તારીખે મુઝફ્ફરશાહી : મુઝફ્ફરશાહ બીજાના શાસન (1511–1526) દરમિયાનનો ઇતિહાસ. તેના કર્તાનું નામ મીર સૈયદ અલી કાશાની હતું. તે ગુજરાતના સુલતાન મુઝફ્ફરશાહ બીજાનો દરબારી ઇતિહાસકાર હતો. તે કવિ પણ હતો. સુલતાન મુઝફ્ફરશાહના આદેશથી તેણે આ ઇતિહાસ આડંબરી ભાષામાં લખ્યો છે.
ગદ્ય અને પદ્યમાં રચાયેલ આ ટૂંકો ઇતિહાસ સુલતાન મુઝફ્ફરશાહ બીજાના માંડૂના વિજય(1517)ની ઘટનાઓ ઉપર આધારિત છે. માંડૂ પરની ચડાઈમાં એ સુલતાન સાથે માળવા ગયો હતો અને એના ફરમાન મુજબ સંભાળપૂર્વક એણે નોંધો રાખી છે. લેખકે પોતે આ ગ્રંથના નામનો કોઈ પણ જગ્યાએ નિર્દેશ કર્યો નથી. જોકે એના પછીના અનુગામી ઇતિહાસકારો આ ઇતિહાસને ‘તારીખે મુઝફ્ફરશાહી’ કહે છે.
જમાલુદ્દીન રહીમુદ્દીન શેખ