તપસ્વી ઓ તરંગિણી (1965) : બંગાળી લેખક બુદ્ધદેવ બસુનું કાવ્યનાટક. એને સાહિત્ય અકાદમીના 1967ની શ્રેષ્ઠ બંગાળી રચના માટેના પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યું હતું.
નાટકનું કથાનક પુરાણમાંથી લેવામાં આવ્યું છે. એમાં પ્રેમ અને વાસના વચ્ચેનો સંઘર્ષ દર્શાવાયો છે. અંગ દેશમાં વર્ષો સુધી વરસાદ વરસ્યો ન હોવાથી ત્યાં દુકાળની પરિસ્થિતિ પ્રવર્તતી હતી એથી વરુણને પ્રસન્ન કરવાને ચંપાથી શહેરની અપ્સરા તરંગિણી દ્વારા ઋષ્યશૃંગ ઋષિની કામવાસનાને ઉત્તેજી પછી રાજા સોમદત્તની દીકરી શાંતા જોડે લગ્ન કરાવી દેવાની યોજના ઘડાઈ. શાંતા રાજાના મંત્રીના દીકરા અંગસુમનના પ્રેમમાં હતી. તરંગિણી દેશભક્તિની ભાવનાથી પ્રેરાઈ આ યોજના પાર પાડવા સંમત થઈ. તરંગિણી ઋષ્યશૃંગને ચળાવવા જતાં ખરેખર ઋષ્યશૃંગના પ્રેમમાં પડી ગઈ અને શાંતા મંત્રીના કુંવર જોડે પરણી શકી. આમ ઋષિમાં વાસના ઉશ્કેરવા જતાં, એમાંથી સાચો દૈહિકથી પર એવો વિશુદ્ધ પ્રેમ પ્રગટ્યો.
પૌરાણિક કથા પર આધારિત આ નાટકમાં બીજા અને ત્રીજા અંક વચ્ચે એક દિવસનો સમયગાળો છે, જ્યારે ત્રીજા અને ચોથા વચ્ચે એક વર્ષનું સમયાંતર છે. બંગાળી કાવ્યનાટકોમાં વિષય અને પ્રસ્તુતીકરણની ર્દષ્ટિએ આ નાટક અગ્રસ્થાનનું અધિકારી બન્યું છે. આ નાટકનો ગુજરાતીમાં અનુવાદ ડૉ. ભોળાભાઈ પટેલે આપ્યો છે.
ચન્દ્રકાન્ત મહેતા