તપાસપંચ (Inquiry commission) : જાહેર અગત્ય ધરાવતી અને આમજનતાને સ્પર્શતી મહત્ત્વની બાબતોની તપાસ કરવા માટે તથા જાહેર જીવનમાં પડેલી વ્યક્તિઓની વર્તણૂકની તપાસ કરવા માટે વખતોવખત નિમાતું પંચ. મુખ્ય હેતુ વહીવટમાં સ્વચ્છતા અને પ્રામાણિકતા જાળવવાનો તથા મંત્રીઓની વર્તણૂકમાં વધુમાં વધુ પારદર્શકતા લાવવાનો હોય છે. સને 1921 પહેલાં ઇંગ્લૅન્ડમાં કોઈ પણ બાબતની તપાસ (ઇન્ક્વાયરી) અને સંશોધન (ઇન્વેસ્ટિગેશન) કરવા માટે જ્યારે જ્યારે જરૂરિયાત ઊભી થતી ત્યારે ત્યારે પાર્લમેન્ટરી કમિટીઓની રચના કરીને જે તે બાબતની તપાસ કરાવવામાં આવતી હતી અને તેની બંધારણીયતા અદાલતો દ્વારા માન્ય રાખવામાં આવતી હતી; પરંતુ એને કારણે ઊભી થતી કેટલીક મુશ્કેલીઓ દૂર કરવા માટે ઇંગ્લૅન્ડમાં ‘ટ્રિબ્યુનલ ઑવ્ ઇન્ક્વાયરી (એવિડન્સ) ઍક્ટ, 1921’ પસાર કરીને તપાસપંચની રચના કરવાની જોગવાઈ કરવામાં આવી.
બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં પણ તપાસપંચ નીમવાની બાબતમાં કોઈ કેન્દ્રીય કાયદો ન હતો. તે વખતે જુદી જુદી બાબતોની તપાસ કરવા માટે ઇંગ્લૅન્ડની સરકાર દ્વારા સંખ્યાબંધ શાહી (royal) કમિશનોની નિમણૂક કરવામાં આવતી હતી. આઝાદી પછી કેન્દ્રસરકારના હુકમ પ્રમાણે જુદાં જુદાં તપાસપંચ અને જુદી જુદી કમિટીઓની રચના કરવાની શરૂઆત થઈ; પરંતુ અનુભવે એમ માલૂમ પડ્યું કે આવી કમિટીઓ અને તપાસપંચો સાક્ષીઓને હાજર રાખવા અને દસ્તાવેજોની રજૂઆત કરવા માટે ફરજ પાડવામાં સફળ થતાં ન હતાં. આથી જ્યારે પણ કોઈ જાહેર અગત્ય(public importance)ની બાબત ઊભી થાય અથવા જ્યારે આવી કોઈ મહત્વની બાબત માટે માંગ ઊભી થાય ત્યારે તપાસપંચની નિમણૂક કરી શકાય એવી સત્તા કેન્દ્રસરકારને અને રાજ્યસરકારને આપવામાં આવે એવી જરૂરિયાત ઊભી થઈ, જેના પરિણામે તપાસપંચ અધિનિયમ (કમિશન ઑવ્ ઇન્ક્વાયરી ઍક્ટ) 1952 અસ્તિત્વમાં આવ્યો. આ કાયદા અનુસાર કાર્ય કરતી વખતે કેટલીક ઊણપો અને ગૂંચવણ અનુભવાતી હોય એમ સતત લાગતું રહ્યું. તેથી તેમાં સુધારા-વધારા સૂચવવા માટે આ કાયદાને લૉ-કમિશન ઑવ્ ઇન્ડિયા પાસે મોકલી આપવામાં આવ્યો હતો. તેણે તપાસની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે તેના ચોવીસમા રિપોર્ટમાં કેટલીક અગત્યની ભલામણો કરી હતી. તેના અનુસંધાનમાં 1969માં લોકસભામાં કમિશન ઑવ્ ઇન્ક્વાયરી (ઍમેન્ડમેન્ટ) બિલ, 1969 રજૂ કરવામાં આવ્યું. પાર્લમેન્ટે આ બિલ તેની જૉઇન્ટ કમિટીને મોકલી આપ્યું. આ જૉઇન્ટ કમિટીએ તેનો અહેવાલ પાર્લમેન્ટનાં બંને ગૃહ સમક્ષ તા. 9મી નવેમ્બર, 1970ના દિવસે રજૂ કર્યો પરંતુ ચોથી લોકસભાનો ભંગ થતાં એ બિલ પસાર ન થઈ શક્યું; પરંતુ ત્યાર પછીની સરકારોએ 1971 અને 1986માં આ કાયદામાં જરૂરી સુધારા–વધારા દાખલ કરીને તેની અસરકારકતા વધારવા પ્રયત્ન કર્યો છે.
આ કાયદો જમ્મુ અને કાશ્મીર સિવાયના સમગ્ર ભારતમાં લાગુ પડે છે. જમ્મુ અને કાશ્મીરની બાબતમાં આ કાયદો ભારતના રાજ્યબંધારણના સાતમા સિડ્યૂલમાં દર્શાવેલી સૂચિ નં. 1 અને 3ની અંદર આવરી લીધેલી બાબતો પૂરતો જ લાગુ પડે છે. આ કાયદા દ્વારા કેન્દ્રસરકાર કે રાજ્યસરકાર કોઈ પણ બાબતની તપાસ કરવા માટે તપાસપંચની રચના કરે છે અને તેને તે અંગે જરૂરી સત્તાઓ આપે છે. જ્યારે કોઈ બાબતની તપાસ કરવા માટે કેન્દ્રસરકારે કોઈ તપાસ-પંચની નિમણૂક કરી હોય તો કેન્દ્રસરકારની પરવાનગી વિના રાજ્યસરકાર તે જ બાબતમાં તપાસ કરવા માટે તપાસપંચ નીમી શકતી નથી; પરંતુ કોઈ રાજ્યસરકારે કોઈ બાબતની તપાસ કરવા માટે તપાસ પંચ નીમવાની કેન્દ્રસરકારને વિનંતી કરી હોય અને તે વિનંતીનો કેન્દ્રસરકારે સ્વીકાર કર્યો ન હોય અથવા ઇનકાર કર્યો હોય તો તેને કારણે રાજ્યસરકારના તપાસ પંચ નીમવાના અધિકાર ઉપર કાપ આવી જતો નથી. રાજ્યસરકાર જે તે બાબતમાં પોતે તપાસપંચ નીમવાનું પગલું ભરી શકે છે.
જે તે સરકાર તેને લાગુ પડતી બાબત માટે તપાસપંચ નીમવાનો અધિકાર ધરાવે છે. તેવી જ રીતે કોઈ બાબતની તપાસ કરવા માટે કોઈ રાજ્યસરકારે કોઈ તપાસપંચની રચના કરી હોય તો તે જ બાબતની તપાસ કરવા માટે સામાન્ય રીતે કેન્દ્રસરકાર બીજા તપાસ-પંચની નિમણૂક કરતી નથી.
કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન દાખલ કરવામાં આવ્યું હોય અને તે સમયગાળા દરમિયાન તે રાજ્યના રાજ્યપાલ કોઈ બાબતની તપાસ કરવા માટે તપાસપંચની રચના કરતું જાહેરાતનામું બહાર પાડે તો તે તપાસપંચ કાયદેસર ગણાય છે.
આવા તપાસપંચની નિમણૂક ‘જાહેર અગત્ય’ની કોઈ ચોક્કસ બાબત માટે અને સામાન્ય રીતે નક્કી કરેલા સમયમાં તપાસનું કાર્ય પૂરું કરવા માટે કરી શકાય છે. આવા તપાસપંચે જાહેરાતનામામાં જણાવ્યા પ્રમાણે કાર્ય કરવાનું હોય છે.
