તટસ્થ રેખા (indifference curve) : ગ્રાહકના વર્તનને વાસ્તવિક અને બુદ્ધિગમ્ય ભૂમિકા પર મૂકી તેનું તર્કશુદ્ધ વિશ્લેષણ કરવાના હેતુથી વિકસાવવામાં આવેલ અભિગમ. વસ્તુમાં ઘટતા સીમાંત તુષ્ટિગુણની ધારણા ઉપર આધારિત માંગના નિયમની કેટલીક મર્યાદા છે. તુષ્ટિગુણનો વિચાર વ્યક્તિસાપેક્ષ છે અને તેનું પ્રત્યક્ષ નિરીક્ષણ શક્ય નથી. બીજું, એક વસ્તુમાંથી મળતો તુષ્ટિગુણ, ફક્ત તે જ વસ્તુના જથ્થા પર આધારિત છે તેવું વસ્તુના ઘટતા સીમાંત તુષ્ટિગુણની ધારણામાં અભિપ્રેત છે. વાસ્તવમાં ઉપભોક્તા માટે એક વસ્તુનો તુષ્ટિગુણ અન્ય વસ્તુઓના જથ્થા જોડે પણ સંકળાયેલો હોય છે. દાખલા તરીકે દૂધમાંથી મળતો સીમાંત તુષ્ટિગુણ ઉપભોક્તાના દૂધના જથ્થાની સાથોસાથ ખાંડના જથ્થા પર પણ આધાર રાખે છે. ઉપરની ધારણામાં વસ્તુઓ પરસ્પર પૂરક અથવા અવેજીના સંબંધોથી સંકળાયેલી હોય છે તે વાસ્તવિકતાની અવગણના થાય છે. તે ઉપરાંત ઉપભોક્તાને ઉપલબ્ધ નાણાંનો (આવકનો) સીમાંત તુષ્ટિગુણ સ્થિર રહે છે તેવી માર્શલે ધારણા કરી છે તે સ્વીકાર્ય નથી.
ઉપર જણાવેલ મર્યાદા દૂર કરી માંગના નિયમને વાસ્તવિક ભૂમિકા ઉપર મૂકવા તટસ્થ રેખાનો અભિગમ વિકસાવવામાં આવ્યો છે. આ અભિગમને નિશ્ચિત ભૂમિકા ઉપર મૂકી આપવાનું શ્રેય જે. આર. હીક્સ અને આર. જી. ડી. એલનને ફાળે જાય છે. તટસ્થ રેખાની પદ્ધતિનો ઉપયોગ અર્થશાસ્ત્રનાં ઘણાં ક્ષેત્રોમાં કરવામાં આવે છે. અહીંયાં તેનો ઉપયોગ માંગના નિયમને સમજવા માટે કર્યો છે.
તટસ્થ રેખાના અભિગમમાં તુષ્ટિગુણ માપવાની જરૂર નથી. દરેક ઉપભોક્તાને પસંદગીનાં પોતાનાં ધોરણો હોય છે એટલું જ ધારવામાં આવે છે. વસ્તુઓનાં જુદાં જુદાં સંયોજનોને એકબીજાંથી ચઢતાં, ઊતરતાં અથવા સમકક્ષ ક્રમમાં ગોઠવી શકાય એવું પસંદગીના ધોરણમાં અપેક્ષિત છે. ઉપભોક્તા વસ્તુઓનાં સંયોજનોની ક્રમિક સૂચિ પોતાની પસંદગીના ધોરણને આધારે બનાવી શકે તે સમજી શકાય તેવું છે. આ પસંદગીના ક્રમનું પ્રત્યક્ષ અવલોકન શક્ય છે. આમાં ફક્ત સંયોજનનો ક્રમ નક્કી કરવાનો હોય છે. એક સંયોજન બીજા સંયોજનથી કેટલું વધારે અથવા કેટલું ઓછું પસંદ છે તે જાણવું જરૂરી નથી. તુષ્ટિગુણનો અભિગમ પરિમાણસૂચક છે જ્યારે તટસ્થ રેખાનો અભિગમ ક્રમસૂચક છે.
પસંદગીના ધોરણ પરથી તટસ્થ રેખા મેળવી શકાય છે. ધારો કે જેના એકમો સમરૂપ અને વિભાજ્ય છે તેવી બે વસ્તુઓનાં સંયોજનોમાંથી ઉપભોક્તાને પસંદગી કરવાની છે. શક્ય એવાં બધાં જ સંયોજનોમાંથી નીચેનાં સંયોજનો ઉપભોક્તાની પસંદગીના ક્રમમાં સમકક્ષ છે તેમ ધારીએ.
