તગાન્કા થિયેટર : મૉસ્કોનું પ્રખ્યાત પ્રાયોગિક નાટ્યગૃહ, સ્થાપના 1946. પ્રારંભમાં સોવિયેત અને યુરોપીય નાટ્યકારોનાં નાટકો એમાં પેશ થયાં; પરંતુ 1964માં નવોદિત દિગ્દર્શક યુરી લ્યુબિમૉવે, પોતાની યુવાન નટમંડળી સાથે એમાં કામ આરંભ્યું. ત્યારથી આ થિયેટરે તત્કાલીન સામાજિક–રાજકીય વિચારસરણીનેય નવા પડકારો ફેંકે એવાં નાટકો એમાં રજૂ કર્યાં : બર્ટોલ્ટ બ્રેખ્તનું ‘ધ ગુડ વુમન ઑવ્ સેઝુઆન’, ‘ગૅલિલિયો’, જ્હૉન રીડની રૂસી ક્રાંતિકથાને આધારે ‘ધરતી ધ્રુજાવતા દસ દિવસો’ વગેરે. આ બધી પ્રસ્તુતિમાં ગીત, નૃત્ય, મૂક અભિનય, સરકસ, ફિલ્મપોસ્ટર વગેરે એ રીતે વપરાતાં કે થિયેટર લોકભાગીદારીનો મંચ બની જતું. ક્રાંતિકથાની પ્રસ્તુતિ દરમિયાન, મૉસ્કોના તગાન્કા માર્ગ પર એક કિમી. દૂરથી જ 1917ના રૂસી જીવનનું વાતાવરણ ખડું કરવામાં આવ્યું હતું, ક્રાંતિનાં ગીતો તત્કાલીન પોશાકો પહેરેલા નટો ગાતા હતા, ટિકિટો પણ એ જ સમયે પ્રચલિત હતી એ રીતે છાપવામાં આવી હતી. પ્રશિષ્ટ કૃતિઓનું મૌલિક નવતર અર્થઘટન એવું થતું કે સાંપ્રત નિસબતની કૃતિ બનતું; એનાં ઉદાહરણો તે શેક્સપિયરનું ‘હૅમ્લેટ’, આર્થર મિલરનું ‘ઑલ માય સન્સ’ વગેરે. રૂસી સત્તાવાળાઓની ક્યારેક ખફગી પણ આ થિયેટર પર ઊતરતી; પણ એની લોકપ્રિયતા એ સામે રક્ષણ આપતી. ટૅક્નૉલૉજીની ર્દષ્ટિએ સંપૂર્ણ સજ્જ આ થિયેટરના દિગ્દર્શકના એક ખંડની દીવાલ પર એના મહાન મુલાકાતીઓની સહીઓ છે : ગુજરાતના નટદિગ્દર્શક જશવંત ઠાકરની સહી 1969ની એમની મુલાકાતની યાદ અપાવે છે.
હસમુખ બારાડી