જો તે અંગેના જાહેરાતનામામાં તપાસ પૂરી કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી ન હોય તો પાછળથી બીજું સમયમર્યાદા જાહેર કરતું નવું જાહેરાતનામું બહાર પાડી શકાય છે.
તપાસપંચ નીમવા માટે પ્રથમદર્શી જાહેર અગત્યનું કારણ છે કે કેમ તે બાબતની ન્યાયિક સમીક્ષા (judicial review) કરવાની અદાલતને સત્તા છે.
જ્યારે સામસામે ગેરવર્તણૂકના માત્ર આક્ષેપો અને પ્રતિઆક્ષેપો કરવામાં આવતા હોય પરંતુ જો કોઈ પુરાવા આપવામાં આવ્યા ન હોય તો તે તપાસ દ્વેષપૂર્ણ હતી એમ ન કહી શકાય. સુપ્રીમ કોર્ટે 1969માં વ્યક્ત કરેલા મત અનુસાર તપાસપંચે પોતે જે તે ખુલાસા કરવા જોઈએ; પરંતુ આવા કિસ્સામાં જો બનેલા બનાવોનો ક્રમ અને ત્યાર પછી તેના અનુસંધાનમાં લેવામાં આવેલાં પગલાંને કારણે સ્વયંસ્પષ્ટ રીતે એમ પ્રતીત થતું હોય કે તપાસપંચની નિમણૂક બદઇરાદાપૂર્ણ કે દ્વેષપૂર્ણ છે તો કોર્ટ આવા તપાસપંચની નિમણૂક અંગેના હુકમનામાને રદ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે 1969માં વ્યક્ત કરેલા મત અનુસાર જે કોઈ બાબત જાહેર અગત્યની હોય પછી તે બાબત ફોજદારી હોય, દીવાની હોય કે કરારજન્ય બાબત હોય તેને માટે તપાસ કરવા તપાસપંચની નિમણૂક કરવામાં આવે તો તે કાયદેસર ગણાય છે.
આ કાયદા અન્વયે સરકારને માત્ર ‘જાહેર અગત્યની કોઈ ચોક્કસ બાબત માટે જ તપાસપંચ નીમવાની સત્તા આપવામાં આવી છે. જ્યારે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ અથવા કોઈ સંસ્થા કે સંસ્થાઓના સમૂહની વર્તણૂક સમાજ માટે હાનિકર્તા બને અથવા તો તે વર્તણૂક એટલું ભયજનક સ્વરૂપ ધારણ કરે કે જેને કારણે સામાન્ય જનતાનાં સુખશાંતિ કે સુખાકારીને અવળી અસર પડવાનું જોખમ ઊભું થાય અથવા તેને ધમકીરૂપ બને ત્યારે તેવી બાબતોની તપાસ કરવા માટે સરકાર તપાસપંચની નિમણૂક કરી શકે છે.
કોઈ બાબત ખરેખર જાહેર અગત્ય ધરાવતી હોય અને તેથી તેની તપાસ કરવા માટે તપાસપંચની રચના કરવામાં આવી હોય ત્યારે માત્ર લોકો તેનો વિરોધ કરે અથવા તેવી તપાસની વિરુદ્ધ આંદોલન કરે તો તેથી તે બાબતની જાહેર અગત્ય નષ્ટ થતી નથી, એવું સુપ્રીમ કોર્ટે 1967માં સ્પષ્ટપણે જણાવ્યું હતું. પૂર્વનિર્ણીતવાદ- (predeterminism)ના નિયમ પ્રમાણે એક બાબત એક વખત નક્કી થઈ ગયા પછી બીજી વાર એક જ બાબત માટે તપાસપંચ નીમી ન શકાય એવો વાંધો ઉઠાવી શકાતો નથી.
સામાન્ય સંજોગોમાં કોઈ સરકારે શુદ્ધ બુદ્ધિથી કોઈ બાબતની તપાસ કરવા માટે કોઈ તપાસપંચની કાયદેસર રીતે નિમણૂક કરી હોય અને તે તપાસપંચ પોતાની કાયદેસરની ફરજના ભાગ રૂપે તપાસ ચલાવતું હોય અને તે દરમિયાન તે બાબત અંગે કોઈ દીવાની, ફોજદારી કે અન્ય કોઈ કોર્ટમાં કાર્યવાહી ચાલુ હોય તો માત્ર સમાંતર કાર્યવાહી ચાલુ હોવાને કારણે તપાસ પંચે કોર્ટની કાર્યવાહીનો તિરસ્કાર કર્યો છે એમ ન કહી શકાય. જાહેર જીવનમાં પડેલી વ્યક્તિ સામે કરવામાં આવેલ આક્ષેપો સાથે સુસંગત હકીકતો ભેગી કરીને તેનો અહેવાલ રજૂ કરવા માટે તપાસપંચની નિમણૂક કરવામાં આવતી હોય છે. ત્યાર પછી સરકારને યોગ્ય લાગે તો આ રીતે રજૂ કરેલી માહિતીનો ઉપયોગ કાયદેસરની કાર્યવાહી કરવા માટે કરી શકે છે, પરંતુ આવા તપાસપંચે કાઢેલાં તારણો કોઈ વ્યક્તિને સજા કરવા માટે આધારભૂત ગણાતાં નથી.
તપાસ પંચના કાયદા અન્વયે તપાસપંચને દીવાની અદાલત જેવા કેટલાક અધિકારો પ્રાપ્ત થતા હોવા છતાં તેને દીવાની અદાલત જેવો મોભો પ્રાપ્ત થતો નથી. તપાસપંચ તેની રચના કરતા જાહેરાતનામામાં જણાવેલ હેતુ પૂરતી જ દીવાની અદાલત ગણાય છે. તેથી આવા તપાસપંચનો અહેવાલ માત્ર ભલામણ-સ્વરૂપનો ગણાય છે. સરકાર માટે તે કોઈ રીતે બંધનકર્તા થતો નથી. તેનો અહેવાલ ન્યાયિક કાર્યવાહીમાં પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકાતો નથી. છાપાંમાં છપાયેલા રિપોર્ટ પુરાવા તરીકે માન્ય ગણાતા નથી. આવા તપાસપંચે ન્યાય (justice) કે સમન્યાય(equity)ની પરિપૂર્તિ કરવા માટે કાર્ય કરવાનું હોતું નથી. તેણે તો માત્ર સરકાર માટે આધારભૂત માહિતી શોધીને એકત્ર કરવાની હોય છે. અલબત્ત, તપાસપંચ પોતે કોઈ બાબત સોગંદનામા સાથે રજૂ કરે તો તે બાબત તેટલા પૂરતી કાયદા જેવું બળ ધરાવે છે.
સરકારે બહાર પાડેલા જાહેરાતનામા દ્વારા તપાસપંચને સોંપાયેલ બાબત સિવાયની અને તપાસને આનુષંગિક ન હોય તેવી બાબતની તપાસ જે તે તપાસપંચની હકૂમત બહારની (extraneous) ગણાય છે.
રાજ્યસરકાર એક તપાસપંચની નિમણૂક કરે પરંતુ જો તે તપાસપંચ પૂરતી માહિતી એકત્ર ન કરી શકે તો તે જ બાબત પરત્વે બીજું તપાસપંચ બેસાડવાથી કોઈ કાયદેસરતાનો ભંગ થયેલો ગણાતો નથી. કોઈ બાબતના અનુસંધાનમાં અદાલતમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોય અને તે બાબતનો કાયદેસર રીતે નિકાલ લાવવામાં આવ્યો હોય તો તે જ બાબતની તપાસ કરવા માટે તપાસપંચ નીમવાનો સરકારને અધિકાર રહેતો નથી.
