તાલમાન : સામાન્ય રીતે શિલ્પકલામાં અને ક્યારેક સ્થાપત્ય કલામાં પ્રમાણમાપ મેળવવાની પદ્ધતિ. તેમાં શિલ્પના ચહેરાને એકમ ગણી તેના ગુણોત્તરમાં અન્ય માપ નક્કી કરાય છે. અન્ય ઉલ્લેખ પ્રમાણે ફેલાયેલાં અંગૂઠા તથા વચલી આંગળીનાં ટેરવાં વચ્ચેના અંતરને પણ એકમ તરીકે લેવાય છે, જેને તાલ કહે છે. ‘માન-સાર’માં 10 તાલ તથા ‘બિમ્બમાન’માં 12 તાલ સુધીનાં પ્રમાણ માપ દર્શાવાયાં છે. શિલ્પમાં પ્રયોજાતાં આવાં તાલમાનના ત્રણ પ્રકાર છે : ઉત્તમ, મધ્યમ તથા અધમ. આમાંનું ઉત્તમ સૌથી મોટું તથા અધમ સૌથી નાનું તાલમાન છે.
હેમંત વાળા