તંત્રનિયમાવલી

January, 2014

તંત્રનિયમાવલી (manual) : વ્યાવસાયિક વ્યવસ્થાપન કેવી રીતે કરવું તે અંગે ટૂંકાણમાં વ્યવહારુ અને સ્પષ્ટ સૂચનાઓ આપતી માર્ગદર્શક પુસ્તિકા. ધંધાકીય એકમો વિસ્તૃત બજાર માટે ઉત્પાદન કરતા હોવાથી તેમનાં કદ મોટાં થયાં છે અને તેમનાં કાર્યો અને કાર્યસંબંધો જટિલ બન્યાં છે. તેથી ઉત્પાદન એકમના આયોજનના અમલ અને મૂલ્યાંકનની પ્રક્રિયાઓ ઉપર અંકુશ  અને દેખરેખ અનિવાર્ય બન્યાં છે. સ્પષ્ટ રૂપે આલેખાયેલાં ઉદ્દેશો અને લક્ષ્યો, નીતિઓ, નિયમો અને કાર્યવિધિ એકમની પ્રવૃત્તિઓને દિશાદોરવણી આપે છે. જોકે નિયમો અને વિધિઓમાં ફેર છે. અમુક બાબતમાં કે અમુક પરિસ્થિતિમાં અમુક જાતનું જ પગલું ભરાવું જોઈએ, અમુક જ વર્તન થવું જોઈએ અને તેના અમુક જ લાભ મળી શકે તે નિયમ દ્વારા નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે  વિવિધ પ્રકારની રજાઓ અંગેના જુદા જુદા નિયમો. પરંતુ કોઈ અમુક પ્રકારની રજા જોઈતી હોય તો તે માટે કઈ પ્રક્રિયા કરવી પડે તે દર્શાવતા વિવરણને વિધિ કહેવાય છે. ભિન્ન ભિન્ન પ્રકારની રજા માટે ભિન્ન પ્રકારની વિધિ હોઈ શકે છે. આમ નિયમના અમલ માટેની નિશ્ચિત પ્રક્રિયા તે વિધિ કહેવાય છે.

માર્ગદર્શન નિયમોનો સમાવેશ કરતી તંત્રનિયમાવલી દિશાદોરવણીનાં વિવિધ સાધનોમાંનું એક અગત્યનું સાધન છે. તેમાં દર્શાવેલ નિયમો સાથે પ્રત્યક્ષ કાર્યની તુલના કરવાથી તેમની વચ્ચેનો તફાવત ધ્યાનમાં આવે છે. આ પ્રકારે તુલના કરવાથી કોઈ કાર્ય કોઈ કાર્યધોરણને આંબીને અતિકાર્ય થઈ ગયું હોય અથવા નિમ્ન કક્ષાનું થયું હોય તો તેની વિગતો ધ્યાનમાં આવે છે. તંત્રનિયમાવલીના સ્વરૂપમાં આપેલી લેખિત સૂચનાઓ ધંધાકીય એકમની પદ્ધતિ અને કાર્યવિધિને અસરકારક બનાવવા માટે અત્યંત આવશ્યક છે. ટોચના સંચાલકોએ લીધેલા ઉત્પાદનના નિર્ણયના અમલની કાર્યવિધિ; નાણા-પ્રાપ્તિ; ઉપયોગ અને અંકુશની કાર્યવિધિ, ઉધાર અને રોકડ વેચાણની કાર્યવિધિ; તેમજ કર્મચારીભરતી–બઢતી–તાલીમ–શિસ્તપાલન, વેતન અને સંચાલનની કાર્યવિધિ તંત્રનિયમાવલીને અનુરૂપ સુસ્પષ્ટ કરવામાં આવે તો પ્રયોજિત કાર્યો ઇચ્છિત આકાર લઈ શકે છે. તેના અભાવે ગેરસમજ તથા મનસ્વી વ્યવહારને ઉત્તેજન મળે છે.

જયન્તિલાલ પો. જાની

બાળકૃષ્ણ માધવરાવ મૂળે