તપાસપંચને દેશની દીવાની અદાલતોને હોય તેટલી બધી જ સત્તા હોય છે; દા. ત., ભારતના કોઈ પણ વિસ્તારમાંથી કોઈ પણ વ્યક્તિને તપાસ માટે હાજર થવાનો હુકમ કરવાનો (summons) અને તેને સોગંદ ઉપર તપાસવાની સત્તા, તેને માટે જરૂરી કોઈ પણ પ્રકારના દસ્તાવેજની શોધખોળ કરવાની અને તેની રજૂઆત માટે હુકમ કરવાની સત્તા, સોગંદનામા ઉપર પુરાવા લેવાની સત્તા, કોઈ પણ અદાલત કે સરકારી વિભાગમાંથી તેનો રેકૉર્ડ રજૂ કરવાનો હુકમ કરવાની કે તેની નકલ પૂરી પાડવાનો હુકમ કરવાની સત્તા, કોઈ દસ્તાવેજ કે સાક્ષીને તપાસવા માટેની સત્તા વગેરે.
કોઈ વ્યક્તિની વર્તણૂકની તપાસ કરવાની તપાસપંચને જરૂરિયાત લાગે અથવા તપાસપંચના અભિપ્રાયો પ્રમાણે જે વ્યક્તિની આવી તપાસ કરવાની હોય તેના મોભાને આવી તપાસ નુકસાન કરે એમ હોય તો તપાસપંચ આવી વ્યક્તિને તપાસ દરમિયાન સાંભળવાની અને તે વ્યક્તિને પોતાના બચાવ માટે પુરાવાઓ રજૂ કરવાની વાજબી તક પૂરી પાડે છે.
જો કોઈ વ્યક્તિ જે તે સમયે અમલમાં હોય એવા કોઈ પણ કાયદા અન્વયે કોઈ પણ પ્રકારનો વિશેષાધિકાર હોવાનો દાવો કરતી હોય તેને બાદ કરતાં તપાસપંચને તેના અભિપ્રાય મુજબ જરૂરી લાગે તેવી કોઈ પણ વ્યક્તિને તેની સમક્ષ તપાસના વિષય સાથે સુસંગત એવી કોઈ પણ બાબત અંગેની માહિતી પૂરી પાડવા માટે હાજર થવાનો હુકમ કરી શકે છે. કોઈ પણ વ્યક્તિને પુરાવા રજૂ કરવા માટે હાજર રહેવાનો હુકમ કરવાની તપાસપંચને અમર્યાદિત સત્તા હોય છે.
આવા નિમાયેલા દરેક તપાસપંચને પોતાની કાર્યવાહી કેવી રીતે ચલાવવી તે નક્કી કરવાની સત્તા હોય છે; એટલું જ નહિ, પરંતુ એ તપાસ પંચ પોતાની કાર્યવાહી જાહેરમાં કરશે કે ખાનગીમાં તે પણ નક્કી કરવાની તેને સત્તા હોય છે; પરંતુ જો સરકારે જાહેરાતનામું બહાર પાડતી વખતે તપાસપંચની કાર્યવાહીને લગતા કોઈ ચોક્કસ નિયમો બનાવ્યા હોય તો તપાસપંચે તે નિયમોને અધીન રહીને કાર્યવાહી કરવાની હોય છે.
