તંત્રશાસ્ત્ર

January, 2014

તંત્રશાસ્ત્ર : તત્વ અને મંત્રાદિના વિવિધ અર્થોનો જે વિસ્તાર કરે અને સાધકનું જે ત્રાણ એટલે રક્ષણ કરે તે તંત્ર. આ અતિપ્રાચીન શાસ્ત્રને વેદની સમકક્ષ ગણવામાં આવે છે. તંત્રશાસ્ત્રનું એક નામ આગમશાસ્ત્ર છે. વેદોનું એક નામ નિગમ છે. આ બન્ને નામો ભેગાં કરીને આગમ-નિગમ રહસ્યમયશાસ્ત્ર તરીકે ઓળખાય છે. મહાદેવજીએ ઉપદેશેલું, ગિરિજાએ પ્રવચન દ્વારા વિસ્તૃત કરેલું અને વિષ્ણુએ માન્ય રાખેલું એવું શાસ્ત્ર તે આગમશાસ્ત્ર.

આમ શિવપ્રોક્તશાસ્ત્રને આગમ સંજ્ઞા મળેલી છે. શાસ્ત્રકારો આગમને તંત્રશાસ્ત્રનો એક ભેદ માને છે. તેઓના કથન મુજબ તંત્રશાસ્ત્રના (1) આગમ (2) યામલ અને (3) તંત્ર એમ પણ ભેદ છે. આગમની પરિભાષા આપતાં તેઓ કહે છે કે જગતની ઉત્પત્તિ અને લય, દેવતાઓનું પૂજન, સાધન, પુરશ્ચરણ (પૂજન, જપ, અનુષ્ઠાન), ષટ્કર્મોનું સાધન, ચાર પ્રકારનો ધ્યાનાદિ યોગ એમ સાત બાબતોનું જેમાં વિવેચન હોય તેને પંડિતો આગમ કહે છે. અહીં જે ષટ્કર્મો કહેવામાં આવ્યાં છે તેમનું વિવેચન ‘શારદાતિલક’માં નીચે પ્રમાણે છે : (1) શાંતિ, (2) વશ્ય, (3) સ્તંભન, (4) વિદ્વેષ, (5) ઉચ્ચાટન અને (6) મારણ. રોગ, મૂઠ-ચોટ, અશુભ ગ્રહો આદિ મટાડી દેવાં  તેનું નામ શાંતિ. દરેક પ્રાણીને વશ કરી દેવું તે વશ્ય. પ્રાણીની પ્રવૃત્તિ (મળમૂત્રાદિ) બંધ થઈ જાય તેવી ક્રિયા તે સ્તંભન. બે સ્નેહીઓ વચ્ચે ઝઘડો કરાવવો તે વિદ્વેષણ અને કોઈને તેના સ્થાન ઉપરથી ભ્રષ્ટ કરી દેવો તે ઉચ્ચાટન તેમજ કોઈ પણ પ્રાણીનો જીવ હરી લેવો તે મારણ કહેવાય છે. જ્યારે યોગના (1) મંત્રયોગ, (2) જપયોગ, (3) ધ્યાનયોગ અને (4) લયલોગ એમ ચાર ભેદ છે.

સૃષ્ટિની ઉત્પત્તિ, જ્યોતિષશાસ્ત્ર, નિત્યકર્મની પદ્ધતિ, ઉપાસના-ક્રમ, વર્ણભેદ, જાતિભેદ વગેરેનું વિવરણ તથા યુગધર્મનું  વર્ણન જેવાં આઠ લક્ષણો જેમાં હોય તે યામલ કહેવાય.

શાસ્ત્રકારોએ તંત્રશાસ્ત્રની ઓળખ આપતાં જણાવ્યું છે કે તંત્રશાસ્ત્ર એટલે શિવજીએ નિર્માણ કરેલું મોક્ષહેતુક શાસ્ત્ર. વિશ્વની ઉત્પત્તિ અને લય, મંત્રોનું નિર્માણ, દેવતાઓનાં સ્થાન, તીર્થોનાં વર્ણન, બ્રહ્મચર્યાદિ આશ્રમો અને વર્ણાશ્રમોનું તથા પંચમહાભૂતોનું વિવેચન, યંત્રનિર્માણપદ્ધતિ, દેવતાઓની ઉત્પત્તિ, વનસ્પતિઓના દિવ્ય ઉપયોગો સંબંધી વિવિધ જ્ઞાન, જ્યોતિષશાસ્ત્ર, પુરાણોનાં કથાનકો, શબ્દકોશ, વ્રતપરિચય, શિવચક્રનું વ્યાખ્યાન, સામુદ્રિકશાસ્ત્ર, રાજધર્મ, દાનધર્મ, ગુણધર્મ, વ્યવહારનીતિ, આધ્યાત્મિક જ્ઞાન — આ બધાંનો જેમાં સમાવેશ હોય તેનું નામ તંત્રશાસ્ત્ર.

શાસ્ત્રકારો જણાવે છે કે શિવજીએ આ વિષય ઉપર 64 ગ્રંથો લખ્યા છે; તેથી તંત્રશાસ્ત્ર ‘चतुःषष्टि’ પણ કહેવાય છે. શિવજીએ કયા કયા ગ્રંથો લખ્યા તેની સૂચિ ‘સૌંદર્યલહરી’ ના 30મા શ્લોકની ટીકામાં લક્ષ્મીધરે તથા  બીજા ટીકાકારોએ આપવા પ્રયત્ન કરેલો છે તેમજ તે ગ્રંથોમાં કયા કયા વિષયો છે તે પણ જણાવેલું છે. ‘વામકેશ્વરતંત્ર’ ઉપરની ભાસ્કરરાયની ટીકામાં પણ તંત્રોનાં નામ અને પરિચય આપેલાં છે. ‘શબ્દકલ્પદ્રુમ’ જેવા કોશગ્રંથોમાં પણ સૂચિ મળે છે. આ બધી સૂચિઓમાં નામભેદ તથા ક્રમભેદ જોવામાં આવે છે. પણ બધામાં સંખ્યા 64ની જ બતાવવામાં આવી છે.

તાંત્રિકોના મતમાં પ્રમાણિત મનાતાં તંત્રોની નામાવલિ વામકેશ્વર ‘નિત્યાષોડશિકાર્ણવ’તંત્રમાં આપેલી છે. તે મુજબ (1) મહામાયાશંબર, (2) યોગિનીજાલશંબર, (3) તત્વશંબર, (4-11) ભૈરવાષ્ટક, (12-19) બહુરૂપાષ્ટક, (20-27) યામલાષ્ટક, (28) ચંદ્રજ્ઞાન, (29) માલતી, (30) મહાસંમોહન, (31) વામજુષ્ટ, (32) મહાદેવ, (33) વાતુલ, (34) વાતુલોત્તર, (35) હદભેદ, (36) તંત્રભેદ, (37) ગુહ્યતંત્ર, (38) કામિક, (39) કલાવાદ, (40) કલાસાર, (41) કુંડિકામત, (42) મતોત્તર, (43) વીણાત્રોતલ, (44) ત્રોતલ, (45) ત્રોતલોત્તર, (46) પંચામૃત, (47) રૂપભેદ, (48) ભૂતોડ્ડામર, (49) કુલાચાર, (50) કુલોદ્દેશ, (51) કુલચૂડામણિ, (52) સર્વજ્ઞાનોત્તમ, (53) મહાકાલીમત, (54) અરુણેશ, (55) મોહિનીશ, (56) ત્રિકુટીશ્વર, (57) પૂર્વ, (58) પશ્ચિમ, (59) દક્ષિણ, (60) ઉત્તર, (61) નિરુત્તર, (62) વિમલ, (63) વિમલોચ્છ (64) અને દેવીમત.

આ તંત્રોમાં કયા કયા વિષયો છે તે સંબંધમાં વિવેચન કરવામાં આવ્યું છે કે ‘મહામાયાશંબર’ એટલે અન્ય પદાર્થમાં અન્ય પ્રતિભારૂપ જે માયાપ્રપંચ છે તેની રચનાના ઉપાયનું કથન અર્થાત્, ઇન્દ્રજાલવિદ્યા ‘યોગિનીજાલશંબરતંત્ર’ એટલે યોગિનીઓના સમૂહના ઇન્દ્રજાલની વિદ્યા. શંબરનો અર્થ ઇન્દ્રજાલ થાય છે. ‘તત્વશંબર તંત્ર’માં પૃથિવ્યાદિ તત્વો અન્યથા રૂપે દેખાય તેવી વિદ્યાઓનો પ્રકાર કહેલો છે.

‘ભૈરવાષ્ટક’ આઠ છે જેમાં (1) સિદ્ધભૈરવ, (2) માયિકભૈરવ, (3) કાલાગ્નિભૈરવ, (4) કાલભૈરવ, (5) શક્તિભૈરવ, (6) યોગિની-ભૈરવ, (7) મહાભૈરવ અને (8) બટુકભૈરવ એમ અષ્ટભૈરવોનાં નામવાળાં આઠ તંત્રો છે. આ તંત્રોમાં કાપાલિક સંપ્રદાયનું જ્ઞાન આપવામાં આવેલું છે.

‘બહુરૂપાષ્ટક’માં (1) બ્રાહ્મીતંત્ર, (2) માહેશ્વરીતંત્ર, (3) કૌમારીતંત્ર, (4) વૈષ્ણવીતંત્ર, (5) વારાહીતંત્ર, (6) ઇન્દ્રાણી તંત્ર, (7) ચામુંડા અને (8) શિવદૂતી (ચંડિકા) તંત્ર – એમ દેવીઓ(અષ્ટ માતૃકાઓ)વિષયક આઠ તંત્રો છે.

યામલ સિદ્ધામ્બાનાં પ્રતિપાદક છે અને તે પણ (1) બ્રહ્મયામલ, (2) વિષ્ણુયામલ, (3) રુદ્રયામલ, (4) લક્ષ્મીયામલ, (5) ઉમાયામલ, (6) સ્કંદયામલ, (7) ગણેશયામલ અને (8) જયદ્રથયામલ એમ આઠ છે. પ્રાય: ચોસઠેચોસઠ શાક્તતંત્રો યામલ કહેવાય છે.

‘ચંદ્રજ્ઞાન’તંત્રમાં કામેશ્વરી આદિ 16 નિત્યાઓનું તેમજ કાપાલિક મતનું પણ નિરૂપણ છે. ‘માલતી’માં સમુદ્રયાનના ઉપાયનું કથન છે. આને ‘વાસુકિતંત્ર’ પણ કહે છે. ‘મહાસંમોહન’માં જાગ્રત પુરુષોને પણ નિદ્રિત કરવાના ઉપાય છે. ‘મહોચ્છુષ્ય’(વામજુષ્ય)નાં ‘વામકેશ્વર’ કે ચતુ:શતી એમ પણ નામ છે. આને કેટલાક સ્વતંત્ર તંત્ર પણ કહે છે. તે શ્રીવિદ્યાપ્રતિપાદક છે. ‘મહાદેવ’તંત્રમાં કુલાચારપ્રદર્શન અને બટુકાદિની સિદ્ધિ બતાવી છે. ‘વાતુલ’, ‘વાતુલોત્તર’ અને ‘કામિક’માં ખેતી સંબંધી વિચાર છે. ‘હૃદભેદ’માં કૌલિકાચારનું પ્રદર્શન છે.

