તાજખાન નરપાલી : ગુજરાતમાં મુઝફ્ફરશાહ–બીજા અને બહાદુરશાહના સમયનો (1511થી 1537) અગ્રગણ્ય અમીર. તે ઉદાર અને પરાક્રમી હતો. મુઝફ્ફરશાહ-બીજાએ તેને ‘મજલિસે-સમીખાને –આઝમ તાજખાન’નો ઇલકાબ આપ્યો હતો. મુઝફ્ફરશાહ-બીજા પછી ગાદીએ આવેલા સુલતાન સિકંદરનું ખૂન ઇમાદ ઉલ મુલ્ક ખુશકદમ નામના અમીરે કરાવ્યું ત્યારથી તાજખાન તેનો વિરોધી થઈ ગયો હતો. બહાદુરશાહને સુલતાનપદે સ્થાપવામાં તેનો ઘણો ફાળો હતો. બહાદુરશાહે ઇમાદ ઉલ મુલ્કને હરાવવા તેની સહાય લીધી હતી. તાજખાનની સહાયથી ઇમાદ ઉલ મુલ્કનો કાંટો કાઢી નાખવામાં આવ્યો હતો. ચાંપાનેરમાં બહાદુરશાહનો રાજ્યાભિષેક થયો ત્યારે તાજખાન ત્યાં હાજર હતો. બહાદુરશાહે સુલતાનપદ ધારણ કર્યું ત્યારે તેને વઝીર તરીકે નીમ્યો હતો. તેની જાગીર ધંધૂકામાં હતી. તે ખંભાત અને પેટલાદનો સૂબો પણ હતો. તેણે અમદાવાદમાં શહેરના કોટમાં દક્ષિણ બાજુએ આવેલ તાજપુર નામનું પરું વસાવ્યું હતું.
તેણે આણંદથી 10 કિમી. દૂર આવેલ નાપાડ ગામની ઉત્તર બાજુએ તળાવ બંધાવ્યું હતું. તેના મધ્યભાગમાં જવા માટે તેણે 24 કમાનોવાળો પુલ બંધાવ્યો હતો. પેટલાદના સૂબા તરીકે તેણે વાવ બંધાવી હતી. અમદાવાદના પરા રસૂલાબાદમાં શાહઆલમનો રોજો 1531–32 દરમિયાન બંધાવવાની શરૂઆત કરી હતી. આ રોજો પૂર્ણ થતાં દસ વરસ થયાં હતાં. એ જોતાં તે સ્થાપત્યકલાનો આશ્રયદાતા પણ હતો.
શિવપ્રસાદ રાજગોર