તારાસિંગ (જ. 1928, હુકરણ, હોશિયારપુર, પંજાબ) : પંજાબી કવિ. તારાસિંગ કામિલને નામે પણ ઓળખાય છે. તેમના કાવ્યસંગ્રહ ‘કહિકશાં’ને સાહિત્ય અકાદમીનો 1989ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો છે.

તેમણે હાસ્ય-વિનોદપૂર્ણ તથા હળવી કાવ્યરચનાઓથી લેખનનો પ્રારંભ કર્યો હતો. ‘કવિદરબાર’માં આ રચનાઓ ખૂબ લોકપ્રિય બની રહી. ત્યારબાદ તેઓ ગાંભીર્યપૂર્ણ કાવ્યલેખન તરફ વળ્યા. તેમણે 6 ગ્રંથો પ્રગટ કર્યા છે. હિંદી-ઉર્દૂમાંથી પંજાબીમાં અને પંજાબીમાંથી હિંદી-ઉર્દૂમાં અનુવાદનાં 18 પુસ્તકો તેમણે આપ્યાં છે; એક ગદ્યગ્રંથ પણ તેમના નામે છે. તેમની કવિતામાં સાદાઈ, લાલિત્ય, અર્થપૂર્ણતા તથા પ્રવાહિતા જોવા મળે છે. આ વિશેષતાઓને લીધે તેમની કવિતા વિવિધ રસ-રુચિના વાચકોને જકડી રાખ્યા વગર રહેતી નથી.

તારાસિંગ

તેમના ઉપર્યુક્ત પુરસ્કૃત કાવ્યસંગ્રહમાંનાં કાવ્યો સ્વરૂપગત પ્રવાહિતા તેમજ વિચારો અને લાગણીઓની ગહનતા – એ બંને કારણસર નોંધપાત્ર નીવડ્યાં છે. તેની પ્રભાવકતાની સાર્વત્રિકતા, પ્રતીકો તેમજ કલ્પનાઓનો ભાવવાહી વિનિયોગ તથા જીવનની સમગ્રતા સાથેનો લગાવ જેવી વિશેષતાઓને કારણે આ કાવ્યોનો સંગ્રહ પંજાબી સાહિત્યમાં અમૂલ્ય ઉમેરણ લેખાય છે.

મહેશ ચોકસી