ડ્યુરેલ લૉરેન્સ (જ્યૉર્જ) (જ. 27 ફેબ્રુઆરી 1912, જાલંધર, ભારત; અ. 7 નવેમ્બર, 1990, સોમીરેસ, ફ્રાન્સ) : સુપ્રસિદ્ધ અંગ્રેજ કવિ, નવલકથાકાર અને પ્રવાસલેખક. બાળપણ ભારતમાં દાર્જિલિંગમાં. તેમની 11 વર્ષની વયે માતાપિતાએ ઇંગ્લૅન્ડમાં સ્થળાંતર કર્યું. શિક્ષણ કૉલેજ ઑવ્ સેંટ જૉસેફ, દાર્જિલિંગ, અને પાછળથી કેન્ટરબરીની સેંટ એડમંડ અને કિંગ્ઝ શાળાઓમાં લીધું. યુવાન વયે ઑટોમોબાઇલ-સ્પર્ધા અને રાત્રીક્લબમાં જાઝ પિયાનો વગાડવાની પ્રવૃત્તિમાં વિશેષ રસ. મકાનની લે-વેચના દલાલ; વર્તમાનપત્રો, સામયિકોમાં વૃત્તાંતનિવેદક, તંત્રી કે કટારલેખક; વિદેશસેવા, મુદ્રણાલય કે જાહેરસંપર્ક વિભાગના અધિકારી; અંગ્રેજીના શિક્ષક અને એલચી-કચેરી અને સાંસ્કૃતિક માહિતીકેન્દ્રોના અધિકારી એમ વિવિધ પ્રકારની કામગીરી બજાવી હતી. માત્ર 19 વર્ષની વયે સ્વરચિત કાવ્યોનું ચોપાનિયું પ્રસિદ્ધ કર્યું. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ઍથેન્સ(ગ્રીસ)માં અંગ્રેજી શીખવતા. તે સમયે નાઝીઓના હુમલાથી જીવ બચાવવા માછીમારોની હોડીમાં નાસી છૂટેલા. વિદેશના પ્રવાસોના ભારે રસિયા હતા. જિંદગીનો મોટોભાગ તેમણે ભૂમધ્ય સમુદ્રના રહોડઝ, ક્રીટ, સાયપ્રસ, યુગોસ્લાવિયા અને ઇજિપ્ત જેવા દેશોમાં વિતાવેલો. તેમના લઘુબંધુ જીરાલ્ડ માલ્કમ ખ્યાતનામ પ્રાણીશાસ્ત્રી અને સાહિત્યકાર હતા.
ડ્યુરેલનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ક્વેઇન્ટ ફ્રેગમેન્ટ’ : ‘પોયમ્સ રિટન બીટવીન ધ એઇજીસ ઑવ્ સિક્સટીન ઍન્ડ નાઇન્ટીન’ (1931). તેમના અન્ય કાવ્યસંગ્રહોમાં ‘ટેન પોયમ્સ’ (1932), ‘અ પ્રાઇવેટ કન્ટ્રી (1943), ‘સિટીઝ, પ્લેઇન્સ ઍન્ડ પીપલ’ (1946), ‘ઑન સીમિંગ ટુ પ્રિઝ્યૂમ’ (1948), ‘ધ ટ્રી ઑવ્ આઇડલનેસ’ (1955), ‘ક્લેક્ટેડ પોયમ્સ’ (1960), ‘ધ આઇકોન્સ’ (1966), ‘ધ વેગા ઍન્ડ અધર પોયમ્સ’ (1973) વગેરે ગણી શકાય. તેમના લગભગ 30 જેટલા કાવ્યસંગ્રહો પ્રસિદ્ધ થયા છે. આ બધામાં ટી.એસ. એલિયટ માટે પોતે જાતે પ્રકાશિત કરેલ ‘ધ પાર્થેનન’ નોંધપાત્ર છે. પૅન્ગ્વિન મૉડર્ન પોયટ્સ ભાગ-1 નું સંપાદન (1962) તેમણે એલિઝાબેથ જેનિંગ્ઝ અને આર.એસ. ટૉમસ સાથે કરેલું.