સંયોજન | ||||||||
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | |
વસ્તુ ‘અ’ના એકમ | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
વસ્તુ ‘બ’ના એકમ | 20 | 15 | 12 | 10 | 9 | 8 | 8 | 8 |
સીમાંત અવેજીનો દર | 5 | 3 | 2 | 1 |
ઉપભોક્તાને આ સંયોજનોમાંથી એકસરખો સંતોષ મળે છે તેથી આ બધાં સંયોજનો પરત્વે તે તટસ્થ છે તેમ કહી શકાય. આકૃતિ 1માં આ સંયોજનો બિંદુઓ દ્વારા બતાવ્યાં છે અને તેમને અવિચ્છિન્ન રેખા દ્વારા જોડવામાં આવ્યાં છે, કેમ કે, વસ્તુઓના એકમો વિભાજ્ય છે તેમ ધાર્યું છે. આ રીતે જે રેખા પ્રાપ્ત થાય છે તે તટસ્થ રેખા. એક જ તટસ્થ રેખાના કોઈ પણ બિંદુ પર ઉપભોક્તાને ‘અ’ અને ‘બ’ વસ્તુનાં વિવિધ સંયોજનોમાંથી એકસરખો સંતોષ પ્રાપ્ત થાય છે, તેથી તે બધાં એકસરખી પસંદગીને યોગ્ય છે. હવે જો 8 ‘અ’ અને 20 ‘બ’નું સંયોજન લઈએ તો તે સંયોજન તથા તેનાં સમકક્ષ બધાં સંયોજનો અને તેમાંથી પ્રાપ્ત થતી તટસ્થ રેખા ઉપરના ક્રમમાં આવશે. તેવી જ રીતે 6 ‘અ’ અને ‘20’ બ અને તેનાં સમકક્ષ સંયોજનો અને તેની તટસ્થ રેખા ઊતરતા ક્રમમાં આવશે. આમ, નીચેની આકૃતિમાં તટસ્થ રેખાઓનો સમૂહ બતાવ્યો છે જે ઉપભોક્તાની પસંદગીના ધોરણનું નિરૂપણ કરે છે.
કોઠામાં જોઈ શકાય કે ‘અ’ વસ્તુની વધતી માત્રા સામે ‘બ’ વસ્તુની માત્રા ઘટતી જાય છે. બંને વસ્તુઓ હકારાત્મક રીતે ઇચ્છનીય છે તેથી એક વસ્તુના વધતા જથ્થાની સામે બીજી વસ્તુનો જથ્થો ઘટતો જાય તો જ ઉપભોક્તા સરખા તુષ્ટિગુણની સપાટી પર રહી શકે. ‘અ’ વસ્તુ ‘બ’ની અવેજીમાં વધતી જાય છે. બીજું ‘અ’ના વધતા એકમો સામે ‘બ’ના ઘટાડાનો દર ક્રમશ: ઓછો થતો જાય છે. વધતા જતા જથ્થાને કારણે ‘અ’ વસ્તુ ઉપભોક્તાની પસંદગીના ધોરણમાં નીચી ઊતરતી જાય છે. જ્યારે ‘બ’ વસ્તુના ઘટતા જતા જથ્થાને કારણે તેની ઇચ્છનીયતા વધતી જાય છે. આમ થવાથી ‘અ’નો ‘બ’ની સામેનો અવેજીકરણનો દર (rate of substitution) ઘટતો જાય છે. આને ઘટતા સીમાંત અવેજીકરણનો નિયમ કહે છે.
કોઠામાં બતાવેલાં સંયોજનો પરથી આકૃતિ 1માં, તટસ્થ રેખા નંબર 2 દોરી છે. તટસ્થ રેખા નંબર 1 અને 3 અનુક્રમે તેનાથી ઊતરતા અને ઉપરના ક્રમના સમતૃપ્તિ (isoutility curve) પસંદગીનાં સંયોજનો બતાવે છે. આવી રીતે તટસ્થ રેખાનો સમૂહ દોરી શકાય છે. તટસ્થ રેખાઓનાં ત્રણ લક્ષણો છે : (1) બંને વસ્તુઓ હકારાત્મક રીતે ઇચ્છનીય હોય તો તટસ્થ રેખાઓ ડાબી બાજુથી જમણી બાજુ નીચે ઢળતી હોય છે. દરેક તટસ્થ રેખા પર આવેલાં સંયોજનોમાંથી ઉપભોક્તાને એકસરખો સંતોષ પ્રાપ્ત થાય છે. બંને વસ્તુઓ હકારાત્મક રીતે ઇચ્છનીય હોઈ એક વસ્તુનો વધતો જથ્થો બીજી વસ્તુના ઘટતા જથ્થા જોડે સંયોજિત હોય તો જ ઉપભોક્તા સમસંતોષ સપાટી પર રહી શકે. તટસ્થ રેખાઓનો ડાબી બાજુથી જમણી બાજુનો ઢોળાવ સમસંતોષ સપાટીની આ આવશ્યકતા આકૃતિના રૂપમાં દર્શાવે છે. (2) તટસ્થ રેખાઓ ઉદગમબિંદુ તરફ બહિર્ગોળ હોય છે. એટલે કે ડાબી બાજુથી જમણી તરફ જતાં તટસ્થ રેખાનો ઢોળાવ ઘટતો જાય છે. ઢોળાવ એટલે ‘ય’ ધરી ઉપરનું સંચલન ÷ ‘ક્ષ’ ધરી ઉપરનું સંચલન. આકૃતિમાં ‘ય’ ધરી ઉપર ‘બ’ અને ‘ક્ષ’ ધરી ઉપર ‘અ’ વસ્તુની માત્રા બતાવી છે. આમ તટસ્થ રેખાનો ઘટતો ઢોળાવ, વસ્તુ ‘અ’નો ‘બ’ વસ્તુ માટેનો ઘટતો જતો અવેજીકરણનો દર આકૃતિ રૂપે દર્શાવે છે. (3) બે તટસ્થ રેખાઓ અન્યોન્ય છેદતી નથી. જો બે તટસ્થ રેખા અન્યોન્યને છેદતી હોય તો એક જ છેદબિંદુ સંતોષની બે જુદી સપાટી દર્શાવે તેવી વિસંગતતા ઊભી થાય. આમ, તટસ્થ રેખાઓ એકબીજીથી અલગ હોવાની. જોકે તે એકબીજીને સમાંતર હોય તેવું જરૂરી નથી.
ઉપભોક્તા કયું સંયોજન ખરીદશે તે તેનાં પસંદગીનાં ધોરણ, વસ્તુઓની કિંમત અને આવક ઉપર આધાર રાખે છે. આકૃતિ 1માં પસંદગીનાં ધોરણો તટસ્થ રેખા દ્વારા બતાવ્યાં છે. તે જ આકૃતિમાં આવક અને વસ્તુ ‘અ’ અને ‘બ’ની કિંમતને લક્ષમાં લઈ જે સંયોજનોની ખરીદી શક્ય છે તે કખ રેખા દ્વારા બતાવી છે. કખ રેખાને કિંમતરેખા અથવા તકરેખા કહેવાય છે. કિંમતરેખા, આવક અને વસ્તુની કિંમતની મર્યાદામાં ‘અ’ અને ‘બ’નાં જુદાં જુદાં મહત્તમ સંયોજનોની ખરીદીની શક્યતાઓ દર્શાવે છે. દાખલા તરીકે, ઉપભોક્તા પાસે રૂપિયા 150 હોય અને ‘અ’નો ભાવ રૂપિયા 10 અને ‘બ’નો ભાવ રૂપિયા 5 હોય તો, મહત્તમ 15 ‘અ’ અથવા 30 ‘બ’ અથવા ‘અ’ અને ‘બ’નાં આ બે માત્રા વચ્ચેનાં સંયોજનો ઉપભોક્તા ખરીદી શકે. આકૃતિમાં કખ રેખા આ સંયોજનો બતાવે છે. કિંમતરેખાનો ઢાળ ‘અ’ની કિંમત ÷ ‘બ’ની કિંમતના ગુણોત્તર બરાબર હોય છે. તેનો અર્થ ઉપરનું ઉદાહરણ લઈએ તો એવો થાય કે રૂપિયા 10ના ભાવે ‘અ’નો એક એકમ ખરીદવા માટે રૂપિયા 5ના ભાવે મળતા ‘બ’ના બે એકમ જતા કરવા પડે છે. આમ કિંમતરેખાનો ઢાળ બજારમાં ‘અ’ અને ‘બ’ વસ્તુના પરસ્પર વિનિમયનો દર સૂચવે છે.
