ઢસાળ, નામદેવ લક્ષ્મણ (જ. 15 ફેબ્રુઆરી 1949, પુણેની નજીકના ખેડ તાલુકાના પુર-કાનેસર ખાતે; અ. 15 જાન્યુઆરી 2014, મુંબઈ) : માનવ-અધિકારો માટે ઝૂઝનાર મહારાષ્ટ્રના કર્મશીલ સમાજસેવક, કવિ અને લેખક. તેઓ માત્ર છ વર્ષના હતા ત્યારે એમના પિતાએ પોતાના પરિવાર સાથે વતન છોડીને મુંબઈ સ્થળાંતર કર્યું અને પછીની જિંદગી ત્યાં જ વિતાવી. મહાર જાતિમાં જન્મેલા અને જ્ઞાતિપ્રથાનો સખત વિરોધ કરનાર નામદેવે સમગ્ર જીવન અત્યંત ગરીબીમાં પસાર કર્યું.. મુંબઈમાં ગોલ પિઠા વિસ્તારના એક કતલખાનામાં શરૂઆતમાં પિતાએ શિખાઉ તરીકે નોકરી સ્વીકારી, જે ‘ઢોર ચાલી’ તરીકે જાણીતી હતી. આ વિસ્તારના લોકોની જીવનશૈલીએ જ નામદેવની વિચારસરણીનું ઘડતર કર્યું. સમયાંતરે મુંબઈના પ્રગતિશીલ (ડાબેરી) મરાઠી શાયર અને કવિ અમરશેખની પુત્રી મલિકા સાથે નામદેવનાં લગ્ન થયાં.
નામદેવ ઢસાળે વર્ષ 1972માં પોતાના મિત્રોની સહાયથી મુંબઈ ખાતે ‘દલિત પૅન્થર’ નામની પ્રગતિશીલ વિચારસરણીને વરેલી ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કરી, જેના નેજા હેઠળ ડાબેરી વિચારસરણીનો પ્રચાર કરતી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવતી. આત્મારામ મિરકે તથા નામદેવ ઢસાળ તેના અગ્રણી સભાસદ હતા. વર્ષ 1982માં આ સંસ્થામાં ફૂટ પડી અને સમયાંતરે તે વેરવિખેર થઈ ગઈ; તેમ છતાં નામદેવ ઢસાળની અંગત પ્રગતિશીલ વિચાસરણી અને લેખનકાર્ય અકબંધ રહ્યાં.
વર્ષ 1972માં નામદેવ ઢસાળનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ગોલ પિઠા’ પ્રકાશિત થયો અને ત્યારબાદ માઓવાદી વિચારસરણીને વરેલો કાવ્યસંગ્રહ ‘મૂર્ખ મ્હાતાર્યાને’, ‘તુઝી ઇયત્તા કોનચી’, શૃંગારિક કાવ્યસંગ્રહ ‘ખેળ’ અને છેલ્લે ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની જીવનીને લગતો કાવ્યસંગ્રહ ‘પ્રિયદર્શિની’ પ્રકાશિત થયા. આ કાવ્યસંગ્રહો ઉપરાંત નામદેવ ઢસાળની બે નવલકથાઓ અને ‘આંધળે શતક’ તથા ‘આંબેડકર શતક’ શીર્ષક હેઠળની બે ચર્ચાપુસ્તિકાઓ પ્રકાશિત થઈ. સમયના થોડાક ગાળા પછી તેમના બે વધારાના કાવ્યસંગ્રહો ‘મી મારલે સૂર્યાચ્યા રથાચે સાત ઘોડે’ અને ‘તુઝે બોટ ધરુન મી ચાલલો આહે’ પણ પ્રકાશિત થયા હતા. વળી, તેમણે ‘સત્યતા’ મરાઠી સાપ્તાહિકનું સંપાદનકાર્ય પણ કર્યું હતું. શિવસેનાના દૈનિક ‘સામના’ વૃત્તપત્રના કટારલેખક તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી.
‘દલિત’ – એ પ્રચલિત સંજ્ઞાને વ્યાપક બનાવીને વધુ વિસ્તૃત સમૂહની ચળવળ તે બને એ માટે તેમણે પ્રયત્નો કર્યા પણ તેમના સહકાર્યકરોને તે સ્વીકાર્ય ન હતું અને તેથી તેમાં તેમને સફળતા મળી ન હતી. દલિત સાહિત્યના ક્ષેત્રમાં તેમના ઉપર બાબુરાવ બાગુલ નામના ચિંતકની છાપ પડી હતી. તેમણે તેમની કાવ્યરચનામાં કેટલીક એવી સંજ્ઞાઓનો ઉપયોગ કર્યો હતો જે માત્ર દલિત સાહિત્યમાં જ સાંપડે છે. તેમની કાવ્યરચના ‘ભૂખ’ લગભગ બધી જ જાહેરસભાઓમાં સામૂહિક રીતે ગવાતી હતી.
તેમને એનાયત કરવામાં આવેલા ઍવૉર્ડોમાં સાહિત્યસર્જન માટેનો મહારાષ્ટ્ર રાજ્ય ઍવૉર્ડ (1974), ‘ગોલ પિઠા’ માટે સોવિયેત લૅન્ડ નહેરુ ઍવૉર્ડ (1974), ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’નો ઇલકાબ (1999) તથા કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા ‘જીવનગૌરવ પુરસ્કાર’નો સમાવેશ થાય છે.
વિખ્યાત મરાઠી કવિ દિલીપ ચિત્રેએ નામદેવ ઢસાળની કેટલીક કાવ્યરચનાઓ અંગ્રેજીમાં અનૂદિત કરી છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે