તિપ્પેરુદ્રસ્વામી, એચ. (જ. 13 ફેબ્રુઆરી 1928, હોનાલી, જિ. શિમોગા) : કન્નડ લેખક, નવલકથાકાર અને વિવેચક. તેમના પિતા વીરશૈવ સંપ્રદાયના હતા અને તેમણે તેમનું આખું જીવન સાહિત્યસાધનામાં વિતાવેલું. વતનમાં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મેળવ્યા બાદ તિપ્પેરુદ્રસ્વામી હંમેશા તેમના વર્ગમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ પૈકીના એક રહ્યા અને તેમની શૈક્ષણિક કારકિર્દી દરમિયાન તેમણે સંખ્યાબંધ ચંદ્રકો અને ઇનામો મેળવ્યાં. મૈસૂર યુનિવર્સિટીમાંથી તેમણે કન્નડ સાહિત્યમાં બી.એ.ઑનર્સમાં અને 1952માં એમ.એ.ની ડિગ્રી સુવર્ણ ચંદ્રક સાથે પ્રાપ્ત કરી. 1962માં કર્ણાટક યુનિવર્સિટીમાંથી તેમણે ‘શરણાર અનુભવ સાહિત્ય’ શોધપ્રબંધ પર પીએચ.ડી.ની ડિગ્રી મેળવી તે પૂર્વે કન્નડ સાહિત્યના સંશોધનકાર્ય અંગે તેમને ‘ડૉક્ટર ઑવ્ ફિલૉસૉફી’ની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી (1960).
1952માં તેઓ કન્નડમાં અધ્યાપક તરીકે મૈસૂર યુનિવર્સિટીમાં જોડાયા, 10 વર્ષ સુધી તેમણે વિવિધ સ્થાન પર યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગમાં સેવાઓ આપી. 1974થી તેઓ પ્રાધ્યાપક અને શિમોગા જિલ્લાના બી.આર.પ્રોજેક્ટ, અનુસ્નાતક કેન્દ્ર વિભાગના વડા રહ્યા. ‘ભાવગીતે’ નામક પુસ્તિકાથી તેમણે તેમની લેખનકારકિર્દી શરૂ કરી. તેમણે કર્ણાટકના મહાન વીરશૈવ રહસ્યવાદી અલ્લમપ્રભુ અંગે ‘પરિપૂર્ણદેડગે’ નામક સર્વપ્રથમ નવલકથા આપી (1959). તેને રાજ્યનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (1959) પ્રાપ્ત થયો છે. આ આધ્યાત્મિક નવલકથા કહેવાય છે. કર્ણાટકના વીરશૈવ સંતોના રહસ્યવાદી જીવન વિશે તેમણે બીજી 5 નવલકથાઓ જેવી કે, ‘કદલિયકર્પુર’ (અક્કા મહાદેવી, 1962), જ્યોત બેલાગુટિડે (નિજગુણ શિવયોગી, 1964); ‘કર્તારણ કામ્મટ’ (બસવેશ્વર અંગે, 1971); ‘વચન વિરુપક્ષ’ (હરિહર અને રાધવંક અંગે, 1992) અને ‘નેરાલાચેય બેલાકુ’ (સિદ્ધર્મ અંગે, 1981) છે. આ આધ્યાત્મિક નવલકથાઓનો ખાસ પ્રકાર ગણાય. આ ઉપરાંત તેમણે 2 ઐતિહાસિક નવલકથાઓ આપી છે. બદામી ચાલુક્ય વંશના પુલકેશી બીજા અંગે (1961) અને વિજય કલ્પાણ (વિજયનગરના પ્રોઢ દેવરાય બીજા વિશે (1964). પ્રાચીન કર્ણાટકના 2 મહાન શાસકો પરની આ નવલકથાઓ છે. આ નવલકથાઓની ઘણી આવૃત્તિઓ થઈ છે.
તેમણે 16 વિવેચનગ્રંથો આપ્યા છે. તેમાંના ‘કર્ણાટક સંસ્કૃતિ સમીક્ષે’ (1968) માટે તેમને 1969ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. બાકીના ગ્રંથો પૈકી 8 ગ્રંથો વીરશૈવ રહસ્યવાદી સંતો અને કવિઓ જેવા કે રાઘવંક, ભીમકવિ અને ચામરસ, 2 કુવેમ્પુના મહાકાવ્ય ‘શ્રીરામાયણદર્શનમ્’ અને તેમનાં નાટકો વિશે તથા બાકીના વિવેચનમાં અદ્યતન કન્નડ અને સાહિત્યિક વિવેચનના મૂળભૂત સિદ્ધાંતો અંગે છે.
તેમણે સંપાદન કરેલ પ્રાચીન કન્નડ કૃતિઓ ‘આમુગિદેવય્યાગલ સંગન્ય’ (1965), ‘સર્વજ્ઞાન વચનગલુ’ (1978), ‘સિદ્ધરામન વચનગલુ’ (1975) અને ‘માધવાલંકાર’(1978)નો ઉલ્લેખ કરી શકાય.
તેમણે પાંચ અંકી 2 સંપૂર્ણ નાટકો પણ આપ્યાં છે; જેમ કે, ‘વિધિપંજર’ (1964) અને ‘શ્રી વિજગુણ શિવયોગી’ (1978). ‘સરણાર મુહુ નાટકગલુ’ (1962) એકાંકીસંગ્રહ છે. તે ઉપરાંત તેમણે ‘સાહિત્ય ચિત્રગલુ’ નામક વાર્તાસંગ્રહ (1961), એક ઐતિહાસિક શબ્દચિત્ર ‘સિસ્ટના શિવપ્પાનાયક’ (1964) અને ‘તપોરંગ’ નામક કાવ્યસંગ્રહ આપ્યો છે.
બસવેશ્વર પરનો તેમનો પ્રબન્ધ સાહિત્ય અકાદમીની શ્રેણીઓ પૈકીનું એક પ્રકાશન છે. મૈસૂરમાં તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઑવ કન્નડ સ્ટડીઝ અને પૂર્વ તથા પશ્ચિમનાં કાવ્યશાસ્ત્રના તુલનાત્મક અભ્યાસ સાથે સંકળાયેલ છે.
ચન્દ્રકાન્ત મહેતા