તામ્રગેરુ : આંબાના પાન પર Cephaleuros microid નામની લીલથી થતો ટપકાંનો રોગ. રોગની શરૂઆતમાં પાનની ફલક ઉપર પાણીપોચાં ધાબાં થાય છે, જે તારા આકાર અથવા ગોળ ટપકાંમાં પરિણમે છે. આ લીલ આક્રમણ બાદ પાનની સપાટી પર ગોળાકાર વૃદ્ધિ કરે છે. સમય જતાં લીલના તાંતણા નારંગી રંગ ધારણ કરે છે. તે પરિપક્વ થતાં તેમનો રંગ નારંગી કે લાલ ગેરુ જેવો થઈ જાય છે. આ લીલના બીજાણુથી દંડ ઉપર ગેરુ રંગના બીજાણુઓ ઉત્પન્ન થાય છે. તે દેખાવે લોખંડના કાટ જેવા ગોળ કે તારા આકારનાં ટપકાં જેવા હોય છે. બીજાણુદંડ ઉપરથી બીજાણુઓ પવન મારફતે છૂટાં થઈ, ફેલાઈ જવાથી પાન પર માત્ર ઝાંખા સફેદ કે રાખોડી ડાઘા જેવાં ટપકાં જોવા મળે છે. કેટલીક વાર આવાં ટપકાંની વચ્ચેનો ભાગ ખરી જતાં પાંદડું છિદ્રાળુ બને છે. આ રોગનું આક્રમણ સૌપ્રથમ પાન પર થાય છે, ત્યારબાદ લીલી ડાળીઓ પર ધાબાં કે ટપકાં કરે છે. ભેજમય વાતાવરણમાં નજીકનાં એકથી વધારે ટપકાં ભેગાં થતાં ભૂખરાં કે લાલ નારંગી રંગનાં મોટાં ટપકાં જોવા મળે છે.
આ રોગના નિયંત્રણ માટે 0.02 %થી 0.03 %વાળી તાંબાયુક્ત દવાના 15 દિવસના અંતરે બેથી ત્રણ છટંકાવ કરવા પડે છે.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