તમાશા : મહારાષ્ટ્રનું પારંપરિક લોકનાટ્ય. ‘તમાશા’ શબ્દ મરાઠીમાં ઉર્દૂ ભાષામાંથી આવ્યો છે. સંત એકનાથે તેમના એક ભારૂડ(અભિનય ગીત)માં ‘બડે બડે ‘તમાશા દેખે’ એ પંક્તિમાં ‘તમાશા’ શબ્દનો પ્રયોગ કર્યો છે. ‘તમાશા’નો શાબ્દિક અર્થ ‘દેખાવ કરવો’ થાય છે. આ નિમ્ન કોટિનો સુરુચિવિહીન કલાપ્રકાર છે એવી એક ભ્રામક માન્યતા પ્રચલિત હતી; પણ આજે તમાશાને પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ છે. મહારાષ્ટ્રમાં ગ્રામજનોના સમુદાયમાંયે તે અત્યંત લોકપ્રિય છે. તમાશાના શ્રેષ્ઠ કવિ પઠ્ઠે બાપુરાવે એમની એક રચનામાં લખ્યું છે ‘‘વહેલા આવો સિદ્ધ ગણેશા, ભીતર કીર્તન, ઉપર તમાશા.’’ (‘લવકર યાવે સિદ્ધ ગણેશા, આતૂન કીર્તન, વરુન તમાશા’) તેમાં ‘તમાશા’ના મૂળ સ્વરૂપનું યથાર્થ વર્ણન કરવામાં આવ્યું છે. ભક્તિ અને શૃંગારના સંયોગથી તમાશાનો ઉદભવ થયો છે એમ મનાય છે.

આ મરાઠી લોકકલાનું મૂળ પહેલી સદીમાં  સાતવાહન રાજા હાલે રચેલી ‘ગાથા સપ્તશતી’નાં અભિનયગીતોમાં મળે છે. અનેક સદીઓથી ગોંધળ, ભારૂડ, લળિત, દશાવતારી જેવા લોકનાટ્યના પ્રકારોની જેમ ભેદિક નામથી ઓળખાતાં આધ્યાત્મિક ગીતો ગાનાર કળાકારોની મંડળીઓ ગ્રામીણ જનતાને મનોરંજન પૂરું પાડતી. સોળમી સદીમાં એ લોકો પોવાડાના રૂપમાં વીરકથાઓ રચી ભજવવા લાગ્યા. ભક્તિપ્રધાન ગૌળણ ગીતો તથા પોવાડા ગાઈ અને નૃત્ય કરી તે આજીવિકા મેળવતા. ડવરી, ડોંબારી, કોલ્હાટી, મહાર, માંગ જેવી પછાત જાતિના કલાકારો તેમની રજૂઆત આકર્ષક બનાવવા શૃંગારપ્રધાન લાવણીગીતો રચીને રજૂ કરતા. એ લાવણીમાંથી તમાશાનો વિકાસ થયો. તમાશાનું રૂપ પેશવાઈ યુગના શાયરોની લાવણીઓમાં સ્પષ્ટ રૂપે ર્દષ્ટિએ પડે છે. શૃંગાર અને ભક્તિમિશ્રિત ગૌળણ ગીતો અને કેવળ શૃંગારિક લાવણી નૃત્ય દ્વારા સાભિનય રજૂ કરવાં એ જ તમાશાના અસલી રૂપમાં જોવા મળતું. ભવાઈના વેશ જેવું વગનાટ્ય તમાશામાં ઓગણીસમી શતાબ્દીમાં આવ્યું. વગમાં પૌરાણિક અને ઐતિહાસિક કથાપ્રસંગો નૃત્યગીત અને તત્કાળ સ્ફુરે એવા અભિનય દ્વારા રજૂ થતા. મરાઠી રંગભૂમિ પર અંગ્રેજી ‘ફાર્સ’નો પ્રભાવ પડ્યો ત્યાર પછી ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં તેના અનુકરણ રૂપે સમકાલીન સામાજિક સમસ્યાઓ, સામાજિક ઘટનાઓ દ્વારા પ્રસ્તુત કરવાની પરંપરા શરૂ થઈ. સ્વાતંત્ર્યસંગ્રામના કાળમાં યુદ્ધપ્રચારના માધ્યમ રૂપે પણ તમાશાનો ઉપયોગ થતો.

પેશવાઈ અમલમાં રામ જોશી, હોનાજી-બાળા, અનંત ફંદી, પ્રભાકર જેવા શાયરોનું તમાશામાં પ્રદાન ઉલ્લેખનીય છે. ત્યાર પછી અગનભાઉ, પઠ્ઠે બાપુરાવ જેવા ઓગણીસમી તથા વીસમી સદીના કવિ-કલાકારોએ તમાશાના નવઘડતરમાં મહત્વની કામગીરી બજાવી. સ્વતંત્રતા-સંગ્રામો અને ત્યારપછી પણ લોકજાગૃતિ માટે અણ્ણાભાઉ સાઠે, અમર શેખ, માડગુળકર, પુ. લ. દેશપાંડે, શાહીર સાબળે, વસંત સબનીસ વગેરેએ પણ શાહીરી અને તમાશાના પુનર્ગઠનમાં મહત્વનો ફાળો આપ્યો છે. દશાવતારી તથા તમાશા જેવી પારંપરિક નાટ્યપ્રણાલીનાં પ્રભાવક તત્વોનો પૂર્ણાંશે ઉપયોગ કરી એને આધુનિક પૂર્ણ નાટ્યરૂપ આપવામાં જેમણે મહત્વની કામગીરી બજાવી છે તેઓ છે વ્યંકટેશ માડગુળકર, વસંત સબનીસ, વિજય તેંડુલકર, આળેકર, શંકર પાટીલ તથા વસંત બાપટ. તમાશાને આધુનિક યુગને તથા વિશેષે કરીને ઉચ્ચ અને મધ્યમ સ્તરના તથા બુદ્ધિજીવી લોકોને સુગ્રાહ્ય એવું સ્વરૂપ આપવામાં વિજયા મહેતા, અરવિંદ દેશપાંડે, જબ્બર પટેલ જેવા ખ્યાતનામ દિગ્દર્શકોનું પ્રદાન પણ અતિ મહત્વનું છે.

