તાપસ્થાપક (thermostat) : બંધિયાર પ્રણાલીના અથવા કોઈ સાધનની અંદરના તાપમાનને અંકુશમાં રાખવા માટેની એક સહાયક પ્રયુક્તિ. વાતાનુકૂલન એકમ, વિદ્યુત-કંબલ (electric blanket), તાપક (heater), પ્રશીતિત્ર (refrigerator) અને બંધચૂલા (oven) વગેરે સાધનોમાં તાપસ્થાપકનો ઉપયોગ થાય છે.
તાપસ્થાપક એવી પ્રયુક્તિ છે જે બંધ વિસ્તાર અથવા સાધનની અંદરનું તાપમાન નિશ્ચિત રાખે છે. તાપમાનના તફાવતનું તે માપન કરે છે અને સાધનમાં ગરમી અથવા ઠંડી પેદા કરતા એકમના તાપમાનને આપોઆપ અંકુશમાં રાખે છે; ઉદાહરણ તરીકે, ઘરમાં ગરમી આપતા કોઈ સાધનનું તાપમાન ઇચ્છિત તાપમાન કરતાં નીચું જાય ત્યારે તેને સંલગ્ન આવેલું ક્વથિત્ર (boiler), આપોઆપ ચાલુ થાય છે. અને ઇચ્છિત તાપમાન પ્રાપ્ત થતાં, તે જ રીતે બંધ થઈ જાય છે.
પ્રવાહી તેમજ વાયુનું તાપમાન વધતાં ઘણીખરી ધાતુઓના કદમાં વધારો થાય છે અને તાપમાન ઘટતાં કદ ઘટે છે. કેટલાક તાપસ્થાપકો આવા વિસ્તરણ અથવા સંકોચનના સિદ્ધાંતને આધારે તાપમાન ઉપર અંકુશ જાળવી રાખે છે.
ઘરમાં ગરમી આપતા એકમ અને વાતાનુકૂલન એકમના તાપસ્થાપકમાં દ્વિ-ધાત્વીય (bimetallic) પટ્ટી હોય છે. તે તાપમાનના ફેરફાર પ્રત્યે સંવેદનશીલ હોય છે. બે જુદી જુદી ધાતુઓની પટ્ટીઓને એકબીજી સાથે જોડેલી રાખવામાં આવે છે. આવી સંયુક્ત પટ્ટીનું તાપમાન વધે, ત્યારે બંને પટ્ટીઓ જુદા જુદા દરથી વિસ્તરણ પામે છે. અને પટ્ટી વાંકી વળે છે. તાપમાન ઘટતાં બંને પટ્ટીઓનું સંકોચન વિરુદ્ધ દિશામાં થતું હોય છે. પટ્ટીના વાંકા વળવાની પ્રક્રિયાને કારણે ગરમ થતા અથવા ઠંડા પડતા સાધન સાથે વિદ્યુત-પરિપથ બંધ કે ચાલુ થાય છે. કેટલાક તાપસ્થાપકમાં એવી રચના હોય છે, જેથી પટ્ટી વાંકી વળતાં તેની સાથે રાખેલ પારો ભરેલો બલ્બ નમે છે. આ રીતે બલ્બ નમતાં વિદ્યુત-પરિપથ બંધ અથવા ચાલુ થાય છે.
કેટલાક તાપસ્થાપકમાં સાધન ગરમ કરવા અથવા ઠંડું પાડવા માટે વાયુ અથવા પ્રવાહીના વિસ્તરણ કે સંકોચનનો ઉપયોગ કરવામાં આવે છે. તાપમાનનો તફાવત નોંધવા માટે બીજા કેટલાક તાપસ્થાપકમાં વિદ્યુતપ્રયુક્તિ અથવા અધોરક્ત સંસૂચક(infra-red detectors)નો ઉપયોગ થાય છે.
કેટલાક તાપસ્થાપકમાં પ્રમાણસર અંકુશનો ઉપયોગ કરવામાં આવે છે. આવા તાપસ્થાપકો ઇચ્છિત અને વાસ્તવિક તાપમાનનો તફાવત માપે છે. તેમાં તાપમાનના તફાવતને પ્રમાણસર ગરમી અથવા ઠંડીનો જથ્થો બદલાય છે. પ્રમાણસર અંકુશ ધરાવતા તાપસ્થાપકમાં તાપમાન બિલકુલ સમ (even) રહે છે. આવા તાપસ્થાપકનો ઉપયોગ ઔદ્યોગિક અને સંશોધનક્ષેત્રે થતો હોય છે. વાતાનુકૂલિત ઘરોમાં વિશિષ્ટ ઉપયોગને અનુરૂપ તાપમાન રાખવા માટે તાપસ્થાપકનો ઉપયોગ થાય છે. વૈજ્ઞાનિક પ્રયોગો માટે જરૂરી સાધનોનું ઉત્પાદન કરતા ઉદ્યોગોમાં પણ તેનો ઉપયોગ થાય છે. પ્રશીતિત્ર સાથે તાપસ્થાપકને જોડતાં, ફળો અને શાકભાજી તાજાં રાખી શકાય છે. તેના વડે ઘરના બંધચૂલા અને ઉદ્યોગોમાં ભઠ્ઠીના તાપમાનને પણ અંકુશમાં રાખી શકાય છે. ઇસ્ત્રી. ગરમ પાણીના તાપક, માછલી-ઘરના તાપક માટે તાપસ્થાપકનો વ્યાપક ઉપયોગ થાય છે.
તાપસ્થાપક વડે મોટરકારની શીતન-પ્રણાલીમાં પાણીના પ્રવાહને અંકુશમાં રાખી શકાય છે. પાણી અમુક તાપમાન પ્રાપ્ત કરે ત્યારે તાપસ્થાપક વાલ્વને ખોલે છે અને ખુલ્લો થયેલો વાલ્વ પાણીને, વિકિરક-(radiator)માં તથા જલાવરણ(water jacket)માં વહન થવાની જગા કરી આપે છે.
પ્રહલાદ છ. પટેલ