ડ્યુરૅલ્યુમિન

January, 2014

ડ્યુરૅલ્યુમિન : ઍલ્યુમિનિયમની કૉપર ધરાવતી મજબૂત, કઠણ અને હલકી મિશ્રધાતુ. તે એક ઘડતર પ્રકાર(wrought-type)ની અને ઉષ્મોપચાર માટે સાનુકૂળ મિશ્રધાતુ છે. ધાતુશાસ્ત્રીઓએ ઍલ્યુમિનિયમ(Al)ની મજબૂતી વધારવાનો પ્રયત્ન કર્યો ત્યારે શરૂઆતમાં તેમણે સૌથી પહેલું તત્વ કૉપર (Cu) ઉમેરી Al-Cu પ્રકારની મિશ્રધાતુઓ બનાવી હતી પણ એ ધાતુઓની ક્ષારણ-અવરોધકતા (corrosion resistance) ઘણી નબળી હતી. 1910–11માં  જર્મનીમાં વિમ (Wilm) નામના વૈજ્ઞાનિકે જોયું કે મિશ્રધાતુમાં 0.5 % જેટલું મૅગ્નેશિયમ ઉમેરવાથી ક્ષારણ-અવરોધકતા ઘણી વધારી શકાતી હતી. આ અરસામાં જ તેમણે સમયના ઘસારા સામે  ટક્કર ઝીલી શકે એવી કાલર્દઢ મિશ્રધાતુનો સમૂહ તૈયાર કર્યો અને તે ડ્યુરૅલ્યુમિન તરીકે ઓળખાય છે.

શરૂઆતમાં ડ્યુરૅલ્યુમિનનું ઉત્પાદન જર્મનીમાં ડ્યુરેન ખાતે થતું હતું. આ પ્રકારની મિશ્રધાતુઓમાં 3 %થી 4 % કૉપર, 0.5 %થી 1.0 % મૅંગેનીઝ (Mn), 0.5 %થી 1.5 % મૅગ્નેશિયમ (Mg) અને 0.2 %થી 0.8 % જેટલું સિલિકન (Si) હોય છે; દા.ત., AA 2017 પ્રકારના ડ્યુરૅલ્યુમિનમાં 4 % Cu, 0.8 % Si, 0.7 % Mn અને 0.5 % Mg હોય છે. ઉષ્મોપચાર અને કાલ-પક્વન(ageing)ની બાબતમાં આ મિશ્રધાતુઓ મજબૂતી અને કઠિનતાની ર્દષ્ટિએ મૃદુ પોલાદ સાથે સરખાવી શકાય; જોકે વજનની બાબતમાં તે તેનાથી ત્રીજા ભાગની જ હોય છે. ઓરડાના તાપમાને કાલ-પક્વનની પ્રકિયા કરવાથી તે 4359 kgf /cm2 (62,000 પાઉન્ડ/ઇંચ2)નું સામર્થ્ય (tensile strength) અને 2812 kgf /cm2 (40,000 પાઉન્ડ/ઇંચ2) તનન-સામર્થ્ય (yield strength) ધરાવતી જણાય છે; દા.ત., ઘન કાર્બન ડાયૉક્સાઇડમાં રાખેલો ડ્યુરૅલ્યુમિનનો રિવેટ નરમ હશે પણ તેને જડી દીધા બાદ, થોડા દિવસોમાં ઓરડાના તાપમાને કાલપક્વન પામીને તે આપોઆપ કડક બની જશે.

ડ્યુરૅલ્યુમિન પ્રકારની મિશ્રધાતુઓ પ્રમાણમાં નરમ, તન્ય (ductile) અને સામાન્ય પરિસ્થિતિમાં કાર્યક્ષમ (workable) હોય છે. તેમની ઉપર રોલિંગની, ખેંચવાની તેમજ ઘડવાની ક્રિયાઓ થઈ શકતી હોવાથી, આવી ક્રિયા દ્વારા તેમાંથી વિવિધ આકારો અને ચીજો બનાવી શકાય છે. હલકા વજન અને પોલાદની સરખામણીમાં એકમ-વજન-દીઠ વિશેષ સામર્થ્ય હોવાના  કારણે તે વિમાન બનાવવામાં ઉપયોગી છે. ધાતુસંધાન (welding) દરમિયાન ડ્યુરૅલ્યુમિનની મજબૂતી ઘટતી હોવાથી વિમાન બનાવતી વખતે તે ઍલ્ક્લેડ (alclad) પતરા રૂપે વપરાય છે. આમાં ડ્યુરૅલ્યુમિનના મજબૂત આંતરભાગ (core) ઉપર શુદ્ધ ઍલ્યુમિનિયમનું અથવા તેની ક્ષારણઅવરોધક મિશ્રધાતુનું આવરણ ચઢાવીને તે વાપરવામાં આવે છે.

જ. દા. તલાટી