તરસ : પાણી પીવાની ઇચ્છા થાય તેવી સંવેદના. શરીરમાંની વિવિધ જૈવભૌતિક સ્થિતિઓ તરસની સંવેદના ઉત્પન્ન કરે છે, જેમાં શરીરના પ્રવાહીની સાંદ્રતા (concentration) કે આસૃતિ(osmoticity)નો વધારો મુખ્ય પરિબળ ગણાય છે. તે મુખ્યત્વે બે સ્થિતિમાં થાય છે : શરીરમાંથી પાણી વધુ પ્રમાણમાં નીકળી જાય અથવા શરીરમાં ક્ષારનું પ્રમાણ વધે. શરીરમાંથી પાણી નીકળી જાય ત્યારે તેને નિર્જલન (dehydration) કહે છે. તે સમયે પેશીઓમાં પાણી ઘટે છે. વળી જ્યારે શરીરમાં ક્ષારનું પ્રમાણ વધે ત્યારે પેશીઓમાં પાણી વધારે પ્રમાણમાં જમા થાય છે. પરંતુ બન્ને સ્થિતિમાં કોષમાંના પાણીનું પ્રમાણ ઘટે છે. જ્યારે કોષોમાં પાણીનું પ્રમાણ ઘટે છે ત્યારે તરસની સંવેદના ઉદભવે છે. આ ઉપરાંત કેટલાંક અન્ય પરિબળો પણ તરસની સંવેદનાને અસર કરે છે; જેમ કે, મોં, ગળું અને જીભ સૂકાં હોય, પેટ ભરેલું હોય કે કોઈ લાગણીજનક સામાજિક પ્રસંગ-સંજોગ ઉદભવ્યો હોય તોપણ તરસ લાગે છે.
તરસની સંવેદનાનું અર્થઘટન અને તેનો પ્રતિભાવ કેન્દ્રીય ચેતાતંત્રના કાર્યક્ષેત્રમાં આવે છે. મગજની નીચેના ભાગમાં આવેલો અધશ્ચેતક (hypothalamus) નામનો વિસ્તાર તરસ માટેના ઉચ્ચતમ ચેતાકેન્દ્ર તરીકે કામ કરે છે. તેથી તેના રોગોમાં ઓછી તરસ લાગવાનો, અલ્પતૃષા(hypodipsia)નો કે વધુ તરસ લાગવાનો, અતિતૃષા (polydipsia)નો વિકાર થાય છે.
વધુ તરસ લાગવાના મહત્વના વિકારોમાં નિર્જલન મધુપ્રમેહ તથા અતિમૂત્રમેહ (diabetes insipidus) ગણાય છે. વધુ પડતો પેશાબ બને તેવા વિકારવાળા રોગને અતિમૂત્રમેહ કહે છે. શરીરમાંથી પોટૅશિયમનું પ્રમાણ ઘટે ત્યારે પણ વધુ પડતી તરસ લાગે છે. લોહીમાંનું એન્જિઓટેન્સીન–2 નામનું દ્રવ્ય પણ તરસની સંવેદનાને ઉત્તેજે છે. સામાન્ય રીતે મોટાભાગના લોકો જરૂર કરતાં વધુ પાણી પીએ છે અને તેથી મંદસાંદ્રતાવાળો પેશાબ બને છે. આવી પાણી પીવાની આદત સામાજિક રીતભાત કે ચા-દારૂના સેવન સાથે સંબંધિત હોય છે. વધુ તરસ અને વધુ પેશાબ કરતા વિવિધ વિકારોમાં મનોવિકારી (psychogenic) અતિતૃષા, અધશ્ચેતકના રોગોમાં થતી અતિતૃષા તથા ફિનોથાયઝીન જૂથની દવાઓને કારણે પાણી પીવાની પ્રક્રિયામાં વિષમતા આવે છે. કેટલાક મૂત્રપિંડના વિકારોમાં વધુ પડતો મંદ સાંદ્રતાવાળો પેશાબ થાય છે. ક્યારેક મૂત્રલતાશામક અંત:સ્રાવ (anti-diuretic hormone) અસર સામે અવરોધ કરતો વિકાર થાય ત્યારે પણ શરીરમાંથી વધુ પ્રવાહી વહી જાય છે. તેવી જ રીતે મધુપ્રમેહ કે યુરેમિયામાં પણ વધુ પડતો મંદ સાંદ્રતાવાળો પેશાબ થાય છે. આ બધા જ વિકારોમાં વધુ પડતી તરસ લાગે છે.
શિલીન નં. શુક્લ