ઢાલ : દ્વંદ્વ યુદ્ધમાં શત્રુના હુમલાથી પોતાનું સંરક્ષણ કરવાનું સાધન. પ્રાચીન કાળમાં ગદાયુદ્ધ દરમિયાન અને ત્યારપછી તલવાર અને ભાલાના આક્રમણ સામે આત્મરક્ષણ માટે પાયદળ કે અશ્વારોહી સૈનિકો તેનો ઉપયોગ કરતા હતા. બંદૂક અને તોપ જેવાં દૂરથી મારી શકે તેવાં સાધનોની શોધ થયા પછી ઢાલ નિરુપયોગી સાધન બની ગયું, જોકે આધુનિક જમાનામાં વ્યાપક ધાંધલધમાલ કે તોફાનોના સમયમાં પોલીસદળ દ્વારા ઢાલ જેવા સાધનનો ક્વચિત્ ઉપયોગ કરવામાં આવે છે. ઢાલની શોધ પહેલાં સૈનિકો એક હાથમાં તલવાર કે ભાલા જેવું શત્રુના સૈનિકોને મારવાનું શસ્ત્ર રાખતા તો શત્રુના સૈનિકનો વળતો હુમલો ખાળવા માટે બીજા હાથ પર કાપડ વીંટાળી લેતા હતા.
સામાન્ય રીતે ઢાલ ગોળાકાર હોય છે, પરંતુ કેટલાક દેશોમાં અંડાકાર કે સમચોરસ આકાર ધરાવતી ઢાલ બનાવવામાં આવતી એવા પુરાવા છે. ઢાલ કાચબાની પીઠના ચામડાની, ગેંડા જેવાં પ્રાણીઓના ચામડાની અને મજબૂત લાકડાની બનાવવામાં આવતી. તાંબાપિત્તળ જેવી ધાતુનો ઉપયોગ પણ તેની બનાવટમાં થતો. ઢાલને વધુ આકર્ષક બનાવવા માટે લાકડા પર ચાંદી કે સોનાનું પતરું બહારના ભાગ પર જડી દેવામાં આવતું. સૈનિક મજબૂતાઈથી તે પકડી શકે તે માટે ઢાલની પાછળના ભાગમાં અર્ધચંદ્રાકાર મૂઠ રાખવામાં આવતી. મોટાભાગની ઢાલના બહારના ભાગ પર વચ્ચોવચ શંકુ આકારમાં ચાર અથવા વધુ ખીલા ઠોકવામાં આવતા. ઢાલ વજનમાં હલકી છતાં મજબૂત અને દુર્ભેદ્ય હોય તો જ સૈનિક તેનો અસરકારક રીતે ઉપયોગ કરી શકે. દિલ્હીના બાદશાહ શાહઆલમની ઢાલ ગેંડાના ચામડાની હતી અને બંદૂકની ગોળીની પણ તેના પર અસર થતી ન હતી એમ કહેવાય છે.
ઇજિપ્તના સૈનિકો મોટા આકારની ઢાલથી લડતા; સુમેરિયન અને ઍસીરિયન લોકો ગોળ આકારની ઢાલ વાપરતા, ગ્રીક સૈનિકો ગોળાકાર, ભારે વજનવાળી તથા શંકુ આકારની ઢાલથી પોતાનું રક્ષણ કરતા; રોમન સૈનિકો સમચોરસ ઢાલ વાપરતા. મધ્યયુગમાં યુરોપમાં બખ્તર પહેરવાની શરૂઆત થઈ ત્યારથી ઢાલનું મહત્વ ઘટતું ગયું. ભારતમાં બ્રિટિશ શાસનની શરૂઆત થઈ તે પૂર્વે રાજપૂત, મુઘલ અને મરાઠા સૈનિકો ઢાલનો વ્યાપક ઉપયોગ કરતા હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે