તડતડિયાં : હેમિપ્ટેરા શ્રેણીની જીવાત. ડાંગર તથા કપાસ અને અન્ય પાકને નુકસાન કરતાં તડતડિયાંનો સમાવેશ અનુક્રમે ડેલ્ફાસીડી અને જેસીડી કુળમાં થયેલો છે. આ જીવાતનાં બચ્ચાં અને પુખ્ત કીટક ફાચર આકારનાં હોય છે, જે પાન પર ત્રાંસું ચાલતાં જોવા મળે છે. આ જીવાતનો ઉપદ્રવ કપાસ ડાંગર, દિવેલા, ભીંડા, રીંગણી, મગફળી અને કઠોળ પાકો(ફણસી, વાલ, ચોળા, મગ)માં જોવા મળે છે. તેનાં મુખાંગો વેધક-ચૂસક (piercing sucking) પ્રકારનાં હોય છે. કપાસ, ભીંડા, રીંગણ, દિવેલા જેવા પાકમાં જોવા મળતાં તડતડિયાં પાનની નીચે જોવા મળે છે. તેનાં બચ્ચાં આછા પીળાશ પડતા લીલા રંગનાં અને પાંખો વગરનાં હોય છે. પુખ્ત કીટક લીલા રંગના અને આગળની પાંખો પર પાછળના ભાગે એક-એક કાળું ટપકું ધરાવે છે. બચ્ચાં અને પુખ્ત પાનમાંથી રસ ચૂસે છે. પરિણામે પાનની કિનારી પીળી પડવા માંડે છે. પાન નિસ્તેજ બની જાય છે જેથી છોડની વૃદ્ધિ અટકી પડે છે તેમજ પાન કોકડાઈને ખરી પડે છે. વધુ ઉપદ્રવ વખતે પાન તાંબા જેવા રંગનાં થઈ જાય છે. ડાંગરના પાકમાં મુખ્યત્વે ત્રણ પ્રકારનાં તડતડિયાં જોવા મળે છે. તે પૈકી લીલાં તડતડિયાં ઉપર જણાવ્યા પ્રમાણે લીલા રંગનાં હોય છે. તે ડાંગરનાં પાન પર જોવા મળે છે જ્યારે બદામી ચૂસિયાં અને સફેદ પીઠવાળાં ચૂસિયાં ડાંગરનાં થૂમડાં પર (થડ ઉપર) જોવા મળે છે. આ ચૂસિયાંનાં બચ્ચાં તેમજ પુખ્ત કીટક બંને છોડના થડમાંથી રસ ચૂસે છે. તેથી છોડ નબળા પડી જાય છે. પાનની ધારો પીળી પડી જઈ છોડ સુકાવા માંડે છે. તેની લાળમાં રહેલા એક ખાસ પ્રકારના ઝેરી તત્ત્વને લીધે છોડ પર ઝાળ લાગી હોય તેવું દેખાય છે. અંગ્રેજીમાં તેને ‘હૉપર બર્ન’ કહે છે. ડાંગરના પાકમાં તેનો ઉપદ્રવ વર્તુળાકારે જોવા મળે છે. તડતડિયાં વિષાણુજન્ય રોગોનો પણ ફેલાવો કરે છે. વધુ પડતાં નાઇટ્રોજનયુક્ત ખાતરો વાપરવાથી તડતડિયાંનો ઉપદ્રવ વધે છે; તેથી તેનો ઉપયોગ સપ્રમાણ કરવો પડે છે. મૉનોક્રોટોફૉસ, ડાયમીથોએટ, મિથાઇલ-ઑ-ડેમેટોન કે ફૉસ્ફામિડોન જેવું શોષક વિષ તેમની સામે અસરકારક નીવડે છે. કાર્બોફ્યુરાન જેવી દાણાદાર દવા ફેર રોપણી વખતે અને ત્યારબાદ ગાભમારાની ઇયળ માટે ડાંગરના પાકમાં વાપરી હોય તો ચૂસિયાંનો ઉપદ્રવ કાબૂમાં રહે છે. આ સિવાય બીએચસી 10 % કાર્બારિલ 10 %, ફીઝેલોન 4 %, ક્વીનાલફૉસ 1.5 % ભૂકા પૈકી કોઈ પણ એકનો છંટકાવ હેક્ટરે 20થી 25 કિગ્રા. પ્રમાણે કરવાથી તડતડિયાંની વસ્તી ઘટે છે.
ધીરુભાઈ મનજીભાઈ કોરાટ
પરબતભાઈ ખી. બોરડ