ઢાલશંકુ (shield cone) : જ્વાળામુખીના નિર્ગમમુખની આજુબાજુ ફક્ત ખડકોના ટુકડા કે ફક્ત લાવાપ્રવાહ અથવા આ બંને દ્રવ્યોથી બનતી લગભગ શંકુઆકારની રચના. ઢાલશંકુ એ જ્વાળામુખી શંકુનો જ એક પ્રકાર છે. તે એક જ સ્થાને જ્વાળામુખીકંઠની આજુબાજુ લાવા પ્રસ્ફુટનનાં વારંવારનાં આવર્તનોથી એકત્રિત થઈ શંકુ આકાર ધારણ કરે છે. જ્વાળામુખી પ્રસ્ફુટનની ક્રિયા શાંત કે વિસ્ફોટક પ્રકારની હોઈ શકે છે. આવા શંકુ ઓછી ઊંચાઈવાળા, ચોતરફથી પહોળા દેખાવવાળા હોય છે. ફાટ દ્વારા થતાં વારંવારનાં લાવાપ્રવાહનાં પ્રસ્ફુટનોથી વિસ્તરણ થવાને બદલે એક જ ફાટ વિભાગની આજુબાજુ લાવા જમા થતો જાય તો તે પહોળા, ગોળાકાર ઘુમ્મટ આકારનાં ભૂમિસ્વરૂપો રચે છે. તેને ઢાલશંકુ કહે છે. તેની ટોચ પર યોદ્ધાની ઢાલને મળતો આવતો આછો બહિર્ગોળ ઉચ્ચસપાટપ્રદેશ જેવો આકાર રચાતો હોવાથી તેનું નામ ઢાલશંકુ પડેલું છે.

જોવા મળેલા ઢાલશંકુઓ પૈકી કેટલાકનું કદ હજારો ઘન કિલોમીટરનું હોય છે. આવા ઢાલશંકુઓમાં શિખરભાગથી ટેકરીની નીચેની બાહ્ય કિનારીઓ સુધીની ફાટ જામીને લાંબી દીવાલ જેવી દેખાતી હોય છે. ઢાલશંકુઓ લગભગ સંપૂર્ણપણે અસંખ્ય ઉપરાઉપરી પાતળા લાવા-પ્રવાહોનાં આવર્તનોથી બનેલા હોય છે. પૅસિફિક મહાસાગરના હવાઈ ટાપુના મોના લોઆ અને કિલોઆ ઢાલશંકુનાં લાક્ષણિક ઉદાહરણો છે. આઇસલૅન્ડના વિશાળ બેસાલ્ટયુક્ત જ્વાળામુખી પણ ઉદાહરણરૂપ ગણાવી શકાય.

ઢાલશંકુઓના બાહ્ય ઢોળાવો તદ્દન આછા (3° થી 8° સુધીના) હોય છે. તેમના શિખરભાગોમાં સપાટ તળભાગવાળાં અને લગભગ ઊભી કે ત્રાંસી દીવાલોવાળાં જ્વાળામુખો હોય છે. ઢાલશંકુઓમાં જોવા મળતાં આ પ્રકારનાં વિશિષ્ટ જ્વાળામુખો ગર્ત-જ્વાળામુખ તરીકે ઓળખાય છે. ઢાલશંકુઓને તેમના વિશાળ કદ અને રચનાત્મક માળખાને આધારે નીચે મુજબના બે પ્રકારોમાં વહેંચેલા છે : (1) આઇસલૅન્ડ પ્રકાર : તે પ્રમાણમાં ઓછા પરિમાણવાળા હોય છે, ઊંચાઈ 100થી 1000 મીટર વચ્ચેની હોય છે, તેમના તળેટીભાગનો વ્યાસ ઊંચાઈ કરતાં આશરે વીસગણો હોય છે, જ્યારે ટોચ પરના જ્વાળામુખોનો વ્યાસ 100થી 2000 મીટર જેટલો હોય છે. (2) હવાઈઅન પ્રકાર : આઇસલૅન્ડ પ્રકારની સરખામણીએ તેમનાં પરિમાણ અત્યંત વિશાળ હોય છે. સમુદ્રસપાટીથી નીચે વિસ્તરેલા ઢોળાવો સહિતનો ‘મોના લોઆ’ જ્વાળામુખી શંકુ આ પ્રકારનું ઉદાહરણ છે. તેની ઊંચાઈ આશરે 10,000 મીટર છે, તળભાગનો વ્યાસ આશરે 400 કિમી. જેટલો છે, બાજુઓના ઢોળાવના ખૂણા 6°થી વધુ હોતા નથી, જ્યારે તેમના શિખરભાગો ક્યારેક ઉચ્ચસપાટપ્રદેશ સ્વરૂપના બની રહે છે.

બધા જ ઢાલશંકુ લગભગ સંપૂર્ણપણે બેસાલ્ટ (કે ઑલિવીન બેસાલ્ટ) ખડક બંધારણવાળા હોય છે. હવાઈઅન ઢાલશંકુઓમાં બેસાલ્ટની સાથે સ્વભેદનક્રિયાથી તૈયાર થયેલા ટેફ્રાઇટ, ટ્રેકાઇટ અને ફોનોલાઇટ પણ ગૌણ પ્રમાણમાં જોવા મળે છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે