ડમરો : દ્વિદળી વર્ગમાં આવેલા લૅબિએટી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ocimum basilicum Linn. Sweet Basil; સં. मुञारिकी सुरसा, वरवाळा; હિં. बाबुई तुलसी, गुलाल तुलसी, काली तुलसी, मरुआ; મ. मरवा, सब्जा, ગુ. ડમરો, મરવો; તે. ભૂતુલસી, રુદ્રજડા, વેપુડુપચ્છા; તા. તિરનિરુપચાઈ, કર્પૂરા તુલસી; ક. કામકસ્તૂરી, સજ્જાગીદા; ઊડિયા : ઢલાતુલસી, કપૂરકાન્તિ; કાશ્મીરી : નીઆજબો; પં. ફુરુન્જ મુશ્ક, બાબુરી, નીઆજબો.

તે મધ્ય એશિયા અને વાયવ્ય ભારતની મૂલનિવાસી વનસ્પતિ છે અને ભારતના લગભગ બધા ભાગમાં ઉછેરવામાં આવે છે તેમજ કુદરતી રીતે પણ ઊગે છે.

તે 30થી 90 સેમી. ઊંચી, લગભગ અરોમિલ (glabrous), બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ છે. તેનાં પર્ણો સમ્મુખ, સાદાં અને અંડાકાર કે ભાલાકાર હોય છે. પર્ણકિનારી દંતુરવાળી કે અખંડિત હોય છે. પર્ણો બંને સપાટીએ સુંવાળાં અને ગ્રંથિમય હોય છે. પુષ્પ નાનાં, સફેદ અથવા આછા જાંબલી રંગનાં અને અશાખિત  કે શાખિત પુષ્પવિન્યાસમાં ચક્રાકાર રીતે ગોઠવાયેલાં હોય છે. બીજ કાળાં, ચળકતાં, નાનાં ઉપવલયજ (ellipsoid) અને ખાડાવાળાં હોય છે.

ડમરાની ઘણી જાતો છે. ઉછેરવામાં આવતી આ જાતિમાં બહુસ્વરૂપીયતા અને પરપરાગનયનને લીધે તેની ઘણી ઉપજાતિઓ અને જાતો જોવા મળે છે, જે વૃદ્ધિનું સ્વરૂપ, રુવાંટીની ઘટ્ટતા અને પ્રકાંડ, પર્ણ તથા પુષ્પના રંગ વગેરે લક્ષણોમાં ભિન્નતા દર્શાવે છે. આમાં કુંચિત (curly) પર્ણોની જાત ઉછેર માટે સૌથી અનુકૂળ છે. ફ્રાન્સમાં આ જાતનો ઉછેર થાય છે, જે વધુ પ્રમાણમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતું તેલ આપે છે.

ડમરાનું પ્રસર્જન (propagation) બીજ દ્વારા થાય છે. સુગંધિત છોડ તરીકે તેને બાગમાં ઉછેરવામાં આવે છે. બીજ વાવવા માટે સૌથી સારી ઋતુ ભારતના મેદાની પ્રદેશમાં ઑક્ટોબર-નવેમ્બર અને પર્વતીય પ્રદેશમાં માર્ચ-એપ્રિલ છે. નર્સરીમાં ઉછેરેલા રોપાની ફેરરોપણી બે હાર વચ્ચે 30 સેમી. અને હારમાં છોડ વચ્ચે 40 સેમી.નું અંતર રાખીને કરવામાં આવે છે. રોપણી બાદ 2.5થી 3 માસમાં કાપણી માટે તે યોગ્ય થઈ જાય છે. એકથી વધારે વખત કાપણી લઈ શકાય છે. જમીનની નજીકથી છોડ કાપી લઈ સૂકવવામાં આવે છે અને  સૂકાં પર્ણ અને પુષ્પ ઉતારી લેવામાં આવે છે. કાનપુર ખાતે અખતરામાં બે કાપણીમાં 6800 કિલો જેટલું પર્ણ-પુષ્પનું ઉત્પાદન પ્રતિ હેક્ટરે મળેલું છે.

બંધારણ અને પ્રકાર : ડમરો લવિંગ જેવી સુગંધ ધરાવે છે. તેના તેલનાં બંધારણ અને લક્ષણ ભિન્ન પ્રદેશમાં જુદાં જુદાં હોય છે, તેમાંથી ચાર પ્રકારનાં તેલ પ્રાપ્ત થાય છે :

(1) યુરોપિયન પ્રકાર : યુરોપ અને અમેરિકામાં ઉછેરાતા ડમરામાંથી તેલ નિસ્યંદનથી મેળવાય છે. તેમાં મુખ્યત્વે મિથાઇલ ચેવીકોલ અને લિનાલૂલ હોય છે પણ કપૂર હોતું નથી. તે તેની સારી સુગંધને લીધે અત્યંત કીમતી છે.

(2) રીયુનિયન પ્રકાર : રીયુનિયન ટાપુ, કોમોરો, માડાગાસ્કર અને સીચિલીસ ટાપુઓમાં તેનું ઉત્પાદન થાય છે. તેમાં મિથાઇલ ચેવીકોલ અને કપૂર હોય  છે. લિનાલૂલ હોતું નથી. યુરોપિયન પ્રકાર કરતાં ગુણવત્તા ઓછી હોય છે.

(3) મિથાઇલ સિનામેટ પ્રકાર : બલ્ગેરિયા, સિસિલી, ઇજિપ્ત, ભારત અને હાઇટીમાં ઉત્પન્ન થાય છે. તે મિથાઇલ ચેવીકોલ, લિનાલૂલ અને મૂલ્યવાન મિથાઇલ સિનામેટ ધરાવે છે.

(4) યુજેનૉલ પ્રકાર : જાવાસીચિલિસ, સામોઆ અને રશિયામાં ઉત્પન્ન થાય છે. તે મુખ્ય ઘટક તરીકે યુજેનૉલ ધરાવે છે.

યુરોપિયન પ્રકારનું તેલ સુગંધ તરીકે મીઠાઈ, બિસ્કિટ, મસાલેદાર રસ, ટમેટા કેચઅપ, માવો, અથાણાં, સરકો, મસાલા ભરેલું માંસ, સુગંધિત પીણાં વગેરેમાં વપરાય છે. દંતમંજનના પાઉડર, પેસ્ટ, માલિશ માટેનાં તેલ અને સુગંધિત અત્તરો ખાસ કરીને જૂઈના અત્તરમાં તેમજ સાબુની બનાવટમાં વપરાય છે.

ઔષધીય અને અન્ય ઉપયોગિતા : ડમરાનું તેલ કીટનાશક (insecticide), કીટપ્રતિકર્ષી (repellent) અને જીવાણુનાશક છે.

તેનાં બીજ ગંધરહિત, સાધારણ તીખાં તૈલી સ્વાદવાળાં હોય છે. તેને પાણીમાં બોળી રાખતાં સફેદ અર્ધપારદર્શક, સ્વાદરહિત ચીકણો પદાર્થ ઉત્પન્ન કરે છે.

ડમરો પાચક (stomachic), કૃમિનાશક (anthelmintic), વિષનિવારક (alexipharmic), જ્વરનાશક (antipyretic), પ્રસ્વેદક (diaphoretic), કફોત્સારક (expectorant), વાતહર (carminative) અને ઉત્તેજક (stimulant) ગુણધર્મો ધરાવે છે. સંધિવામાં તથા મોંની દુર્ગંધ દૂર કરવા ડમરાનો ઉકાળો આપવામાં  આવે છે. તેનો ઉપયોગ નસ્ય તરીકે, કાનના દુખાવામાં તથા દરાજ(ચામડીનો રોગ)માં મલમ તરીકે થાય છે. બીજનો કાયમી કબજિયાત તેમજ હરસ-મસામાં ઉપયોગ થાય છે. હોમિયોપથીની દવામાં પણ તે વપરાય છે.

દ્વિદળી વર્ગના ઍસ્ટરેસી કુળમાં આવેલી વનસ્પતિ Artemisia Siversiana Ehrh. ex Willd.(સં. દમનક; હિં. દવના, દૌના; મ. દવણાં)ને પણ ડમરો કહે છે. તે પશ્ચિમ હિમાલય અને પશ્ચિમ તિબેટમાં લગભગ 2400 મી.થી 4200 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તેની ઊંચાઈ 20 સેમી.થી 30 સેમી. જેટલી હોય છે. તેનાં પર્ણો ગાજરનાં પાંદડાં સાથે સામ્ય દર્શાવે છે, પરંતુ તે સાંકડાં હોય છે. તેની વાસ ઘણી તીવ્ર હોય છે.

આયુર્વેદ અનુસાર તે તીખો, શીતળ, કડવો, તૂરો, વૃષ્ય અને હૃદ્ય હોય છે અને કોઢ, વિસ્ફોટક, કંડૂ(ખરજ), દ્વિદોષ, ત્રિદોષ. વિષ, ક્લેદ, અર્શ અને સંગ્રહણીનો નાશ કરે છે. સર્પના વિષ અને ગરમી ઉપર પણ તેનો ઉપયોગ થાય છે એમ આયુર્વેદમાં ઉલ્લેખ છે.

ભરતસિંહ ગંભીરસિંહ વશી

મ. ઝ. શાહ