તામ્રપર્ણી : શ્રીલંકાનું પ્રાચીન નગર અને પ્રદેશ. શ્રીલંકાના दीपवंस તથા महावंसમાં નિરૂપિત અનુશ્રુતિ અનુસાર સિંહપુરના રાજા સિંહબાહુએ દેશવટો દીધેલો રાજપુત્ર વિજય વહાણમાં સાથીદારો સાથે, ભગવાન બુદ્ધ પરિનિર્વાણ પામ્યા તે દિવસે, લંકાદ્વીપમાં (શ્રીલંકામાં) તામ્રપર્ણા પ્રદેશમાં ઊતર્યો, ત્યાં તેણે તામ્રપર્ણા નામે નગર વસાવ્યું. સિંહલી વસાહત સ્થાપીને પોતાનો રાજવંશ પ્રવર્તાવ્યો. કહે છે કે જ્યારે એ આ પ્રદેશમાં ઊતર્યો ત્યારે જમીન પરથી ઊઠતાં એના હાથ તાંબા જેવા લાલ થયેલા. તે પરથી તેણે આ પ્રદેશને ताम्र-पाणि નામે ઓળખેલો. તામ્રપર્ણી નગર પરથી સમગ્ર સિંહલદ્વીપ પણ તામ્રપર્ણી તરીકે ઓળખાતો.
દક્ષિણ ભારતના પાંડ્ય પ્રદેશમાં (હાલના દક્ષિણ તમિળનાડુમાં) તિન્નેવલ્લી (તિન્નેવેલી) નામે નદી છે. કેટલાક તામ્રપર્ણીને તિન્નેવલ્લી પ્રદેશ તરીકે ઓળખાવે છે.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી