તારીખ, તિથિ, દિનાંક (calendar-day) : પૃથ્વીને પોતાની ધરી પર એક ચક્ર પૂરું કરતાં લાગતો સમય. પૃથ્વી સૂર્ય આસપાસ એક આંટો ફરી રહે તેટલા સમયને 1 વર્ષ કહેવાય. ચંદ્ર પૃથ્વી આસપાસ એક આંટો ફરી રહે તેટલા સમયને 1 માસ કહેવાય. પૃથ્વી પોતાની ધરી આસપાસ એક આંટો ફરી રહે તેટલા સમયને 1 દિવસ કહેવાય.
વરસની લંબાઈ 365.25 દિવસની છે.
મહિનાની લંબાઈ 29.5 દિવસની છે.
દિવસની લંબાઈ 24 કલાકની છે.
મહિના કે દિવસોની ગણતરી કૅલેન્ડર કે પંચાંગમાંથી મળે છે. વરસ-મહિના-દિવસોની ગોઠવણી કરવા માટે કેટલીયે અટપટી ગણતરીઓ કરવી પડે છે.
ખગોળશાસ્ત્રીઓ તારાઓનાં સ્થાન ઉપરથી ખૂબ ચોકસાઈપૂર્વક વરસની ગણતરી કરે છે, જેને નાક્ષત્ર વર્ષ કહેવામાં આવે છે. તારાને બદલે સૂર્યના સ્થાન પરથી પણ વરસની ગણતરી કરવામાં આવે છે, જે સૌરવર્ષ કે ઋતુવર્ષ કહેવાય છે. સૌરવર્ષ નાક્ષત્ર-વર્ષથી 20 મિનિટ જેટલું નાનું હોય છે. સૌરવર્ષની લંબાઈ 365 દિવસ 5 કલાક, 48 મિનિટ અને 46 સેકન્ડ છે. એક વરસના 12 ભાગ કરીને દરેક ભાગને મહિનાનું નામ આપવામાં આવ્યું છે. આ મહિના એકસરખા દિવસના નથી હોતા. જુદા જુદા મહિનાઓમાં દિવસોની સંખ્યા જુદી જુદી હોય છે.
ઈ. સ. પૂ. 46માં જુલિયસ સીઝરે એક કૅલેન્ડર બનાવરાવ્યું હતું જે જુલિયન-કૅલેન્ડરના નામે ઓળખાયું. એમાં વરસના દિવસોની સંખ્યા 365 લેવામાં આવી. મહિનાનાં માપ 30 કે 31 દિવસનાં રાખવામાં આવ્યાં. વરસની શરૂઆત માર્ચ માસથી કરવામાં આવી (માર્ચ મહિનામાં દિવસ-રાત સરખાં થાય છે માટે). વરસનો છેલ્લો મહિનો ફેબ્રુઆરી નક્કી કરવામાં આવ્યો. 365 દિવસોનો મેળ બેસાડવા માટે વધઘટ પ્રમાણે ફેબ્રુઆરીના 28 કે 29 દિવસો નક્કી કરવામાં આવ્યા. જુલિયસ સીઝરે અને એના પછી ઑગસ્ટસ સીઝરે તેમનાં નામ પરથી શરૂ કરેલા મહિના જુલાઈ અને ઑગસ્ટના દિવસોની સંખ્યા 31 રાખી એટલે ફેબ્રુઆરી માસના દિવસોમાં ઘટાડો કરાયો.
વર્ષની શરૂઆત માર્ચ મહિનાથી થતી હોવાથી કેટલીક મુશ્કેલીઓ જણાવા લાગી. ઈ. સ. 1582માં પોપ ગ્રેગરીએ જરૂરી ફેરફારો કરીને નવું કૅલેન્ડર તૈયાર કરાવ્યું. જે ગ્રેગોરિયન કૅલેન્ડરના નામથી ઓળખાયું. સામાન્ય રીતે વર્ષની શરૂઆત ચંદ્રદર્શનથી (પડવાથી) થતી. આ દિવસ સૌપ્રથમ જાન્યુઆરીની 1લી તારીખે આવ્યો તેથી ગ્રેગોરિયન કૅલેન્ડરમાં વરસની શરૂઆત 1લી જાન્યુઆરીએ કરવામાં આવી અને છેલ્લો મહિનો ડિસેમ્બર નક્કી થયો. એમાં 7 માસ 31 દિવસના, 4 માસ 30 દિવસના અને ફેબ્રુઆરી 28 દિવસનો. આમ કરતાં 365 દિવસ થયા. દિવસનો મેળ બેસાડવા દર ચાર વર્ષે ફેબ્રુઆરીના 29 દિવસ ગણવાનું નક્કી થયું. આ 29 દિવસનો મહિનો પ્લુત વર્ષ(leap year)માં આવે. જે વર્ષની સંખ્યાને 4 વડે નિ:શેષ ભાગી શકાય તે વર્ષ પ્લુતવર્ષ ગણાય. પરંતુ શતાબ્દી વર્ષ હોય તો 400 એ ભાગતાં શૂન્ય શેષ રહે તેને જ પ્લુતવર્ષ ગણાય. જુદા જુદા પ્રાંતોમાં – દેશોમાં જુદાં જુદાં કૅલેન્ડરો અસ્તિત્વ ધરાવે છે.
ભારતમાં પંચાંગની રચના ચાંદ્રમાસ પ્રમાણે થાય છે. એમાં 29 કે 30 દિવસનો માસ થાય છે. દરેક માસના બે ભાગ પડે છે. શુક્લ પક્ષ (સુદ) અને કૃષ્ણ પક્ષ (વદ). દરેક પક્ષમાં 1થી 15 દિવસ (તિથિ) આવે છે. શુક્લપક્ષની છેલ્લી તિથિ પૂનમ અને કૃષ્ણપક્ષની છેલ્લી તિથિ અમાસ છે. કારતક સુદ એકમથી આસો વદ અમાસ સુધીનું એક વર્ષ ગણાય છે. ચાંદ્ર વર્ષ 354 દિવસનું થાય છે. તેથી સૌર-વર્ષ સાથે મેળ બેસાડવા અધિક માસની ગણતરી કરવામાં આવે છે. સરેરાશ બે વરસ અને આઠ માસના અંતરે એક અધિક માસ ઉમેરાય છે. અધિક માસવાળું વર્ષ 13 માસનું બને છે. આ ગણતરી પ્રમાણે કોઈક વાર ચાન્દ્ર વર્ષ સૌરવર્ષથી આગળ નીકળી જાય છે. તેથી તેવે વખતે એક માસ કમી કરવામાં આવે છે જે ક્ષય-માસ તરીકે ઓળખાય છે. ક્ષયમાસ 141 વર્ષ જેટલા લાંબા ગાળે આવે છે.
ચાંદ્ર વર્ષ પ્રમાણે બાર માસનો ક્રમ કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાડ, શ્રાવણ, ભાદરવો અને આસો છે. આ નામો નક્ષત્રોનાં નામ ઉપરથી પાડવામાં આવ્યાં છે, જે અનુક્રમે કૃત્તિકા, મૃગશીર્ષ, પુષ્ય, મઘા, ફાલ્ગુની, ચિત્રા, વિશાખા, જયેષ્ઠા, ઉત્તરાષાઢા, શ્રવણ, ભાદ્રપદ અને અશ્વિની છે.
વારનાં નામો ગ્રહોનાં નામ પરથી અને ગ્રહોના ક્રમ પ્રમાણે પાડ્યાં છે. રવિ (સૂર્ય), સોમ (ચંદ્ર), મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ.
ભારત સરકારે 22 માર્ચ, 1957થી રાષ્ટ્રીય પંચાંગની શરૂઆત કરી છે, જેમાં વિક્રમ સંવતને બદલે શક સંવત ગણતરીમાં લેવાય છે. (આપણા દેશી પંચાંગમાં વિક્રમ સંવત ગણતરીમાં લેવાય છે. વિક્રમ સંવત રાજા વિક્રમના સમયથી એટલે કે ઈ. સ. પૂર્વે 56થી શરૂ થયો છે. જ્યારે શક સંવત શાલિવાહન શકના સમયથી ઈ. સ. 78થી શરૂ થયો છે.) શક સંવત વિક્રમ સંવતથી 134 વર્ષ પાછળ છે. રાષ્ટ્રીય પંચાંગના માસ 12 છે, જે દેશી પંચાંગ મુજબ જ છે. પરંતુ રાષ્ટ્રીય પંચાગમાં વર્ષની શરૂઆત કારતક માસને બદલે ચૈત્ર માસથી થાય છે. ઉપરાંત દરેક મહિનાના દિવસો ચાંદ્ર માસ પ્રમાણે નથી, પરંતુ સૌરવર્ષ પ્રમાણે છે :
માસ | દિવસો | શરૂઆત |
ચૈત્ર | 30 | 22 માર્ચથી |
વૈશાખ | 31 | 21 એપ્રિલથી |
જેઠ | 31 | 22 મેથી |
અષાડ | 31 | 22 જૂનથી |
શ્રાવણ | 31 | 23 જુલાઈથી |
ભાદરવો | 31 | 23 ઑગસ્ટથી |
આસો | 31 | 23 સપ્ટેમ્બરથી |
કારતક | 30 | 23 ઑક્ટોબરથી |
માગશર | 30 | 22 નવેમ્બરથી |
પોષ | 30 | 22 ડિસેમ્બરથી |
મહા | 30 | 21 જાન્યુઆરીથી |
ફાગણ | 30 | 20 ફેબ્રુઆરીથી |
સામાન્ય વર્ષના દિવસો 365 છે. સાત વાર પ્રમાણે ગણતાં વર્ષમાં 52 અઠવાડિયાં આવે છે, જેના દિવસો 364 થાય છે. એટલે દર વર્ષે 1 વારનો ફેર થતો રહે છે. એક વર્ષ રવિવારથી શરૂ થયું હોય તો પછીનું વર્ષ સોમવારથી શરૂ થાય વગેરે. દરેક વર્ષ એક જ વારથી (રવિવારથી) શરૂ થાય એવી યોજના વિચારણા હેઠળ છે. એ મુજબનું વર્લ્ડ કૅલેન્ડર અસ્તિત્વમાં આવે એવી શક્યતા છે.
કિશોર દેસાઈ