ડ્યુરેલે ‘સાફો’ (પદ્યનાટક, 1959), ‘ઍક્ટ’ (1961), ‘એન આઇરિશ ફૉસ્ટસ : અ મૉરાલિટી ઇન નાઇન સીન્સ’ (1963), (જર્મનીમાં 1966માં ભજવાયેલું) ‘જ્યુડિથ ઇન વુમન્સ ઓન’ (1966) નામનાં નાટકો ઉપરાંત અનેક રેડિયો તથા ટેલિવિઝન સ્ક્રિપ્ટ્સ લખ્યાં છે.
ડ્યુરેલે તેમની પ્રથમ નવલકથા ‘પૅનિક સ્પ્રિન્ગ’ ‘ચાર્લ્સ નૉર્ડન’ના તખલ્લુસથી 1935માં પ્રસિદ્ધ કરી. ત્યાર પછી ‘પ્રાઇડ પાઇપર ઑવ્ લવર્સ’ (1935), ‘ધ બ્લૅક બૂક: ઍન ઍગૉન’ (1938), ‘વ્હાઇટ ઈગલ્સ ઓવર સર્બિયા’ (1957), ‘ધ રિવૉલ્ટ ઑવ્ ઍફ્રૉડાઇટ’ (1974), ‘ટંક’ (1968), ‘નનક્વૅમ’ (1970), ‘માશિયર : ઑર ધ પ્રિન્સ ઑવ્ ડાર્કનેસ (1974), ‘લિવિયા : ઑર બૅરિડ અલાઇવ’ (1979), ‘કૉન્સ્ટન્સ : ઑર સૉલિટરી પ્રૅક્ટિસીસ’ (1982) અને ‘સેબૅસ્ટિયન ઑર રુલિંગ પેશન્સ’ (1984) વગેરે નવલકથાઓ પોતાના નામે પ્રકાશિત કરી. ‘ધી ઍલેક્ઝાન્ડ્રિયા ક્વાર્ટ્રેટ’ તેમની સર્વોત્તમ કલાકૃતિ છે. 1957થી 1960ના ગાળામાં આ શ્રેણીમાં તેમણે ‘જસ્ટિન’ (1957), ‘બાલ્થેઝર’ (1958), ‘માઉન્ટોલિવ’ (1958) અને ‘કલી’ (1960) નવલચતુષ્ટયનું સર્જન કર્યું. સમસ્ત શ્રેણીમાં આધુનિક પ્રેમ અંગેની મૂલગામી તપાસ કરવામાં આવી છે. ઍલેક્ઝાન્ડ્રિયા નગરનું વર્ણન એવું તો હૂબહૂ અને ભાવકના ચિત્તને જકડી રાખે તેવું છે કે કૃતિનું તે પણ જીવતુંજાગતું પાત્ર બની જાય છે. મુખ્ય પાત્રોમાં ડાર્લી, તેની ગ્રીક ઉપપત્ની મેલિસા, બ્રિટિશ એલચી માઉન્ટોલિવ, કલાકાર કલી, યહૂદી મહિલા જસ્ટિન અને તેનો ધનાઢ્ય પતિ નેસિમ વગેરે છે.
ડ્યુરેલની પ્રવાસકથાઓમાં ‘પ્રૉસ્પેરોઝ સેલ’ (1945), ‘રિફ્લૅક્શન્સ ઑન અ મરિન વીનસ’ (1953) અને ‘બિટર લેમન્સ’ (1957) નોંધપાત્ર છે. ઉપરાંત ‘સ્પિરિટ ઑવ્ પ્લેસ’ (1969) અને ‘સિસિલિયન કૅરૉઝલ’ (1977) જેવાં પ્રવાસવર્ણનો માટે ઇજિપ્ત અને ગ્રીસે પ્રેરણા આપી હતી. બ્રિટિશ એલચીખાતાના રોજબરોજના જીવન ઉપર વેધક કટાક્ષ કરતી તેમની કૃતિઓ ‘એસ્પરિત્ત દ કોર’ (1957) અને ‘સ્ટિફ અપર લિપ’ (1958) છે.
ભારતમાં જન્મ્યા હોવાથી ડ્યુરેલને પૌરસ્ત્ય વિચારધારામાં વિશેષ રસ છે. અહમને ઓગાળી નાંખતી, શાંત ધ્યાનની આધ્યાત્મિક ભૂમિકા તેમને ગમે છે. લૅન્ડર અને બ્રાઉનિંગના ચાહક એવા આ સર્જક ઉપર એઝરા પાઉન્ડની પ્રબળ અસર હતી.
વિ. પ્ર. ત્રિવેદી
મંજુલા વર્મા