તિકન્ના (તેરમી સદી) : મધ્યકાલીન તેલુગુ કવિ. તેલુગુ ભાષાની મધ્યકાલીન શ્રેષ્ઠ કવિ-ત્રિપુટીમાંના એક. એ નેલ્લુરના રાજા મનુજાસિદ્ધિને ત્યાં પ્રધાન હતા અને પોતાની કવિતાના પ્રભાવથી પદભ્રષ્ટ રાજાને એમની ગાદી પર પુન: પ્રસ્થાપિત કરી શક્યા હતા. એ કારણે રાજા એમનું બહુમાન કરતા હતા. એમની પહેલી રચના ‘નિર્વચનોત્તર રામાયણમ્’ હતી. તેનું કથાવસ્તુ રામાયણના ઉત્તરકાંડમાંથી લેવામાં આવ્યું હતું. તેલુગુમાં ગદ્યપદ્યમિશ્રિત ચંપૂશૈલી પ્રવર્તમાન હતી ત્યારે તેમણે કેવળ પદ્યનો પ્રયોગ કરીને એક શુદ્ધ કાવ્યરચનાની શરૂઆત કરી હતી. આ કાવ્યે કવિને પુષ્કળ પ્રતિષ્ઠા અપાવી. એ ક્ષેત્રમાં એ આગળ વધતા ગયા અને આંધ્ર મહાભારતનાં 15 પર્વોની (વન પર્વથી અંત સુધી) રચનાથી એની પરિણતિ થઈ. મહાભારતનાં પહેલાં ત્રણ પર્વો નન્નયભટ એરપિગડ સાથેની સહિયારી સાધનાથી રચાયા હતા. એમણે રચેલાં પર્વોમાં વિરાટપર્વની કથામાં એમની કાવ્યકળા ચરમ શિખરે પહોંચેલી જણાય છે. એમની કવિતામાં ત્રણ લાક્ષણિકતાઓ ર્દષ્ટિએ પડે છે : એક તો નાટ્યાત્મકતા, બીજી માનવમનનું સૂક્ષ્મગહન અધ્યયન અને ત્રીજી તે થોડામાં થોડા શબ્દોમાં અધિકમાં અધિક કહેવાની ક્ષમતા. આ શક્તિને કારણે એમને ‘કવિબ્રહ્મ’નું’ બિરુદ આપવામાં આવ્યું હતું. સંસ્કૃત અને તેલુગુ બંને ભાષા પર સમાન પ્રભુત્વ હોવાને કારણે એમની ‘ઉભયકવિમિત્ર’ રૂપે ખ્યાતિ પ્રસરી છે. એમણે તેલુગુ કવિતાને સંસ્કૃતના ભારણથી મુક્ત કરી તેને વધારે લોકભોગ્ય બનાવી. એ સમયે શૈવ અને વૈદિક ધર્મ વચ્ચે પ્રવર્તતા વિરોધને બદલે એમણે તેનો સમન્વય સાધવાનો પ્રયત્ન કર્યો અને હરિહરસાધનાનું પ્રચલન કર્યું. ‘રામાયણમ્’ તથા ‘મહાભારતમુ’ ઉપરાંત ‘વિજયસેનમુ’ ‘કવિવાગ્બંધનમુ’ અને ‘કૃષ્ણશતક’નાં કાવ્યો પણ એમણે રચ્યાં છે.
ચન્દ્રકાન્ત મહેતા