ડ્યૂબ્નિયમ (dubnium) : આવર્તક કોષ્ટકમાંના અનુઍક્ટિનાઇડ તત્વો પૈકી પ. ક્ર. 105 ધરાવતું તત્વ. 1968માં આ તત્વના સંશ્લેષણ અંગે ડ્યૂબના (મૉસ્કો પાસે) ખાતેથી જાહેરાત કરવામાં આવેલી અને 1970માં તે બનતું હોવાનું પ્રસ્થાપિત થયું હતું. સંશ્લેષણ માટેની મુખ્ય નાભિકીય પ્રક્રિયાઓ આ પ્રમાણે છે :
243Am(22Ne, 4n)261105 અને 243Am(22Ne, 5n)260105
બર્કલી ખાતેના સંશોધકોએ પણ તેનું સંશ્લેષણ કરેલું : 249Cf(15N, 4n)260105. આમ આ તત્વની શોધ પણ બે સમૂહોને આભારી છે. તત્વનાં સાત સમસ્થાનિકો જાણવામાં આવ્યાં છે. 1970ના દાયકાના મધ્યમાં આઇ. ઝ્વારા (I. Zvara) અને સહસંશોધકોએ સૂચવ્યું કે તે Nb અને Taનો સમધર્મી (homologue) છે. 1988માં તેનાં જલીય દ્રાવણોનો વધુ અભ્યાસ પ્રકાશિત થયેલો. આ માટે પ્રક્રિયા, 249Bk(18O, 5n)262105 વડે મેળવાયેલ 35 સેકન્ડ અર્ધઆયુવાળો સમસ્થાનિક વાપરીને 800 જેટલા પ્રયોગો કરવામાં આવેલા. જે દરેક માટે 50 સેકન્ડ લાગતી. સાંદ્ર નાઇટ્રિક ઍસિડ વડે ધૂમિત (funning) કર્યા બાદ એમ માલૂમ પડેલું કે Nb અને Taની માફક આ તત્વ કાચની સપાટી પર શોષાતું હતું.
જ. દા. તલાટી