ઢાલપક્ષ ભમરા : ડાંગરની એક ગૌણ જીવાત. તેનું વૈજ્ઞાનિક નામ ડિક્લાડીસ્પા આર્મીઝેરા (Dicladispa armigera–Oliv) છે. તેનો સમાવેશ ઢાલપક્ષ (beetle) શ્રેણીના ક્રાયસોમેલિડી કુળમાં થયેલો છે. ગુજરાત રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આ કીટકનો ઉપદ્રવ જોવા મળે છે.
પુખ્ત કીટક નાના (3થી4 મિમી. લંબાઈના), લંબચોરસ ઘાટના, કાળાશ પડતા ભૂરા રંગના હોય છે. તેની પાંખ કાળાશ પડતી ભૂરી, કાંટાવાળી હોય છે. તેની નાની ઇયળો (ડોળ) પીળા રંગની અને ચપટી હોય છે. પુખ્ત ઇયળો પીળાશ પડતા રંગની અને જાડી હોય છે.
આ કીટકની માદા નવા પાનની ટોચની પેશીઓમાં ઈંડાં મૂકે છે. ઈંડાં સેવાતાં તેમાંથી બહાર આવતી ઇયળો પાનની પેશીઓને કોરી ખાવાનું શરૂ કરી પાનનો લીલો ભાગ ખાય છે. તેથી પાન સફેદ થઈ સુકાઈ જાય છે. પુખ્ત કીટક પણ પાનનો લીલો ભાગ ખાય છે. પરિણામે પાન પર સમાંતર સફેદ લીટીઓ જોવા મળે છે. વર્ષ દરમિયાન આ જીવાતની 2થી 3 પેઢી થાય છે.
સામાન્ય રીતે આ જીવાતનો ઉપદ્રવ ઘણો જ ઓછો જોવા મળે છે. તેથી નિયંત્રણ કરવાની જરૂર રહેતી નથી. તેમ છતાં, નિયંત્રણ કરવાની જરૂરિયાત પડે તો કાર્બારિલ અથવા બીએચસી 10 % ભૂકારૂપ દવા હેક્ટરે 25 કિલો પ્રમાણે છાંટવી પડે છે. 10 લિટર પાણીમાં કાર્બારિલ અથવા બીએચસી 50 % વેટેબલ પાઉડર 40 ગ્રામ અથવા ફેનિટ્રોથીઓન 50 ઈસી અથવા મિથાઇલ-ઓ-ડેમેટોન 25 ઈસી 10 મિલિ. પ્રમાણે મિશ્ર કરી છંટકાવ કરવાથી સારું નિયંત્રણ થાય છે.
ધીરુભાઈ મનજીભાઈ કોરાટ
પરબતભાઈ ખી. બોરડ