‘કલાવાદ’ અને ‘કલાસાર’માં અનુક્રમે કામકલા તથા શૃંગારકળાનો વિધિ છે. ‘તંત્રભેદ’ અને ‘ગૃહ્યતંત્ર’ – બંને પરકૃતકર્મ બતાવી આપે છે. ‘કુડિકામાં’ ગુટિકાસિદ્ધિ, ગુટિકાપાન ઇત્યાદિનું કથન છે; અર્થાત્ અમુક પ્રકારના રસાયનની ગોળી અમુક પ્રકારે બનાવી અમુક પ્રકારે ખાવાથી સિદ્ધિ મળે ઇત્યાદિનું વિવરણ છે.

‘મતોત્તર’માં રસસિદ્ધિ બતાવી છે. આને ‘તંત્રોત્તર’ પણ કહે છે. ‘વીણા’, ‘યોગિની’ અથવા ‘સંભોગયક્ષિણી’ ત્રણે એક જ અર્થવાળા છે. અને તેમાં યોગિનીસાધનાના પ્રકાર કહેલા છે. ‘ત્રોતલ’માં ગુટિકાઅંજન તથા પાદુકાસિદ્ધિ છે. ‘ત્રોતલોત્તર’માં 64 હજાર યોગિનીઓનાં દર્શનના પ્રકાર છે. ‘પંચામૃત’માં પૃથિવ્યાદિ પંચભૂતોના સાધનથી મૃત્યુ જીતવાના ઉપાય કહેલા છે. ‘રૂપભેદ’, ‘ભૂતોડ્ડામર’, ‘કુલાચાર’, ‘કુલોદ્દેશ’ તથા ‘કુલચૂડામણિ’માં ઉચ્ચાટનાદિ પ્રયોગો છે. આ પાંચે તંત્રો ષટ્કર્મ સંબંધી છે.

‘સર્વજ્ઞાનોત્તમ’, ‘મહાકાલિમત’, ‘અરુણેશ’, ‘મોહિનીશ’, ‘ત્રિકૂટેશ્વર’ – એ પાંચમાં કાપાલિક સિદ્ધાન્તના એક ભાગરૂપ દિગંબર મતનું પ્રતિપાદન છે. પૂર્વતંત્રથી લઈ દેવીમત પર્યંતનાં આઠ તંત્રોમાં દિગંબર મતના વિભાગરૂપ ક્ષપણક મતનું કથન છે.

વૈદિક કર્મમાં પ્રતિલોમ, સંકર આદિ શૂદ્રોનો અધિકાર નથી, પરંતુ આમાં દરેકનો અધિકાર છે. આ ચોસઠને કુલતંત્ર પણ કહે છે.

આ સિવાય બીજા શુભાગમાદિ પાંચ તંત્રો છે અને તે વૈદિકમાર્ગાનુસારી હોઈ તેમને સમયાચાર કહે છે. તેમનાં નામ ‘વશિષ્ઠસંહિતા’, ‘સનકસંહિતા’, ‘સનંદનસંહિતા’, ‘સનત્કુમારસંહિતા’ અને ‘શુકસંહિતા’ છે. આ પાંચ ષોડશનિત્યાઓનાં પ્રતિપાદક હોઈ શ્રીવિદ્યાવિષયક છે.

વળી બીજા ‘ચંદ્રકલાતંત્ર’, ‘જ્યોત્સ્નાપક્ષ’, ‘કલાનિધિ’, ‘કુલાર્ણવ’, ‘કુલેશ્વરી’, ‘બાર્હસ્પત્ય’, ‘ભુવનેશ્વરી’, ‘દુર્વાસામત’, ‘જ્ઞાનાર્ણવ’ અને ‘દક્ષિણામૂર્તિસંહિતા’ — એ મિશ્ર એટલે વૈદિક અને કુલાચાર બંને મતનાં તત્ત્વોવાળાં છે. શાસ્ત્રાજ્ઞા છે કે વેદનિષિદ્ધ તંત્ર દ્વિજે ઉપયોગમાં ન લેવું. કાળભેદથી તથા દેશભેદથી કયાં કયાં તંત્ર, આગમ કે યામલ સંજ્ઞા ધરાવનારાં પુસ્તકોનો ઉપયોગ કરવો તે પણ સૂચવેલું છે.

‘અશ્વક્રાન્તા નામના ભૂભાગ’માં કાલકલ્પમાં ‘કાલીવિલાસ’ ઇત્યાદિ તંત્રો પ્રસિદ્ધ તથા સિદ્ધ પ્રયોગવાળાં હતાં. ‘મહાચીન’ આદિ તંત્રો ‘રથક્રાન્તા’ નામના ભૂભાગમાં ‘અવિ’ નામના કલ્પમાં પ્રસિદ્ધ અને સિદ્ધ પ્રયોગવાળાં હતાં. ચોસઠ તંત્રો અને યામલો ‘વિષ્ણુક્રાન્તા’ નામના ભૂભાગમાં (ભરતખંડમાં) વર્તમાન શ્રી શ્વેતવારાહકલ્પ સિદ્ધ છે. કલ્પનાભેદથી જે જે તંત્રો કહેલાં છે તે તે કલ્પ માટે તે સિદ્ધ હતાં પણ ઇતર કલ્પ માટે પાખંડીઓને મોહ પમાડનારાં અને નિષ્ફળ છે.

મુક્તિની પ્રશંસા સાથે તત્વજ્ઞાનની આવશ્યકતા સ્વીકારી તંત્રશાસ્ત્ર દુ:ખત્રયની નિવૃત્તિ માટે ઈશ્વરકૃપાને ઉપાદેય માને છે અને તેની સિદ્ધિ માટે મંત્રજપને સર્વોત્તમ સાધન તરીકે સ્વીકારે છે. યોગનો સ્વીકાર તો તે કરે છે, પણ તે યોગ હઠયોગ નથી, લયયોગ છે.

મંત્રજપ કરતાં ઇષ્ટચિંતનમાં લીન થઈ જઈ બ્રહ્માનંદ મેળવવારૂપ પ્રક્રિયાને સ્વીકારે છે. આથી તેમાં ઉત્તમ જાતિમાં જન્મ અને સ્વસ્થ ઇન્દ્રિયો હોવા છતાં પણ જે આત્મકલ્યાણને (જ્ઞાનને) જાણી શકતો નથી તે બ્રહ્મહત્યાવાળો ઠરે છે. દેહ વગર કોઈનાથી કશો પુરુષાર્થ થતો નથી, માટે દેહરૂપી ધનનું રક્ષણ કરવું અને પુણ્યકર્મોની સાધના કરવી. આમ દેહને સર્વનું સાધન માનવાનું વિકૃત સ્વરૂપ ‘પંચમકાર’ સુધી પહોંચી ગયું.

ઉપાસના પદ્ધતિને સ્વીકારી પરમતત્વની પ્રાપ્તિ આ શાસ્ત્રનું લક્ષ્ય છે. તેમાં પરમતત્વને ‘ચિતિ’ સંજ્ઞાથી ઓળખવામાં આવ્યું છે. અને તેને આદ્ય તત્વ, सर्वस्याद्या महालक्ष्मी: એમ વિગ્રહવતી પણ માની છે. તેના વિમર્શને પ્રાથમિક ક્રિયા ગણી તેના સાક્ષાત્કારને ચરમધ્યેય માન્યું છે. આ શાસ્ત્ર શ્રદ્ધાને પ્રમાણ માને છે. પરશુરામે કલ્પસૂત્રમાં કહ્યું છે કે વિશ્વાસથી બધી સિદ્ધિ મળે છે. આ શાસ્ત્ર ઉપાસના માર્ગને સ્વીકારી ઉપાસનાના પ્રકારોનું વિશેષ રૂપે પ્રતિપાદન કરે છે.

તે સાંખ્યદર્શન અનુસાર ૨5 તત્વોને સ્વીકારી તેમાં પોતાનાં બીજાં 11 તત્વો ઉમેરી કુલ 36 તત્વો સ્વીકારે છે. તે જગતની ઉત્પત્તિ સાંખ્ય ક્રમથી સ્વીકારી લે છે. પુરુષ પ્રકૃતિ, મહતત્વ, અહંકાર, તન્માત્રાઓ, પંચમહાભૂતો, ઇત્યાદિ પ્રક્રિયા માન્ય રાખી દેહબંધારણ પર્યન્તની સ્થિતિને પ્રધાન રૂપે માન્ય રાખી તેની શુદ્ધિ માટે અન્તર્યોગની પ્રક્રિયા બતાવે છે. તેમાં પરા, પશ્યન્તી, મધ્યમા અને વૈખરી રૂપે વર્ણોત્પત્તિ સ્વીકારી દેહમાં રહેલાં મૂલાધાર, મણિપુર, સ્વાધિષ્ઠાન, અનાહત વિશુદ્ધિ, આજ્ઞાચક્રથી આગળ વધી સહસ્રારપદ્મ પર્યન્તની યૌગિક પ્રક્રિયાને માન્ય રાખે છે.

ઇષ્ટદેવતાનું સૂક્ષ્મ રૂપે મૂલાધારમાં કુંડલિની રૂપે સ્થાન કહી, પરમાત્માનું સહસ્રારપદ્મમાં પરમ શિવ રૂપે સ્થાન કહી હૃદયકમલમાં રહેલા જીવાત્માને કુંડલિનીના મુખમાં કલ્પી પરમાત્મા પરમ શિવમાં એકાકાર કરવાની પ્રક્રિયા બતાવે છે અને જીવ અને શિવનો સંયોગ પરમ ઉપાદેય છે એમ સ્વીકારે છે અને તેને જ પરમ યોગ કહે છે.

વર્ણોત્પત્તિમાં अથી क्ष પર્યન્તની વર્ણમાલા ને એટલે કે માતૃકાઓને વિશુદ્ધિચક્રમાં, સ્વરો અનાહતચક્રમાં अ થી ठ સ્વાધિષ્ઠાનમાં ड થી प સુધી અને પછી फ થી ल સુધી, મૂલાધારમાં व થી स સધીના અને આજ્ઞાચક્રમાં ह અને क्ष નું સ્થાન કલ્પે છે અને ભૂતોપસંહાર, માતૃકોપસંહાર આદિ સંહાર-ક્રમથી દેહનું પ્રાણાયામ દ્વારા મલશોધન કરી સૃષ્ટિક્રમથી પુન: દેહોત્પત્તિ બતાવી તેમાં આત્માની પ્રતિષ્ઠા કરે છે. આ શાસ્ત્ર મંત્રોને ઉપાસ્ય દેવતાનું સ્વરૂપ કલ્પી તેમજ બીજા દેવતાઓ જે ઇષ્ટ દેવતાના પરિવાર રૂપે ગણાય છે તેમનું દેહમાં ન્યાસ દ્વારા સ્થાપન કરી દેહને મંત્રમય બનાવ્યા બાદ દેવતાના બાહ્ય સ્વરૂપનું વિવિધ પ્રકારોથી પૂજાઅર્ચન આદિ કરી દેવમંત્રનું જપયજ્ઞ દ્વારા પ્રકાશમય સ્વરૂપ કલ્પી તેમાં જીવાત્માનો લય (તન્મયતા) કરવાનો ઉપદેશ કરે છે અને આની પરમાવસ્થાને સામરસ્ય નામે બતાવી લયયોગની પ્રક્રિયાને અનુસરે છે.

આમ યોગમિશ્રિત ઉપાસના-પદ્ધતિનો સ્વીકાર કરીને પંચાંગ પુરશ્ચરણ બનાવે છે; જેમાં જપ, હોમ, તર્પણ, માર્જન, બ્રહ્મભોજન પર્યન્તની પદ્ધતિનો પણ સ્વીકાર છે. તદુપરાન્ત તે મંત્રદેવતાનું દેવત્વ પ્રતિપાદિત કરવા માટે પટલપદ્ધતિ, કવચ, સ્તોત્ર અને સહસ્રનામ એમ પાંચ  પ્રકારની પદ્ધતિને જ્ઞાનસાધન રૂપે સ્વીકારે છે.

બહુદેવતાવાદ માન્ય રાખી ગણેશ; વિષ્ણુ, શિવ, સૂર્ય આદિ દેવતાની ઉપાસના માટે જે શાસ્ત્રકલાપ બતાવ્યા છે તે બધા તંત્ર નામે ઓળખાય છે અને તે દ્વારા ઉપાસના આત્મશક્તિને વિકસાવી સાધકને શક્તિમાન બનાવે છે. તેથી ઈશ્વરના પુરુષ સ્વરૂપને બદલે માયાના સ્ત્રીસ્વરૂપને તે બહુ મહત્વ આપે છે અને તેથી ઘણાંબધાં તંત્રો દેવીની ઉપાસનાનું પ્રતિપાદન કરતાં જોવામાં આવે છે.

બૌદ્ધ, જૈન આદિ સંપ્રદાયોમાં પણ તંત્રો જોવામાં આવે છે. આ દરેકમાં સાધકનું આત્મરક્ષણ તથા દેહની શક્તિને વધારવા માટે આગળ કહેલાં ષટ્કર્મોનો પ્રકાર પણ બતાવે છે. ષટ્કર્મોની આવશ્યકતા સાધકની પ્રતિકૂળ પરિસ્થિતિને દૂર કરવા માટે અને સાધકને નિરુપદ્રવી બનાવી સાધનામાર્ગમાં ઓતપ્રોત કરવા માટે છે. ષટ્કર્મો ઐહિક સુખનાં અથવા આસુરી વૃત્તિનાં પોષક જણાય છે. તેથી તેમનો ઉપયોગ કરવામાં શાસ્ત્રો અમુક મર્યાદાઓ મૂકે છે.

આજકાલ ઉપલબ્ધ થતા શ્રીવિદ્યા સંબંધી અનેક ગ્રન્થોમાં ઘણી જટિલ જ્ઞાનપદ્ધતિઓ તથા બીજી કેટલીક પદ્ધતિઓ કંઈક ગુપ્ત રાખવાની વૃત્તિ જણાય છે. શાબરતંત્રોમાં ઘણી હિંસાત્મક અને જુગુપ્સાજનક બાબતો જોવામાં આવે છે; પરંતુ શ્રીવિદ્યાના ઉત્તમોત્તમ ગ્રંથ ‘સૌભાગ્યરત્નાકર’ તથા બીજા ઘણા ગ્રંથોમાં ષટ્કર્મો માટે નિષેધાત્મક ઉપદેશ જોવા મળે છે. તેઓ કહે છે કે મારણાદિ પ્રયોગ તો જ્યારે કંઠે પ્રાણ આવી ગયા હોય એવા પ્રસંગમાં આત્મરક્ષણ કે બીજા ભવ્ય જીવોના રક્ષણ માટે ઉપયોગમાં લેવાના છે, અન્યથા નહીં.

આ ઉપાસના માર્ગના દક્ષિણ અને વામ — એવા બે પ્રકારો છે. વામ માર્ગની ઉપાસનાને કેટલાક સદ્ય: સિદ્ધિકર માનીને તેમાં પ્રવૃત્ત રહે છે, પરન્તુ ઉપાસના દક્ષિણ માર્ગની હોવી જોઈએ એવો સામાન્ય સિદ્ધાંત છે.

હિંમતરામ જાની