આકૃતિ 1માં કિંમતરેખા કખ તટસ્થ રેખા નંબર 1ને મ અને ન બિંદુ ઉપર છેદે છે અને તટસ્થરેખા નંબર 2ને મ બિંદુ પર સ્પર્શે છે. આ બિંદુઓ પરનાં સંયોજનો એકસરખા ખર્ચે ખરીદી શકાય તેમ છે. ઉપભોક્તા મ બિંદુ પર આવેલું સંયોજન પસંદ કરશે કેમ કે તે ભ અને ન બિંદુ જે તટસ્થ રેખા નંબર 1 ઉપર આવેલ છે તેના કરતાં અધિક સંતોષ દર્શાવતી તટસ્થ રેખા નંબર 2 પર આવેલ છે. મ બિંદુ પર તટસ્થ રેખા અને કિંમતરેખાનો ઢોળાવ એકસરખો છે કેમ કે ત્યાં કિંમતરેખા તટસ્થ રેખાને સ્પર્શે છે. તટસ્થ રેખાનો ઢોળાવ સીમાંત અવેજીકરણનો દર (marginal rate of substitution) (એટલે ઉપભોક્તા ‘અ’ વસ્તુના એક એકમ માટે ‘બ’ વસ્તુના કેટલા એકમ જતા કરવા તૈયાર છે.) બતાવે છે. કિંમતરેખાનો ઢોળાવ બજારમાં ‘અ’ અને ‘બ’નો વિનિમયદર બતાવે છે. સ્પર્શબિંદુ ‘મ’ પર ઉપભોક્તાનો સીમાંત અવેજીકરણનો દર અને બજારમાં ‘અ’ અને ‘બ’નો વિનિમય દર એકસરખા છે. આમ, સ્પર્શબિંદુ પર ઉપભોક્તાની પસંદગી અને બજારની આવશ્યકતાનો ઘટનાસંપાત થાય છે. આમ ‘મ’ બિંદુ ઉપભોક્તાની સમતુલા બતાવે છે. સમતુલાની સ્થિરતા માટે બીજી એક શરત જરૂરી છે. સ્પર્શબિંદુ પાસે તટસ્થ રેખાનો ઢોળાવ ઘટતો જતો હોય તે જરૂરી છે. ગ્રાહક ‘મ’ બિંદુથી જમણી તરફ સંચલન કરે તો ઉપભોક્તાને ‘અ’ વસ્તુનો એક એકમ મેળવવા ‘બ’ વસ્તુના જેટલા એકમો જતા કરવા પસંદ છે તેની સરખામણીમાં બજારમાં ‘બ’ વસ્તુના વધુ એકમો જતા કરવા જરૂરી છે તેવું અનુભવાય. તેથી ઉપભોક્તા ‘મ’ની જમણી તરફ સંચાર કરશે નહિ. ‘મ’થી ડાબી તરફ સંચલન કરે તો ઉપભોક્તાને ‘અ’ વસ્તુના એક એકમના ઘટાડાની સામે ‘બ’ના જેટલા એકમ અવેજીમાં જોઈએ તેનાથી ઓછા એકમ બજારમાં પ્રાપ્ત થાય તેમ છે તેથી તે ડાબી બાજુ પર પણ સંચલન કરશે નહિ. આમ, ‘મ’ બિંદુ પરની સમતુલા સ્થિર છે.
હવે જો આવકમાં અથવા વસ્તુના ભાવમાં વધઘટ થાય તો કિંમતરેખાના સ્થાન અને ઢોળાવમાં ફેરફાર થશે અને ઉપભોક્તા નવી સમતુલા સ્થિતિ પ્રાપ્ત કરશે. ધારો કે ઉપભોક્તાની નાણાકીય આવક અને વસ્તુ ‘બ’ની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ વસ્તુ ‘અ’ની કિંમતમાં ઘટાડો થાય છે. આકૃતિ 2માં આ ફેરફાર બતાવ્યો છે. વસ્તુ ‘અ’ની કિંમતમાં ઘટાડો થયો છે. તેથી ‘ક્ષ’ ધરી પર કિંમતરેખાનું અંતિમ બિંદુ ‘ખ’ બિંદુની જમણી તરફ ખસશે. નાણાકીય આવક અને ‘બ’ની કિંમતમાં ફેરફાર થયો નથી. તેથી ‘ય’ ધરી પર ‘ક’ બિંદુ પરથી જ કિંમતરેખા શરૂ થશે. કગ નવી કિંમતરેખા છે. તે કખ રેખાની જમણી તરફ આવેલી છે અને તે તટસ્થ રેખા નંબર 2ને લ બિંદુ પર સ્પર્શે છે. લ બિંદુ ઉપભોક્તાની નવી સમતુલા બતાવે છે. ઉપભોક્તા ‘અ’ વસ્તુની ખરીદીમાં ઉત થી ઉદ સુધીનો વધારો કરે છે. ‘અ’ની ખરીદીમાં તદ એકમનો થયેલો વધારો કિંમત-અસર કહેવાય છે. આમ, નાણાકીય આવક અને અન્ય વસ્તુની કિંમત યથાવત્ રહે અને એક વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો તેના પરિણામ રૂપે તેની ખરીદીમાં થતા ફેરફારને કિંમત-અસર કહેવાય છે.
