તાકાહામા, ક્યોશી (જ. 22 ફેબ્રુઆરી 1874, જાપાન; અ. 8 એપ્રિલ 1959, કામાકુરા, જાપાન) : જાપાની હાઇકુ કવિ અને નવલકથાકાર. માત્સુયામાં જન્મેલા આ કવિએ આ સદીના પૂર્વાર્ધમાં હાઇકુની દુનિયામાં મહત્વનો ફાળો આપ્યો છે. જાપાનના ‘હોતોતોનીશુ’ સામયિકના તંત્રી તરીકે તાકાહામા ક્યોશીએ અન્ય લેખકોની ખ્યાતનામ કૃતિઓ અને કાવ્યમય ગદ્યનો પરિચય આપીને પ્રશંસનીય કામ કર્યું છે.
1894માં તાકાહામા ક્યોશીએ ટોકિયો જઈ એડો યુગના સાહિત્યનો અભ્યાસ હાથ ધર્યો. હાલ વાસોડા યુનિવર્સિટી તરીકે અને તે જમાનામાં ‘ટોકિયો સેમોન ગાર્કો’ તરીકે ઓળખાતી યુનિવર્સિટીમાં 1895માં પ્રવેશ લીધો; પરંતુ થોડા વખતમાં જ અભ્યાસ છોડીને ‘નિહોન્જાન’ સામયિક્માં હાઇકુ-વિભાગના તંત્રી તરીકે અને હાઇકુના સમાલોચક તરીકેની કામગીરી સ્વીકારી. ત્યાં રહીને જાણીતા હાઇકુ-કવિ બ્યૂસનની કવિતાપ્રણાલીમાં પ્રયોગો આદર્યા અને નવા પ્રકારનાં હાઇકુ લખવા માંડ્યાં. માનવસંબંધોને પ્રતિબિંબિત કરતાં આ નૂતન હાઇકુ પ્રસિદ્ધ થતાં પ્રશંસાપાત્ર બન્યાં.
1897માં કવિનું લગ્ન થયું અને તે જ વર્ષે માસાઓકા શીકીનું સામયિક ‘હોતોતોનીશુ’ પ્રકાશિત થવાની શરૂઆત થઈ. આ પત્ર જ્યારે મુશ્કેલીનો સામનો કરવા માંડ્યું ત્યારે તેમાં પોતાનાં લેખો, કાવ્યો અને ટૂંકી વાર્તાઓ પ્રગટ કરી તેને ટકાવી રાખવામાં ફાળો આપ્યો. તાકાહામા ક્યોશીએ લખેલ ટૂંકી વાર્તાઓ ‘ધ કૉરાકોંમ’ 1908માં પ્રસિદ્ધ થઈ. આ વાર્તાઓને નાત્સુમે સૉસેકીએ પોતાની પ્રસ્તાવનામાં ‘લેઝરલી ટેલ્સ’ નામે વર્ણવી. પાછળથી આ પ્રકારની વાર્તાઓ ‘લેઝરલી સ્કૂલ’ની વાર્તાઓ તરીકે ઓળખાવા લાગી.
1908માં તાકાહામા ક્યોશીએ તેમની પ્રથમ નવલકથા ‘ધ હાઇકુ માસ્ટર’ પ્રસિદ્ધ કરી. 1909માં ટૂંકી વાર્તાઓનું પુસ્તક ‘ઍન ઑર્ડિનરી પર્સન’ પ્રગટ થયું. 1911માં કવિએ કોરિયાની સફર કરી અને ‘કોરિયા’ નામની નવલકથા લખી.
1912 પછીના ગાળામાં ફરી વાર તાકાહામા ક્યોશી હાઇકુ કવિતા તરફ વળ્યા. તેમણે લખેલ પુસ્તક ‘ધ પાથ હાઇકુ ઑટ ટુ ટેક’-(1915)માં હાઇકુ કવિતાના ઉદ્દેશો અને સ્વરૂપની ચર્ચા છે. 1915માં ‘ધ ટુ પર્સિમન્સ’ નામની જાણીતી નવલકથા લખી.
આધુનિક હાઇકુ કવિતાના પ્રણેતા તાકાહામા ક્યોશીએ અનેક કવિઓ અને લેખકોની કારકિર્દી ઘડવામાં ‘હોતોતોનીશું’ સામયિક દ્વારા મદદ કરી હતી.
પંકજ જ. સોની