તલવારબાજી

January, 2014

તલવારબાજી : શત્રુ પર આક્રમણ અને શત્રુના ઘાથી પોતાનું રક્ષણ કરવા માટે લોહાનું બનેલું શસ્ત્ર. તેનું એક તરફનું પાનું ધારદાર હોય છે. પ્રાચીન કાળથી તલવારબાજી યુદ્ધની કૌશલ્યપૂર્ણ પદ્ધતિ તેમજ લોકપ્રિય દ્વંદ્વસ્પર્ધા રહી છે. જ્યારે આધુનિક શસ્ત્રો ન હતાં ત્યારે ભૂતકાળના યુદ્ધમાં ‘તલવાર’ જ મુખ્ય શસ્ત્ર ગણાતું. ઇતિહાસમાં ઘણા રાજાઓ, રાણીઓ અને યોદ્ધાઓ એમની તલવારબાજીની કળા માટે ઉલ્લેખપાત્ર બન્યાં છે. સફળ તલવારબાજ બનવા માટે સાહસ ઉપરાંત ચપળતા અને શક્તિની જરૂર પડે છે. આજના અણુયુગમાં યુદ્ધની આ કળાનો લોપ થઈ ગયો છે. જોકે આજે પણ ઘણા અખાડાઓ અને વ્યાયામશાળાઓમાં ‘તલવારબાજી’ શીખવાય છે અને ‘વ્યાયામનિદર્શન’ દરમિયાન એનું સરસ પ્રદર્શન પણ કરવામાં આવે છે.

વર્તમાન સમયમાં રમત તરીકે વિશેષ પ્રકારની તલવાર વડે તલવારબાજી ‘ફેન્સિંગ’ના રૂપમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમાય છે. અંગ્રેજી ‘ડિફેન્સ’ એટલે ‘રક્ષા’ ઉપરથી રમતનું તે નામ પડ્યું છે. ફેન્સિંગ ઑલિમ્પિક રમત પણ છે. આ રમતમાં જો સ્પર્ધક પ્રતિસ્પર્ધીના અમુક નક્કી કરેલા શરીરના ભાગોને તલવારથી સ્પર્શી જાય તો તેને તે પ્રમાણે ગુણ આપવામાં આવે છે અને વધુ ગુણ પ્રાપ્ત કરનારને વિજેતા જાહેર કરવામાં આવે છે. સ્પર્ધકને રમતાં ઈજા  ન થઈ જાય તે માટે વિશેષ ગણવેશ અને ચહેરા પર જાળીદાર રક્ષક મહોરું પહેરવાની છૂટ આપવામાં આવે છે. આજે તલવારબાજીનું રૂપ બદલાઈ ગયું છે, છતાં તેની લોકચાહનામાં કોઈ ફેર પડ્યો નથી.

તલવારબાજીના કેટલાક નોંધપાત્ર ખેલાડીઓ આ પ્રમાણે છે : અલેકસાંદ્ર, રોમાન્કૉવ, (રશિયા; જ. 1953); ક્રિશ્ચિયન દ’ ઓરિયોલા (ફ્રાન્સ); અલાદાર ગેરેવિચ, (હંગેરી : જ. 1910); રેમોન ફોન્સ્ટ (ક્યૂબા; 1883–1959); નેદો નાદી (ઇટાલી; 1894–1952;) એડોઆર્ડો મેંગિયારોતી, (ઇટાલી; જ. 1919); હેલન મૅયર (જર્મની; 1910–53); ઈલોના શેખરર ઈલેક (હંગેરી; 1907–88); એલન મુલર પ્રેઇસ, (ઑસ્ટ્રિયા; જ. 1912); કૉર્નોલિયા હેનિશ (જર્મની; જ. 1952) આધુનિક જમાનામાં તલવાર એ માત્ર આલંકારિક (decoration) કે પ્રદર્શન માટેનું શસ્ત્ર હોય છે. જેનું સંગ્રહાલયોમાં પ્રદર્શન કરવામાં આવે છે.

પ્રભુદયાલ શર્મા