તાજ ગાંઠ (crown gall) : ચેપને કારણે ટમેટાં, રાસબરી, સફરજન વગેરે ફળવાળી વનસ્પતિના પ્રકાંડ ઉપર ઊગતી ગાંઠ Agrobacterium tumefaciens બૅક્ટેરિયાના ચેપને કારણે આ ગાંઠનો દેખાવ તાજ જેવો હોય છે, તેથી તેને તાજની ગાંઠ કહે છે.
આ ગાંઠ મનુષ્યમાં થતી કૅન્સરની ગાંઠને મળતી આવે છે. ચેપ દરમિયાન આ બૅક્ટેરિયા પોતાના કોષમાં રહેલ TDNA અને T. પ્લાસ્ટિડ યજમાન કોષમાં દાખલ કરે તેથી ગાંઠના કોષો નિર્માણ પામે છે. આ કોષોની ઝડપી વૃદ્ધિ થતાં તે ગાંઠનું સ્વરૂપ ધારણ કરે છે. ગાંઠની વૃદ્ધિ માટે 28° સે. તાપમાન માફક ગણાય છે; પરંતુ 31°થી 32° સે. તાપમાને ગાંઠની વૃદ્ધિ અટકી જાય છે. ચેપ દરમિયાન બૅક્ટેરિયા ઑક્સિન નામે ઓળખાતો વનસ્પતિવૃદ્ધિકારક અંત:સ્રાવ (growth hormone) ઉત્પન્ન કરે છે, જ્યારે ગાંઠ કોષો ઓપાઇન જૈવ રસાયણનો સ્રાવ કરે છે; જેથી બૅક્ટેરિયાની વૃદ્ધિ થાય છે. વિપરીત સંજોગોમાં વનસ્પતિને મળતાં પાણી અને પોષક દ્રવ્યો ગાંઠ તરફ જતાં હોવાથી યજમાન વનસ્પતિનું મૃત્યુ થાય છે.
રોગિષ્ઠ વનસ્પતિમાં ફળોનું કદ ખૂબ નાનું હોય છે.
પ્રમોદ રતિલાલ શાહ