તરૈ મુરૈહળ (1968) : તમિળ સાહિત્યના સ્વાતંત્ર્યોત્તરકાળના પ્રસિદ્ધ નવલકથાકાર નીલ પદ્મનાભનની તમિળ સાહિત્યની પ્રથમ જાનપદી નવલકથા. આ પ્રકારની નવલકથાનો આરંભ ‘તરૈ મુરૈહળ’થી થયો.
એમાં તમિળનાડુના ઇરણિયલ નામક શહેરમાં વસતી ચેટ્ટિયાર (વેપારી) જાતિનું સર્વતોમુખી નિરૂપણ છે. એ જાતિના લોકો મોટેભાગે નાનો મોટો ધંધો કરતા હોય છે. એ જાતિના લોકોની રહેણીકરણી, ખાણીપીણી, વેશભૂષા, બોલી, રીતરિવાજ, પરંપરા, લગ્ન, મરણ, સીમંત વગેરે ધાર્મિક સંસ્કારો; વારતહેવારની ઉજવણી; એમના વહેમો, માન્યતાઓ – એ બધાંનું વિસ્તારથી નિરૂપણ છે. એ ઉપરાંત એમનાં પર્વો અને ઉત્સવો સમયે ગવાતાં ગીતો, એ બધાનું રસપ્રદ આલેખન એમણે એક કુટુંબને કેન્દ્રમાં રાખીને કર્યું છે. 70 વર્ષના ગાળામાં પેઢીએ પેઢીએ જે પરિવર્તન થતું ગયું તે તેમણે દર્શાવ્યું છે અર્થાત્, આ ત્રણ પેઢીની કથા છે. નવી તથા જૂની પેઢીનો સંઘર્ષ પણ દર્શાવી એમણે સમાજશાસ્ત્રીય અભિગમ અપનાવ્યો છે. પ્રસંગાલેખન, પાત્રનિરૂપણ એ જાતિની બોલીની વિશિષ્ટ લઢણનું ભાષાવૈજ્ઞાનિકની અદાથી ચિત્રણ કર્યું છે. આમ વિસ્તાર બહોળો હોવા છતાં એમણે કથાના વહેણને સળંગ રાખ્યું છે. આ આંચલિક નવલકથા હોવાથી અને અનેક પેઢીઓનું આલેખન હોવાથી એમાં ચેટ્ટિયાર જાતિ જ કથાનાયક છે અને કથા વાતાવરણપ્રધાન છે. નવલકથા દ્વારા લેખકે સંદેશ આપ્યો છે કે પરંપરાને જડતાથી વળગી રહેવાથી કોઈ પણ જાતની પ્રગતિ થતી નથી. જાતિએ બહારના સમાજમાં જે પરિવર્તનો થાય છે તે અપનાવવાં જોઈએ અને સમાજમાં થતા પરિવર્તનની જોડે તાલ મિલાવતાં રહેવું જોઈએ. ભવિષ્ય સાવ અંધકારભર્યું નથી એવું નવી પેઢીના ચિત્રણ દ્વારા લેખક પ્રતિપાદિત કરે છે.
ચન્દ્રકાન્ત મહેતા