તાર (ધાતુનો) : ધાતુનો સળિયો ટીપીને નાના છિદ્રની ડાઇમાંથી તાણવામાં આવેલો  તાર. તાર બનાવવા માટે ટીપી અને ખેંચી શકાય તેવી ઉચ્ચ તાણસામર્થ્ય ધરાવતી ધાતુઓ અને મિશ્રધાતુઓ વપરાય છે. સોનું, ચાંદી, તાંબું, પિત્તળ, સ્ટીલ, ઍલ્યુમિનિયમ વગેરે ધાતુઓના તાર અનેક પ્રકારના કામ માટે પ્રચલિત છે. સોના-ચાંદીના તાર ઘરેણાં બનાવવામાં, તાંબા અને ઍલ્યુમિનિયમના તાર વીજળીના વહન માટે અને સ્ટીલના તાર અનેક પ્રકારનાં ઍન્જિનિયરિંગ કામો માટે વપરાય છે. તંબૂરા, સારંગી, પિયાનો, સિતાર વગેરે વાજિંત્રોમાં તારનો ઉપયોગ સદીઓથી જાણીતો છે.

તારનું કદ તેના આડછેદના વ્યાસથી દર્શાવાય છે. સરળતા માટે ધાતુતારના વ્યાસનું કદ ગેજ-નંબરથી દર્શાવાય છે. જેમ ગેજ-નંબર મોટો તેમ તારનો વ્યાસ નાનો. અલબત્ત, જુદા જુદા પ્રકારના તાર માટે ગેજ-નંબરિંગ જુદું જુદું હોય છે. જુદા જુદા દેશોમાં પણ ગેજનું વર્ગીકરણ જુદું જુદું હોય છે. સ્ટાન્ડર્ડ વાયર ગેજ (SWG) અને બ્રાઉન અને શાર્પ (B S) ગેજપદ્ધતિઓ વાયરના કદ માટે જાણીતી છે.

તાર બનાવવાની રીત : શરૂઆતમાં ધાતુના ગઠ્ઠાને ટીપી પતરાનું સ્વરૂપ આપવામાં આવતું. પતરાને કાપીને પટ્ટીઓ બનાવવામાં આવતી અને આવી પટ્ટીઓને ટીપીને ગોળ આકાર આપી તાર મેળવાતો. આધુનિક પદ્ધતિમાં સળિયાને ડાઇમાંથી પસાર કરી(ખેંચી)ને તાર તૈયાર કરાય છે. એક ડાઇના છિદ્રમાંથી ખેંચીને બીજી ડાઇના છિદ્રમાં એમ ક્રમશ: પસાર કરી જોઈએ તે પ્રમાણેના વ્યાસવાળા તાર તૈયાર કરવામાં આવે છે. ભારતમાં સોની કારીગરોની ખેંચીને તાર બનાવવાની રીત ઘણી જૂની છે. હાલ મોટા પાયે તારના સતત ઉત્પાદનમાં આધુનિક તારખેંચાણયંત્ર wire drawing machine વપરાય છે (જુઓ નીચેની આકૃતિ).

તારખેંચાણ યંત્ર

તાર મેળવવા કાચા માલ તરીકે સળિયા વપરાય છે. લોખંડના તાર માટે આ સળિયા સામાન્ય રીતે ઉષ્ણ રોલિંગથી તૈયાર થયા હોઈ તેને રાસાયણિક દ્રાવણોથી સાફ કરવામાં આવે છે. અને ત્યારબાદ તેના પર સ્નેહક(lubricant)નું પડ ચડાવવામાં આવે છે સ્નેહક તરીકે ચૂનાનું પડ, પછી સાબુનું પડ, તેના પર તાંબાનું પાતળું પડ અને ફરી સાબુનું પડ એમ લગાડાય છે.

તાર ખેંચવાની બે રીતો છે. એક રીતમાં ખેંચાણ તૂટક હોય છે. જ્યારે બીજી રીતમાં એકધારું અને સતત ખેંચાણ કરાય છે. તાર ખેંચાણ એ શીતકાર્ય છે. તેને લીધે અમુક પ્રમાણમાં ખેંચાણ થયા બાદ તારની સખ્તાઈ (કઠિનતા) વધી જાય છે. કર્ષણક્રિયા દરમિયાન તાર પર એનિલિંગ મૃદુકરણનો ઉષ્મા-ઉપચાર (annealing) કરાય છે.

શીતિત ભરતર લોખંડ, ડાઇસ્ટીલ, સિમેન્ટેડ કાર્બાઇડ કે ડાયમંડ પદાર્થમાંથી તારકર્ષણની ડાઇઓ બનાવાય છે. ડાઇ-પદાર્થની પસંદગીમાં તારની ધાતુ, તારનો વ્યાસ, તારનું સપાટી-સમાપન વગેરે બાબતો ધ્યાનમાં લેવાય છે. ખૂબ ઝીણા તાર માટે ડાયમંડ ડાઇ વપરાય છે.

ઇલેક્ટ્રિક વાયર, ધાતુની સળીઓ, ખીલીઓ, નાના સ્ક્રૂ, ઝીણી પિન વાયરની જાળી, વાયરનાં દોરડાંઓ, કાંટાવાળી વાડો (barbed wire fence), વેલ્ડિંગની સળીઓ, સાઇકલનાં પૈડાંમાં વપરાતા સળિયા, કાચની મજબૂતાઈ માટે વપરાતા તાર – એમ અનેકવિધ બનાવટો માટે ધાતુતાર વપરાય છે. આ કારણસર ધાતુના તાર બનાવવાનો ઉદ્યોગ એ મોટો ઉદ્યોગ બની ગયો છે.

ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