તબ્રિજ (Tabri’z) : ઈરાનની વાયવ્યે આવેલ ઉત્તર આઝરબૈજાન પ્રાંતનું પાટનગર અને દેશનાં મોટાં નગરોમાં ચોથો ક્રમ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : 38° 05´ ઉ. અ. અને 46° 18´ પૂ. રે.. વિસ્તાર : શહેર : 324 ચોકિમી; મહાનગર : 2386 ચોકિમી. તે રશિયાની સરહદથી દક્ષિણે 97 કિમી. તથા તુર્કસ્તાનથી પૂર્વમાં આશરે 177 કિમી. દૂર આવેલું છે. સાહંદ પર્વતની ઉત્તરે આવેલ સપાટ મેદાનમાં વસેલું આ શહેર સમુદ્રની સપાટીથી 420.62 મી. ઊંચાઈ ધરાવે છે. તે ઉત્તરે આજીચાઈ નદી પર આવેલી ટેકરીઓથી ઘેરાયેલું છે. ભૂસ્તરશાસ્ત્ર અને ભૂગોળની દૃષ્ટિએ ભૂકંપીય વિસ્તારમાં આવેલ આ નગરનો ઈ. સ. 791, 858, 1041, 1721 અને 1780માં વિનાશ થયો હતો. તે ઉપરાંત આ નગર અવારનવાર હળવા ભૂકંપોનું ભોગ બનતું રહ્યું છે. તે આક્રમણખોરોના હુમલાઓનો ભોગ પણ બનતું રહ્યું છે. કાળા સમુદ્ર અને રશિયાના કોકેશિયન પ્રદેશને સાંકળતા વ્યાપારી માર્ગ પર આવેલ હોઈ તેનું પ્રાચીન કાળથી એક અનોખું મહત્ત્વ હતું. તેરમી અને ચૌદમી સદીમાં તબ્રિજ મોંગલ રાજાઓની રાજધાનીનું શહેર હતું.
સમીપમાં આવેલ ગરમ પાણીના ઝરા પરથી ‘તબ્રિજ’ નામ પડ્યું છે. તેની વસ્તી : શહેર : 15,58,693, મહાનગર : 17,73,023 (2016) છે. મોટાભાગના લોકો અઝરબૈજાન મૂળના છે. અલબત્ત, તે કુર્હીશ લઘુમતી પણ ધરાવે છે
જાજમો અને ગાલીચાઓ માટે તબ્રિજ સુવિખ્યાત છે. વળી, ત્યાં સુતરાઉ કાપડ, ચામડાની વસ્તુઓ, સાબુ, પેઇન્ટ, તથા ફળોનું ઉત્પાદન થાય છે. એક સમયે તબ્રિજના આશરે 45 કિમી. જેટલા બજાર-રસ્તાઓ છતવાળા હતા ! નગરમાં અમેરિકન મિશન હૉસ્પિટલ અને દેવળ આવ્યાં છે; પરંતુ અમેરિકન પ્રેસ્બીટેરિયન મિશન દ્વારા સંચાલિત શાળા સરકારે પોતાના હસ્તક લઈ લીધી અને એક યુનિવર્સિટી સ્થાપવામાં આવી. પ્રથમ વિશ્વયુદ્ધ પછી રશિયા સાથેના વેપારમાં ઓટ આવતાં તબ્રિજને સહન કરવું પડ્યું. અહીં હવાઈ મથક તથા વિશાળ લશ્કરી થાણું આવેલું છે. 1979 પછી ઈરાનના સર્વેસર્વા આયાતોલ્લા ખોમેનીના શાસનના એક વિરોધી કેન્દ્ર તરીકે તબ્રિજ ઊપસી આવ્યું.
ઇતિહાસ : તેરમી સદીના અંત ભાગમાં મધ્ય એશિયાથી ઇજિપ્ત સુધી પથરાયેલા ગઝનખાનના મોંગલ સામ્રાજ્યનું તે પાટનગર હતું. આજે તો તે ઈંટ માટીના ખંડેર રૂપે જોવા મળે છે. ચૌદમી સદીની શરૂઆતનાં વર્ષોમાં તે એક મહાન વિદ્યાકેન્દ્ર તરીકે નામાંકિત હતું. વડાપ્રધાન રશિદ અદ્-દીન એક ખ્યાતનામ ચિકિત્સક તથા ઇતિહાસકાર હતા. રશિદીયેહના પરાવિસ્તારમાં તેમણે ખગોળીય વેધશાળા હૉસ્પિટલ, રસ્તા અને અનેક ધાર્મિક સંસ્થાઓ સ્થાપી હતી, આને લીધે જગતભરમાંથી વિદ્વાનો અને શિક્ષકો અહીં આવતા. 1318માં રશિદ અદ્-દીન પાસેથી સત્તા છીનવાઈ જતાં આ વિદ્યાકેન્દ્રનું પતન થયું. 1382માં તુર્ક-વિજેતા તિમુરે તબ્રિજ પર કબજો કર્યો. લાંબા સમય સુધી ઑટોમાન સામ્રાજ્ય અને પર્શિયન સામ્રાજ્ય વચ્ચેના વિવાદના કેન્દ્ર તરીકે રહેલું આ નગર 1618માં પર્શિયન સામ્રાજ્યનો ભાગ બની રહ્યું. 1721થી 1730 સુધી તે તુર્કી સામ્રાજ્યના તથા 1827થી 1828 અને 1945થી 1946 સુધી તે રશિયનોના તાબે રહ્યું.
વીસમી સદીના આરંભે ઈરાનમાં બંધારણીય સરકાર માટેના આંદોલનમાં તબ્રિજે મહત્ત્વનો ફાળો આપ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ ટાણે રશિયનોએ જુલ્ફાથી તબ્રિજ સુધીની બ્રૉડગેજ રેલવેલાઇન બિછાવી. 1957માં તબ્રિજને ટ્રાન્સઈરાનિયન રેલરોડ મારફતે તહેરાન સાથે સાંકળવામાં આવ્યું. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સોવિયેત યુનિયન દ્વારા સ્થાપિત ઐઝરબૈજાન પ્રજાસત્તાકનું તે પાટનગર બન્યું.
નવનીત દવે