કિંમત-અસર બે જુદાં જુદાં પરિબળોની સંયુક્ત અસર છે. આમાં એક છે આવકઅસર અને બીજી છે અવેજીઅસર. નાણાકીય આવક યથાવત્ રહેવા છતાં અ વસ્તુની કિંમતમાં ઘટાડો થયો છે. તેથી નાણાંની ખરીદશક્તિ વધવાને કારણે ઉપભોક્તાની વાસ્તવિક આવક વધી છે તેમ કહી શકાય. ઉપભોક્તાનો તટસ્થ રેખા નંબર 1થી નંબર 2 ઉપરનો સંચાર આવક અસરનું પરિણામ છે. આવક અસર સમજવા માટે ધારો કે ‘અ’ અને ‘બ’ વસ્તુની કિંમત યથાવત્ રહે છે, પરંતુ ઉપભોક્તાની નાણાકીય આવકમાં તે તટસ્થ રેખા નંબર – 2 ઉપરનું સંયોજન પસંદ કરી શકે તેટલો વધારો કરવામાં આવે છે. આકૃતિ 2માં ક’ખ’ કિંમતરેખા નાણાકીય આવકમાં આ વધારો બતાવે છે. ક’ખ’ કિંમતરેખા પહેલાંની કિંમતરેખા કખને સમાંતર છે. તે તટસ્થ રેખા નંબર 2ને ન બિંદુ ઉપર સ્પર્શે છે. સમાંતર કિંમતરેખાઓનો ઢાળ એકસરખો છે, જે યથાવત્ કિંમત બતાવે છે. મન રેખા આવક ઉપભોગરેખા કહેવાય છે. વસ્તુઓની કિંમત યથાવત્ રહેવા સાથે વધઘટ થતી નાણાકીય આવકને કારણે વસ્તુની ખરીદીમાં જે ફેરફાર થાય છે તેને આવક-અસર કહેવાય છે. આવક-અસર સામાન્ય રીતે હકારાત્મક હોય છે. એટલે કે આવકના વધવા સાથે વસ્તુની ખરીદી પણ વધતી હોય છે. અપવાદ રૂપે હલકી વસ્તુઓ માટે આવક અસર ઋણ હોઈ શકે; દાખલા તરીકે, ઉપભોક્તાની આવક વધવા સાથે વેજિટેબલ ઘીની ખરીદી ઘટવાનો સંભવ છે. આકૃતિમાં તથ આવક-અસર છે.
તટસ્થ રેખા નંબર-2ને કિંમતરેખા કગ લ બિંદુ પર સ્પર્શે છે. કગ કિંમતરેખા ‘અ’ વસ્તુની કિંમતમાં થયેલ ઘટાડો દર્શાવે છે. મલ રેખાને કિંમત ઉપભોગરેખા કહેવાય છે. ઉપભોક્તા મ-થી લ બિંદુ પર બે પદમાં એટલે કે મ થી ન બિંદુ અને ન-થી લ બિંદુ પર પહોંચે છે, તેમ પણ કલ્પી શકાય. આગળ જોયું તેમ મ-થી ન નું સંચલન આવક અસર બતાવે છે. ન-થી લ નું સંચલન એક જ તટસ્થ રેખા પરનું સંચલન છે અને તે અવેજી-અસર બતાવે છે. તટસ્થ રેખા નંબર 2ને કિંમતરેખા ક’ખ’ (જે કખ કિંમતરેખાને સમાંતર છે.) ન બિંદુ પર સ્પર્શે છે અને કિંમતરેખા કગ લ બિંદુ પર સ્પર્શે છે. ક’ખ’ રેખાનો ઢોળાવ કિંમતરેખા કખની બરાબર છે. કિંમતરેખા કગનો ઢોળાવ કખ (ક’ખ’) રેખા કરતાં ઓછો છે. અને તે અ વસ્તુના ભાવમાં થયેલો ઘટાડો બતાવે છે. કગ રેખાનો ઢોળાવ ક’ખ’ રેખા કરતાં ઓછો હોવાથી લ બિંદુ ન બિંદુની જમણી તરફ આવશે. એટલે કે સમતૃપ્તિરેખા (તટસ્થ રેખા) પર જે વસ્તુની કિંમત ઘટી છે તેની ખરીદી વધશે. આને અવેજી અસર કહે છે. ગ્રાહકની વાસ્તવિક આવક અફર રાખવા સાથે એક વસ્તુની કિંમતમાં ફેરફારને કારણે તે વસ્તુની ખરીદીમાં થયેલ વધઘટને અવેજી-અસર કહે છે. અવેજી-અસર હંમેશાં હકારાત્મક હોય છે. આકૃતિમાં થદ અવેજી-અસર છે. આમ, કિંમત-અસર = આવક-અસર + અવેજી-અસર. સામાન્ય રીતે અવેજી-અસર, આવક-અસર કરતાં વધારે પ્રબળ હોય છે. ક્વચિત્ કિંમત-અસર પ્રતિકૂળ પણ હોઈ શકે. કોઈ હલકી વસ્તુ પર ઉપભોક્તા તેની આવકનો ઠીક પ્રમાણમાં ખર્ચ કરતો હોય તે એવું પણ બને કે ઋણ આવક-અસર અવેજી-અસર કરતાં વિશેષ પ્રબળ હોય. આવી વસ્તુની માંગ કિંમતના ઘટવા સાથે વધવાને બદલે ઘટશે અને કિંમતના વધવા સાથે ઘટવાને બદલે વધશે. આવી વિરોધાભાસી કિંમત-અસર ધરાવતી વસ્તુને ‘ગિફેન-વસ્તુ’ કહેવાય છે. ઇંગ્લૅન્ડમાં બ્રૅડ માટે આ જાતની વિરોધાભાસી કિંમત-અસર પર ગિફેને ધ્યાન દોરેલું તેથી આવી વસ્તુઓને ‘ગિફેન-વસ્તુ’ કહેવાય છે. ‘ગિફેન-વસ્તુ’ એક વિશિષ્ટ પ્રકારની હલકી વસ્તુ છે, જેની ઋણ આવક અવેજી-અસર કરતાં વધુ પ્રબળ હોય છે. આમ, બધી ગિફેન-વસ્તુઓ હલકી હોય છે પરંતુ બધી હલકી વસ્તુઓ ‘ગિફેન-વસ્તુઓ’ ન પણ હોય.
ઉપરની ચર્ચામાં આપણે ઉપભોક્તાને બે વસ્તુમાંથી પસંદગી કરવાની હોય તેવી ધારણા કરી છે. બે જ વસ્તુઓ વચ્ચેનો સંબંધ ફક્ત અવેજીનો જ રહેવાનો. વાસ્તવમાં ઉપભોક્તાને અનેક વસ્તુઓમાંથી પસંદગી કરવાની હોય છે, જ્યારે પસંદગી ત્રણ અથવા વધારે વસ્તુઓ વચ્ચે કરવાની હોય ત્યારે બે કે તેથી વધુ વસ્તુઓ એકબીજીની પૂરક પણ હોઈ શકે. જો એમ હોય તો એક વસ્તુના ઉપભોગમાં વધારા સાથે બીજી પૂરક વસ્તુઓનો ઉપભોગ પણ વધશે. સમતૃપ્તિની સપાટી જાળવી રાખવા માટે ઓછામાં ઓછું એક વસ્તુનો ઉપભોગ ઘટવો જરૂરી છે. બધી વસ્તુઓ એકીસાથે એકબીજી જોડે પૂરક સંબંધથી સંકળાયેલી હોય તે સંભવિત નથી. ઓછામાં ઓછી એક વસ્તુ અન્ય વસ્તુઓ જોડે અવેજીના સંબંધથી સંકળાયેલી હોવી જરૂરી છે.
વિ. ન. કોઠારી