તપાસપંચમાં એક કે વધારે સભ્યો હોઈ શકે છે. જ્યારે કોઈ તપાસપંચમાં એક કરતાં વધારે સભ્યો હોય ત્યારે તેમાંથી એકને તપાસપંચના ચૅરમૅન બનાવવામાં આવે છે. તપાસના કોઈ પણ તબક્કે સરકારને યોગ્ય લાગે તો તપાસપંચમાં નવા સભ્યોનો ઉમેરો કરવાની કે ખાલી પડેલ જગ્યા ભરવાની સત્તા હોય છે તેમ છતાં બે કે તેથી વધુ સભ્યોનું તપાસપંચ બનેલું હોય અને તેની કાર્યવાહી દરમિયાન તેના ચૅરમૅન કે કોઈ અન્ય સભ્ય ગેરહાજર હોય કે કોઈ સભ્યની જગ્યા ખાલી પડી હોય તો તે ગાળા દરમિયાન તપાસપંચ પોતાની કાર્યવાહી ચાલુ રાખી શકે છે અને તે કાયદેસર ગણાય છે
ઉપરની કાયદાની જોગવાઈ પ્રમાણે સામાન્ય નિયમ એવો છે કે સરકારે તપાસપંચની નિમણૂક કરી હોય તેને તપાસપંચ તરફથી તેનો અહેવાલ મળ્યો હોય તો તે અહેવાલ અને તેને આધારે સરકારે લીધેલાં પગલાં અંગેનો અહેવાલ છ માસમાં વિધાનસભા સમક્ષ રજૂ કરવાનો હોય છે.
કેન્દ્રસરકારે આવો અહેવાલ સંસદનાં બંને ગૃહોમાં અને રાજ્યસરકારે તેના વિધાનગૃહમાં રજૂ કરવાનો હોય છે; છતાં તપાસપંચના અહેવાલમાં એવી બાબતો આવરી લેવામાં આવી હોય કે જે જાહેર હિતના સંદર્ભમાં જે તે ગૃહ સમક્ષ રજૂ કરવી ઇચ્છનીય ન હોય ત્યારે તપાસપંચ અધિનિયમ 1952માં 1986માં કરવામાં આવેલ એક સુધારા મુજબ જે તે સરકાર તેમાંથી મુક્તિ મેળવી શકે છે. આ સુધારા અનુસાર જો કોઈ બાબત દેશના સાર્વભૌમત્વ (sovereignty) અને અખંડિતતા (integrity) માટે તથા રાષ્ટ્રની સલામતી અને વિદેશ સાથેના મૈત્રીભર્યા સંબંધોની જાળવણી માટે કે જાહેર હિત માટે ગૃહ સમક્ષ રજૂ કરવી સરકારને હિતાવહ ન લાગે તો સરકાર ગેઝેટમાં તે મતલબનું એક જાહેરાતનામું પ્રસિદ્ધ કરીને તેમાંથી મુક્તિ મેળવી શકે છે.
તપાસપંચની નિમણૂક સરકારે જાહેરાતનામું બહાર પાડીને કરી હોય પરંતુ તે સરકારને પાછળથી એવા તપાસપંચને ચાલુ રાખવાનું જરૂરી ન લાગે તો તે સરકાર તે અંગેનું જાહેરાતનામું બહાર પાડીને તેનો અંત લાવી શકે છે.
સ્વાધીનતા પછી ભારતમાં નિમાયેલાં અગત્યનાં તપાસપંચોમાં જીવન વીમા નિગમનાં નાણાંના હરિદાસ મુંધ્રાની કંપનીમાંના રોકાણ બાબતમાં 1958માં નીમવામાં આવેલ ‘ચાગલા કમિશન’, કટોકટીનાં વર્ષો દરમિયાન (1975-77) તે વખતની કેન્દ્રસરકારે લીધેલા નિર્ણયો તથા પગલાંઓની તપાસ કરવા માટે 1978માં નીમવામાં આવેલ ‘શાહ કમિશન’, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાની તપાસ કરવા 1992માં નીમવામાં આવેલ ‘જૈન કમિશન’ વગેરેનો ઉલ્લેખ કરી શકાય.
પ્રવીણ જે. ગાંધી