તાશ્કંદ : મધ્ય એશિયાનાં પહાડી ક્ષેત્રોમાં આવેલું સૌથી પ્રાચીન શહેર અને ઉઝબેકિસ્તાન દેશનું પાટનગર તથા ઔદ્યોગિક અને સાંસ્કૃતિક કેન્દ્ર. વિસ્તાર : 335 ચો.કિમી.. તે આશરે 41° 20´ ઉ. અ. અને 69° 18´ પૂ. રે. પર ટિએન શાન પર્વતોની તળેટીના ચિરચિક નદી ઉપરના મોટા રણદ્વીપમાં સમુદ્રસપાટીથી આશરે 478 મીટરની ઊંચાઈએ આવેલું છે. સોવિયેત સંઘના વિઘટન પછી ઉઝબેકિસ્તાને ડિસેમ્બર, 1991માં સ્વાતંત્ર્ય મેળવ્યું. પણ આ પહેલાં સોવિયેત સંઘની સત્તા દરમિયાન તાશ્કંદે ઘણી પ્રગતિ સાધી હતી. આ નગર લાંબા અને સૂકા ઉનાળા તેમજ ટૂંકા શિયાળાવાળી ખંડીય આબોહવા ધરાવે છે. તેનું જાન્યુઆરી તથા જુલાઈનું સરેરાશ તાપમાન અનુક્રમે લગભગ 2° સે. અને 25° સે. જેટલું રહે છે. તેના વાર્ષિક વરસાદનું પ્રમાણ લગભગ 375 મિમી. જેટલું રહે છે. તે પર્વતીય પ્રદેશો વચ્ચે આવેલું છે, તેના રાજમાર્ગો પર અને ઠેકઠેકાણે આવેલાં ઉદ્યાનોમાં વૃક્ષોની હરિયાળી વિકસાવવામાં આવેલી તેથી તાશ્કંદ દુનિયાનાં અતિ હરિયાળાં નગરો પૈકીનું એક ગણાય છે. જ્યારે હવામાન સ્વચ્છ હોય, ત્યારે અહીંથી ચિત્કલ પર્વતોનાં હિમાચ્છાદિત શિખરો ર્દષ્ટિગોચર થાય છે. વળી તેની આસપાસ અનેક જોવાલાયક સ્થળો આવેલાં છે. ટૂંકમાં, આ શહેરનું વાતાવરણ હંમેશાં શાંત, ઠંડું અને આનંદદાયક રહે છે. આથી આંતરરાષ્ટ્રીય સ્તરના મેળાવડા અથવા તો રાજકીય મંત્રણા માટેની શિખર પરિષદો ભરવા માટે તે અનુકૂળ સ્થળ ગણાય છે. તે માટેની બધી જ સુવિધાઓ આ નગરમાં ઉપલબ્ધ છે.

1966ના ધરતીકંપથી આ નગરનાં લગભગ 75,000 કુટુંબોને અસર થઈ હતી. ધરતીકંપથી થયેલી તારાજી પછી આ શહેરને નવેસરથી અને નવીન સ્થાપત્યશૈલીથી બાંધવામાં આવ્યું છે. તેની લગભગ 15% ઇમારતો બે માળવાળી અને 35% ઇમારતો નવ માળવાળી છે. શહેરની મધ્યમાં સત્તર માળવાળી હૉટેલ છે. નગરનાં નવાં રહેઠાણો, કચેરીઓ અને સંકુલો ખૂબ જ મજબૂત છે, ધરતીકંપ સામે ટક્કર ઝીલી શકે તેવી રચના તેઓ ધરાવે છે. તાશ્કંદ ભારે ઇજનેરી ઉદ્યોગો ઉપરાંત રેશમી અને સુતરાઉ કાપડની મિલો પણ ધરાવે છે. આ સિવાય અહીં યંત્રો, મશીનટૂલ્સ, તૈયાર કપડાં, પગરખાં, ચામડાંની બનાવટો, રસાયણો, તમાકુ, ખાદ્ય પદાર્થો વગેરેને લગતા ઉદ્યોગોનો વધુ વિકાસ થયો છે.

તાશ્કંદપ્રદેશનાં કપાસ પકવતાં ક્ષેત્રો : એક દૃશ્ય

આ નગર રેલ, સડક અને હવાઈ માર્ગોનું મુખ્ય મથક છે. ઔદ્યોગિક એકમો ઉપરાંત તે શિક્ષણ અને સંશોધનની સંસ્થાઓ ધરાવે છે. વળી અહીં સંસ્કૃતિ અને કળાને લગતી પ્રવૃત્તિઓ પણ થાય છે. સૂર્યશક્તિના ઉપયોગના વિકાસને લગતાં સંશોધનોમાં તે અગ્રેસર રહ્યું છે.

અહીનાં પંદરમી-સોળમી સદીનાં સૈનિકાગારોનાં અને સત્તરમી સદીનાં કુકેલ્ડાશની મદરેસાનાં સ્થાપત્યો વિશ્વવિખ્યાત છે. 2022માં શહેરની વસ્તી 29,09,466 હતી.

બીજલ પરમાર