તટસ્થીકરણ (neutralization) : ઍસિડ અને બેઇઝ પારસ્પરિક ક્રિયા કરી ક્ષાર અને પાણી ઉત્પન્ન કરતાં હોય તેવી રાસાયણિક પ્રક્રિયા. ઍસિડ અને બેઇઝનાં વજનો તુલ્યપ્રમાણમાં લેવાથી સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે. કદમાપક વિશ્લેષણમાં આવી તત્વપ્રમાણ-મિતીય (stoichiometric) પ્રક્રિયા થાય ત્યારે તટસ્થીકરણબિંદુ અથવા અંતિમ બિંદુ યોગ્ય સૂચક(indicator)ના ઉપયોગ દ્વારા નક્કી થઈ શકે છે.
ઍસિડ અથવા બેઇઝના અનુમાપન(titration)ની આ એક અગત્યની પ્રક્રિયા છે અને રાસાયણિક ઉદ્યોગમાં તે મહત્વનું સ્થાન ધરાવે છે. ઍસિડ અને બેઇઝનું જલીય દ્રાવણમાં ધન અને ઋણ આયનોમાં આયનીકરણ થાય છે; દા.ત., હાઇડ્રોક્લોરિક ઍસિડ (HCl) અને પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડ(KOH)નું નીચે પ્રમાણે વિયોજન થાય છે :
HCl ⇌ H+ + Cl–; KOH ⇌ K+ + OH–
જ્યારે ઍસિડ અને બેઇઝ એકબીજા સાથે પ્રક્રિયા કરે છે ત્યારે બેઇઝના (OH–) આયનો ઍસિડના (H+) આયનો સાથે સંયોજાઈ પાણી આપે છે :
H+ + Cl– + K+ + OH– → K+ + Cl– + H2O
બાકીનાં બે આયનો ક્ષાર આપે છે. જો બાષ્પીભવનથી પાણી દૂર કરવામાં આવે તો ક્ષાર સ્ફટિક-સ્વરૂપમાં મળે છે. આથી સાચી રીતે તટસ્થીકરણની પ્રક્રિયા એટલે H+ અને OH– આયનની પ્રક્રિયા, જે દરમિયાન પાણી ઉત્પન્ન થાય છે.
પ્રબળ ઍસિડના જલીય દ્રાવણનું પ્રબળ બેઇઝ વડે તટસ્થીકરણ થાય ત્યારે તુલ્યબિંદુએ દ્રાવણનું pH મૂલ્ય 7.0 જોવા મળે છે. પણ જો પ્રબળ ઍસિડ સાથે નિર્બળ બેઇઝની પ્રક્રિયા થાય તો તુલ્યબિંદુએ pH 7.0 કરતાં ઓછું અને જો નિર્બળ ઍસિડનું પ્રબળ બેઇઝ વડે તટસ્થીકરણ થાય તો pH મૂલ્ય 7.0 કરતાં વધુ જોવા મળે છે. તટસ્થીકરણની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી ગરમીને તટસ્થીકરણ ઉષ્મા (heat of neutralization) કહે છે.
નિર્બળ ઍસિડ અને નિર્બળ બેઇઝ વચ્ચેની તટસ્થીકરણની પ્રક્રિયામાં ઍસિડમાંથી પ્રોટૉન (H+) સીધો બેઇઝ તરફ સ્થાનાન્તર પામે છે; દા.ત.,
CH3COOH + NH3 → NH+4 + CH3COO–
અહીં દ્રાવક દર્શાવવો જરૂરી ગણાયો નથી અને તેથી આવી પ્રક્રિયા બેન્ઝિન જેવા નિષ્ક્રિય (inert) દ્રાવકમાં પણ થઈ શકે છે.
પ્રવીણસાગર સત્યપંથી