ડ્રેસીના : વનસ્પતિના એકદળી વર્ગમાં આવેલા લીલીયેસી કુળની લગભગ 40 જેટલી અરોમિલ (glabrous), શાકીય (herbaceous) કે કાષ્ઠમય ક્ષુપ અને વૃક્ષ (40 મી. સુધી ઊંચાં) સ્વરૂપ ધરાવતી પ્રજાતિ. તે દુનિયાના ગરમ પ્રદેશોમાં સામાન્ય છે. ભારતમાં મોટા ભાગની વિદેશી (exotic) અને લગભગ 6 જેટલી વન્ય (wild) જાતિઓ થાય છે. તેની ઘણી જાતો ભારતનાં ઉદ્યાનોમાં તેના સુંદર પર્ણસમૂહ માટે ઉગાડાય છે. કેટલીક જાતનાં પર્ણો 7થી 8 સેમી. પહોળાં હોય છે. જુદી જુદી જાત પ્રમાણે પર્ણો લીલાં, કથ્થાઈ પડતાં ગુલાબી અને પીળા-સફેદ પટ્ટા કે છાંટવાળાં પુષ્પો બહુવર્ણી (variegated) હોય છે. વનસ્પતિની શોભામાં પુષ્પ મહત્વનાં નથી. તેને જમીનમાં તેમજ કૂંડામાં ઉગાડી શકાય છે. તે આછા છાંયડામાં સારી રીતે થાય છે. ચૂનાયુક્ત ગોરાડુ (loamy) જમીનમાં સારી રીતે થાય છે.
તેનું પ્રસર્જન અંત:ભૂવિસ્તારી(sucker)ના વિભાજન દ્વારા, પર્ણ સહિતની ટોચ દ્વારા કે શેરડીના કટકાની જેમ કટકા રોપવાથી કે ગુટી-દાબ (gooty layering) દ્વારા થાય છે.
વનસ્પતિ વધારે લાંબી સોટા જેવી બને ત્યારે જમીનથી 10થી 15 સેમી. ઊંચેથી કાપી નાખવામાં આવે છે, જેથી નવી ફૂટ આવતાં તે ભરાવદાર બને છે.
Dracaena angustifolia, Roxb. ભારતમાં હિમાલયમાં 1800 મીટરની ઊંચાઈ સુધી મળી આવતી 2.4થી 6 મીટર ઊંચી વન્ય જાતિ છે. તેનાં પર્ણો બકરાના ચારા તરીકે ઉપયોગી છે. પર્ણોના રસનો ઉપયોગ ખોરાકને રંગ અર્પવામાં થાય છે.
D. goldieana, Bullen ex Mast & Mooreનું પ્રકાંડ સીધું, 60 સેમી. ઊંચું, પર્ણો લીલાં અને રાખોડી રંગના પટ્ટાવાળાં 20 × 12 સેમી. થાય છે.
D. sanderiana, Sander(બેલ્જિયન એવરગ્રીન)માં સીધો 1.5 મી. ઊંચો ક્ષુપ, પર્ણકિનારી સફેદ અને પર્ણનો બાકીનો ભાગ લીલો, 18-26 × 1.5-4 સેમી. હોય છે. ક્યારેક સફેદ કે લીલા પટ્ટા જોવા મળે છે.
D.bauseiનાં પર્ણો ઘેરા કથ્થાઈ અને ખૂલતા ગુલાબી રંગનાં હોય છે.
D. victoria ઊંચી જાતિ છે. તેનાં પર્ણો લીલાં અને પીળી પટ્ટીવાળાં હોય છે.
D. rosea var. ferrea(સોન્ગ ઑવ્ ઇન્ડિયા)નાં પર્ણો થોડાં મોટાં અને ઘેરા ગુલાબી-લાલ રંગનાં જોવા મળે છે.
D.reflexa (સોન્ગ ઑવ્ ઇન્ડિયા) ક્ષુપ કે નાનું વૃક્ષ સ્વરૂપ, વન્ય સ્થિતિમાં 5.0 મી. સુધી ઊંચાઈ ધરાવે, પર્ણો બહિર્વલિત (reflexed) અને લીલાં-પીળાં હોય છે. તેની વૅરીગેટા જાતનાં પર્ણો બહુવર્ગી હોય છે.
કોર્ડીલીન નામનો છોડ ડ્રેસીના સાથે ખૂબ સામ્ય ધરાવે છે. ઘણી વખત તે ડ્રેસીના તરીકે જ ઓળખાવાય છે. તેનાં પર્ણો સાંકડાં અને અણીદાર હોય છે તથા ઝૂમખાંમાં થાય છે.
પૂર્વ આફ્રિકા અને દક્ષિણ અરબસ્તાનમાં થતી D. schizantha, Baker અને D. cinnabari, Balf. f. જેવી કેટલીક જાતિઓનાં પ્રકાંડ લાલ રંગની રાળ(resin)નો સ્રાવ કરે છે. તેને ડ્રેગન્સ બ્લડ’ કહે છે. ભારતમાં આ રાળની પહેલાં આયાત થતી હતી અને તેનો ઉપયોગ રોગાન(varnishes)માં કરવામાં આવતો હતો. તેનો પ્લાસ્ટર રંગવામાં કેટલીક વાર ઉપયોગ થાય છે.
મ. ઝ. શાહ