતો રહે છે. આવા ધર્મપુરુષોમાં દલાઈ લામા અને પંચન લામાનું સ્થાન આવે છે. અહીં ધર્મ અને રાજ્ય લગભગ અવિભાજ્ય બન્યાં છે. દલાઈ લામા ધર્મ અને રાજ્યની બાબતમાં સર્વોચ્ચ સ્થાને વિરાજતા હતા.

1965 પછી ક્રમશ: તિબેટને ચીન સાથે સાંકળી લેવામાં આવ્યું. હાલનું તિબેટ ચીનના પાંચ સ્વાયત્ત પ્રદેશમાંના એક પ્રદેશ તરીકે અસ્તિત્વ ધરાવે છે. ઊંચા પર્વતીય વિસ્તારોને કારણે તે પાંખી વસ્તી ધરાવે છે. તેનું પાટનગર લ્હાસા છે. તેની 2.44 મિલિયનની વસ્તીમાં પાંચ લાખ ચીની પ્રજાજનો છે. તિબેટની બૌદ્ધધર્મી પ્રજાને ચીન સામ્યવાદી શૈલીમાં ઢાળવાનો પ્રયાસ કરી રહ્યું છે. મૂળ તિબેટી પ્રજાજનો તે માટે તૈયાર ન હોવાથી 1959થી ત્યાં વ્યાપક અજંપો શરૂ થયો.

પરિણામે તિબેટ પર ચીનનું શાસન વિવાદાસ્પદ રહ્યું છે. તિબેટના પૂર્વ વડા દલાઈ લામા ચીનની અંદર રહીને સ્વાયત્ત તિબેટની માંગ કરી રહ્યા છે. ભારતના ધરમશાલા ખાતેની તિબેટ સરકાર દેશનિકાલ ભોગવતી તિબેટી સરકાર તરીકે ઓળખાય છે, લોબસંગ સાન્ગે તે સરકારના વડા છે. આ સરકાર અને દલાઈ લામાએ ચીનની સરકાર સાથે અવારનવાર મંત્રણાઓ કરી ‘મેમોરેન્ડમ ઑવ્ જેન્યુઆઇન ઑટોનૉમી’ની માંગ કરેલી છે; પરંતુ ચીનની સરકારને તેમાં સ્વતંત્રતાની ગંધ આવે છે અને સમાધાન દૂર ને દૂર રહી જાય છે. આ અસંતોષને કારણે માર્ચ, 2013 સુધીમાં કુલ 99 તિબેટી નાગરિકોએ પ્રચંડ વિરોધ માટે આત્મવિલોપનનો માર્ગ પસંદ કર્યો છે, જેમાં બૌદ્ધ લામાઓનો પણ સમાવેશ થાય છે.

10 માર્ચ વિશ્વભરમાં માનવઅધિકાર દિન તરીકે મનાવવામાં આવે છે. 10 માર્ચ, 2012થી એક નવું આંદોલન તિબેટવાસીઓએ શરૂ કર્યું છે, જેનું સૂત્ર છે ‘સોલિડારિટી વિથ તિબેટ’. બીજું એક તિબેટી નાગરિકોનું જૂથ ‘ફ્લેમ ઑવ્ ટ્રૂથ’ દ્વારા તિબેટવાસીઓના સ્વાતંત્ર્ય માટે પ્રયાસ કરી રહ્યું છે. આ અભિયાન હેઠળ ઉપર્યુક્ત નામથી મશાલ લઈને તિબેટી પ્રતિનિધિમંડળ વિશ્વના 30થી વધુ દેશોમાં પ્રવાસ કરશે. 6 જુલાઈ, 2012થી આ મંડળે પ્રવાસનો આરંભ કર્યો છે.

વિવિધ દેશોમાંના પ્રવાસ દ્વારા તે તિબેટી પ્રજાજનોની સ્વાયતત્તાની અસરકારક રજૂઆત કરવા ચાહે છે. આમ ચીની સરકાર અને તિબેટી પ્રજાજનોની ઘવાયેલી લાગણીઓ વચ્ચે 2013 સુધીમાં કોઈ સમાધાન નજરે પડ્યું નથી. ચીન સરકાર અને તિબેટી પ્રજાજનો વચ્ચે જુલાઈ, 2014 સુધી આ બાબતે કોઈ મંત્રણા હાથ ધરાઈ નથી.

બીજલ પરમાર

રક્ષા મ. વ્યાસ