તાંબે, ભા. રા. (જ. 27 ઑક્ટોબર 1873, મુંગાવલી, મધ્ય ભારત; અ. 7 ડિસેમ્બર 1941, ગ્વાલિયર) : મરાઠી કવિ. આખું નામ ભાસ્કર રામચંદ્ર તાંબે. શિક્ષણ ઝાંસી અને દેવાસ ખાતે. 1893માં પ્રવેશ પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી; પરંતુ કુટુંબની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ઉચ્ચશિક્ષણ લઈ શક્યા ન હતા. મધ્ય ભારતમાં ભિન્ન ભિન્ન સ્થળે ભિન્ન ભિન્ન પદો પર કામ કર્યું; દા. ત., રાજવંશનાં બાળકોના શિક્ષક, રિયાસતોના દીવાન, પોલીસ-અધિનાયક, સરકારી વકીલ, ન્યાયાધીશ ઇત્યાદિ. શિક્ષણ ખાતાના મહામાત્રપદ પર પણ તેમણે કામ કર્યું હતું.

અંગ્રેજ કવિ ટેનિસન અને બ્રાઉનિંગ, સંસ્કૃત કવિ જયદેવ, બંગાળી કવિ રવીન્દ્રનાથ ઠાકુર ઇત્યાદિ કવિઓની કાવ્યરચનાઓના પ્રભાવ હેઠળ આવ્યા હતા. મૂળભૂત રીતે તેઓ ઊર્મિકાવ્યોના રચયિતા હતા. તેમણે મરાઠીમાં નાટ્યગીતો વિપુલ પ્રમાણમાં લખ્યાં છે. તેમની કાવ્યરચનાઓની વિશિષ્ટ શૈલીનો પ્રભાવ રવિકિરણ મંડળના કવિઓ પર પડ્યો હતો, જેમાં માધવ જુલિયન (1894–1973), રાજકવિ યશવંત (1899–1985), ગિરીશ (1893 –1973), વિ. દ. ઘાટે (1895–1978) વગેરે ઉલ્લેખનીય છે. એક ઉચ્ચ કોટિના સૌંદર્યવાદી અને સ્વતંત્ર પ્રતિભા ધરાવતા કવિ તરીકે મરાઠીમાં તેમનું સ્થાન ખૂબ ઊંચું છે. તેમની મોટા ભાગની કાવ્યરચનાઓ ગેય સ્વરૂપની છે.

તેમના ત્રણ કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા છે (1920, 1927 અને 1935). 1935માં પ્રકાશિત સંગ્રહમાં તેમની બધી જ કાવ્યરચનાઓ સંમિલિત કરવામાં આવી છે; જેની કુલ સંખ્યા 225 છે. આ સંગ્રહમાં તેમની કેટલીક હિંદી કાવ્યરચનાઓ પણ સમાવિષ્ટ કરવામાં આવી છે. 1920માં પ્રકાશિત પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન વા. ગો. માયદેવે, બીજાનું સંપાદન અજ્ઞાતવાસી અને ત્રીજા કાવ્યસંગ્રહનું સંપાદન માધવ જુલિયને કર્યું હતું.

કવિ ભા. રા. તાંબે શાસ્ત્રીય સંગીતના જાણકાર હતા અને તેથી તેમની કાવ્યરચનાઓ કયા કયા શાસ્ત્રીય રાગોમાં ગાઈ શકાય તેનો નિર્દેશ તેમણે તેમની કાવ્યરચનાઓની સાથે જ કર્યો છે. તેમનું પોતાનું કાવ્યલેખન અને ગદ્યલેખન પણ નોંધપાત્ર છે. 1926માં યોજવામાં આવેલ મધ્યભારત મરાઠી કવિ-સંમેલનના પ્રમુખપદે તેમની વરણી થઈ હતી. તે ઉપરાંત 1932માં કોલ્હાપુર ખાતે યોજવામાં આવેલ મહારાષ્ટ્ર સાહિત્ય સંમેલન અંતર્ગત જે કવિ-સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું તેના તેઓ અધ્યક્ષ હતા.

1937માં ગ્વાલિયર રિયાસતના રાજકવિ તરીકે તેમની વરણી થઈ હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે