તાપરાગી (thermophiles) : 45° સે.થી વધુ તાપમાને જ વૃદ્ધિ પામતા સૂક્ષ્મજીવો. કેટલાક વાતજીવી અને અવાતજીવી બીજાણુધારક બૅક્ટેરિયા તેમજ કેટલીક ફૂગ આ પ્રકારનાં હોય છે.
ઘણાખરા તાપરાગી સૂક્ષ્મજીવો માટે ઇષ્ટતમ તાપમાન 55°થી 60° સે. હોય છે; પરંતુ કેટલાક તો 75° સે. જેટલા ઊંચા પાણીના તાપમાને પણ વૃદ્ધિ પામતા હોય છે; દા.ત., બેસિલસ થરમૉલિક્વેફૅશિઅન્સ 37° અને 70° સે. વચ્ચે વૃદ્ધિ પામે છે અને તેનું ઇષ્ટતમ તાપમાન 60° સે. હોય છે.
તેમનો નિવાસ ગરમ પાણીના નળામાં, ગરમ પાણીનાં ઝરણાંમાં, ઊંચા તાપમાનવાળી કેટલીક જમીનમાં તેમજ વિઘટન પામતી વનસ્પતિપેશીઓ કે જેમાં વિઘટનને પરિણામે ખૂબ ગરમી ઉત્પન્ન થાય છે તે વિસ્તારમાં જોવા મળે છે. કેટલાક તાપરાગી બૅક્ટેરિયા :
1. બેસિલસ કોએગ્યુલાન્સ
2. બેસિલસ સ્ટીરિયોથરમૉફિલસ
3. બૅસિલસ થરમૉકવેફેશિઅન્સ
4. થર્મસ ઍક્વાટિક્સ
5. થરમૉઍક્ટિનોમાયસિસ
ઊંચું તાપમાન સહન કરી શકવામાં આ બૅક્ટેરિયા કોષી સપાટીઓના તેમજ રીબોઝોમોમાંના વિશિષ્ટ પ્રકારના પ્રોટીન, લિપિડો અને ઊંચા તાપમાને ક્રિયાશીલ રહેતા વિશિષ્ટ ઉત્સેચકો જવાબદાર હોવાનું જણાયું છે.
ગરમીની માવજત આપી કૅનમાં પૅક કરેલા ખોરાકમાં પણ તાપરાગી જીવો નાશ પામતા નથી પરંતુ તે 45° સે.થી નીચા તાપમાને વૃદ્ધિ પામી શકતા ન હોવાથી તે માણસના આરોગ્ય માટે જોખમકારક નથી.
પ્રમોદ રતિલાલ શાહ