પેશવાઈના ઉત્તરકાળમાં અને અંગ્રેજ શાસનમાં 1880થી 1930 સુધી તમાશાનું પ્રચલન સારા પ્રમાણમાં હતું. પણ સ્વાતંત્ર્યોત્તર કાળમાં એક તબક્કે તમાશા પર અશ્લીલતાનું આળ મૂકી એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો; પણ સાથે તમાશાની ક્ષમતાને ધ્યાનમાં લઈ ‘તમાશા સુધાર સમિતિ’ની સ્થાપના થઈ. એમાં પરિવર્તનને પણ સુગમ બનાવવામાં આવ્યું.

તમાશાની રજૂઆત નીચેના ક્રમ પ્રમાણે થાય છે : (1) ગણ-ગણેશ પ્રાર્થના, (2) ગૌળણ – કૃષ્ણલીલાનાં શૃંગારરસપ્રધાન ગીતો, (3) બતાવણી-પૂર્વરંગ અને ઉત્તરાર્ધમાં (4) વગ (ગૌળણ, બતાવણી અને વગની રજૂઆતમાં નૃત્યગીતો સાથે સ્વયંસ્ફૂર્ત અભિનય પણ હોય છે.)

ગ્રામીણ યાત્રાઓમાં તમાશાની ભજવણી રંગમંચની ચારેય બાજુ પ્રેક્ષકો હોય એવી રીતે થાય છે. ક્યારેક પાછળ પડદો અને ત્રણ બાજુ પડદો એવી રીતે પણ તમાશા ભજવાય છે. આજકાલ શહેરોનાં બંધ નાટ્યગૃહોમાં, સામેની બાજુ જ પ્રેક્ષકો હોય એ રીતે પણ તમાશા ભજવાતા હોય છે.

દશાવતારીની જેમ જ તમાશાની ભજવણીમાં કોઈ પણ પ્રકારના ર્દશ્યબંધ અથવા મંચવસ્તુઓ ઉપયોગમાં લેવાતાં નથી. બધાંનો આભાસ સ્વયંસ્ફૂર્ત અભિનય દ્વારા જ કરાવવામાં આવે છે. તમાશાના નૃત્ય પર કથક નૃત્યશૈલીનો પ્રભાવ ર્દષ્ટિએ પડે છે. સોંગાડ્યા(વિદૂષક)ની હાસ્યાત્મક ઉક્તિઓ તથા અભિનય દ્વારા પ્રેક્ષકોની જોડે સતત સંપર્ક જળવાય છે. કંઠ્યસંગીતની સાથે સાથે ડફ (ડફલી), ઝાંઝ (મંજીરાં), ઢોલકી, તુણતુણે (એક પ્રકારનું તંતુવાદ્ય) અને હાર્મોનિયમ દ્વારા પાર્શ્વસંગીત સાંકળવામાં આવે છે. વાદ્યકારો વિશેષે કરીને મંચના ડાબા અથવા જમણા ખૂણામાં બેસે છે. પુરુષોની વેશભૂષા શાહીરી પદ્ધતિની (ધોતિયું, સુરવાલ, ઝભ્ભો અને ફેંટો) હોય છે તથા સ્ત્રીઓ ગજની સાડી પહેરે છે. પૂર્વે પાત્રાનુરૂપ વેશભૂષા નહોતી પણ હવે શહેરની રંગભૂમિના અનુકરણથી સ્ત્રીઓ અને પુરુષો રંગબેરંગી અને ઝમકદાર વસ્ત્રો પહેરે છે.

1920 સુધી તમાશામાં પુરુષો જ સ્ત્રીપાત્રો ભજવતા, પણ ત્યારપછી સ્ત્રીપાત્રોનો અભિનય સ્ત્રીઓ જ કરે છે.

ગણ, ગૌળણ, બતાવણી, વગ જેવાં પ્રમુખ અંગો ઉપરાંત તમાશાનાં અન્ય અંગો પણ છે, જે ક્યારેક તમાશામાં પ્રયુક્ત થાય છે. એ અંગો નીચે પ્રમાણે છે :

(1) દૌલત જ્યાદા, (2) ભેદિક કવનો, (3) મુજરા, (4) રંગબાજી, આશકમાશૂકની ઉન્મત્ત શૃંગારચેષ્ટાઓ, (5) છક્કડ – પદ્યમય શૃંગારિક સંવાદ (6) ફાર્સ, (7) સંગીતબારી – સંગીત મહેફિલ.

યશવંત કેળકર