તાંબું : કુદરતમાં મુક્ત અથવા સંયોજિત રૂપે મળી આવતી, વિદ્યુતસુવાહક, ગુલાબી ઝાંયવાળી ધાતુ. તાંબું એ લોખંડથી પણ પહેલાં ઉપયોગમાં લેવાયેલી ધાતુ છે. રાસ. બં. : Cu; સ્ફ.વ. : ક્યૂબિક; સ્ફ.સ્વ. : સ્ફટિકો ક્યૂબ, ઑક્ટાહેડ્રોન, ડોડેકાહેડ્રોન, ટેટ્રાહેક્ઝાહેડ્રોન સ્વરૂપોમાં; સામાન્યત: લાંબા, ચપટા કે વળેલા; ક્યારેક ગૂંચળા જેવા, દળદાર કે ચૂર્ણમય; સ્ફટિક યુગ્મતા (111) ફલક પર. સ્ફટિકો અપારદર્શક. સં: નથી હોતો; ભં.સ: ખાંચાખૂંચીવાળી; રં.: ઝાંખો ગુલાબી, ખુલ્લા રહેવાથી તામ્રવર્ણી થઈને કથ્થાઈ બને; ચૂ.રં. : ઝાંખો ચમકતો લાલ; ચ.: ધાત્વિક; ક. : 2.5થી 3; વિ.ઘ. : 8.94 પ્રા.સ્થિ: તાંબાધારક સલ્ફાઇડ ધાતુખનિજ નિક્ષેપો તરીકે, મુખ્યત્વે ઑક્સિભૂત વિભાગોમાં મળે છે. બેઝિક બહિષ્કૃત ખડકોના સંપર્કમાં આવેલા કૉંગ્લોમરેટ તેમજ અન્ય જળકૃત ખડકોમાં; બેસાલ્ટનાં પોલાણોમાં અને રેતીખડકો, ચૂનાખડકો તેમજ અન્ય જળકૃત ખડકોમાં પણ મળે છે. ક્યાંક બે સેમી. કે તેથી વધુ લંબાઈના, તો ક્યાંક 420 ટન વજનવાળા દળદાર સ્વરૂપે પણ મળી રહે છે. ક્યારેક સુંદર સ્ફટિકો પણ મળે છે.
પ્રાપ્તિસ્થાન : કૅનેડા, મેક્સિકો, બોલિવિયા, ચિલી, ઇંગ્લૅન્ડ, સ્કૉટલૅન્ડ, ઇટાલી, જર્મની, રશિયા, ઑસ્ટ્રેલિયા, નૈર્ઋત્ય આફ્રિકા અગત્યનાં સ્થાનો છે. ભારતમાં પણ મળે છે.
ઉપયોગ : તેની ઊંચી વીજવાહકતાને કારણે મુખ્યત્વે વીજઉદ્યોગમાં તેનો ઉપયોગ થાય છે. જોકે હવે વીજળીના તારનાં દોરડાં બનાવવા માટે તાંબાનું સ્થાન ઍલ્યુમિનિયમે લીધું છે. તાંબાને કલાઈ સાથે ભેળવી કાંસું, જસત સાથે ભેળવી પિત્તળ, ઍલ્યુમિનિયમ સાથે ભેળવી ડ્યુરેલ્યુમિના અને નિકલ સાથે ભેળવી મોનેલ જેવી મિશ્રધાતુઓ બનાવાય છે. તાંબાના ક્ષારો ચેપનાશકો માટે, ફૂગનાશકો માટે અને રંગીન કાચ બનાવવામાં વપરાય છે. ભારત પાસે તાંબાનાં ખનિજો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાથી જરૂરિયાતને પહોંચી વળવા તેની આયાત કરવામાં આવે છે.
ભારતમાં તાંબાના ધાતુનિક્ષેપો ઉત્પન્ન કરતાં મુખ્ય રાજ્યોમાં ઝારખંડ, રાજસ્થાન, આંધ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઓરિસા અને સિક્કિમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત થોડા પ્રમાણમાં તે તમિળનાડુ, કેરળ, પંજાબ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળા, જમ્મુ-કાશ્મીર અને અમુક પ્રમાણમાં ગુજરાત(અંબાજી)માં મળે છે. ભારતનું તાંબાનાં ખનિજોનું કુલ વાર્ષિક ઉત્પાદન 50 લાખ ટન જેટલું છે.
ગિરીશભાઈ પંડ્યા