તનાવક્ષમતા (tensile strength) : ખેંચી રાખેલા પદાર્થની, તૂટી ગયા સિવાય, મહત્તમ ભાર સહન કરી શકવાની શક્તિ. ખેંચાણ પહેલાંના તેના મૂળ આડછેદના ક્ષેત્રફળ વડે ભાગવાથી મળતી ભૌતિક રાશિ માટે તેનું પરિમાણ એકમ ક્ષેત્રફળ ઉપર લાગતું બળ છે; અને MKS માપ પદ્ધતિમાં તેને કિલોગ્રામ દર ચોરસ મીટર વડે દર્શાવવામાં આવે છે.
તનાવક્ષમતા કરતાં ઓછા મૂલ્યના પ્રતિબળ(stress)ને દૂર કરતાં, પદાર્થ પોતાનો મૂળ આકાર કે કદ સંપૂર્ણ કે અંશત: પ્રાપ્ત કરે છે. પદાર્થ ઉપર લગાડવામાં આવતા પ્રતિબળનું મૂલ્ય તનાવક્ષમતા જેટલું હોય તો ચીકણી માટીના પિંડની જેમ ખેંચાઈ જતા તન્ય (ductile) પદાર્થ, ઝડપથી સંકોચન પામી, ડોક જેવો આકાર પ્રાપ્ત કરીને ત્યાંથી તૂટવા માંડે છે.
એરચ મા. બલસારા