ડોસા, પ્રાગજી જમનાદાસ ‘પરિમલ’ (જ. 25 સપ્ટેમ્બર 1908, મુંબઈ; અ. 2 ઑગસ્ટ 1997, મુંબઈ) : ગુજરાતી નાટ્યકાર. 1928માં મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ઇન્ટર આર્ટ્સની પરીક્ષામાં પાસ થયા પછી રૂનો વ્યવસાય. મેસર્સ ગોકળદાસ ડોસાની કંપનીમાં ભાગીદાર બનેલા. વિદર્ભમાં જિનિંગ પ્રેસિંગનાં કારખાનાં નાંખેલાં. તેમણે શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન પંડિત ઓમકારનાથ પાસે મેળવ્યું. તેમના ઘડતરમાં ‘સરસ્વતીચંદ્ર’ મહાનવલ ઉપરાંત કનૈયાલાલ મુનશી, ઝવેરચંદ મેઘાણી, હોલ કેન, અલેક્ઝાન્ડર ડૂમા, મૅરી કૉરેલી અને ચાર્લ્સ ડિકન્સ જેવા સર્જકોનો ફાળો છે. એમને નાટકો લખવા જામને પ્રેરેલા. 1929માં એમની પ્રથમ નાટ્યકૃતિ ‘સંસારપંથ’ સફળતાથી ભજવાઈ. પ્રાણલાલ દેવકરણ નાનજી તરફથી સતત મળતા પ્રોત્સાહનથી તેઓ લખતા રહ્યા. 1955થી 1959 સુધી ‘ગુજરાતી નાટ્ય’ માસિકનું તંત્રીપદ સંભાળ્યું.
તેમણે 45 નાટકો, 21 એકાંકીઓ અને 106 રેડિયો-નાટકો લખ્યાં છે. એમનાં ઘણાં નાટકો સો કરતાં વધારે વાર દેશપરદેશમાં જુદી જુદી ભાષામાં પાઠાંતર, રૂપાંતર, અનુવાદ પામી ભજવાયાં છે. ‘સમયનાં વહેણ’ (1950), ‘સહકારના દીવા’ (1957), ‘જેવી છું તેવી’ (1962), ‘એક અંધારી રાત’ (1964), ‘પૂનમની રાત’ (1966) તખ્તાલાયક નાટકો છે. મુંબઈ દ્વિભાષી રાજ્ય નાટ્યસ્પર્ધામાં ‘ઘરનો દીવો’ (1952), ‘મંગલમંદિર’ (1955), ‘છોરું કછોરું’ (1956), ‘પરિણીતા’ અને ‘મનની માયા’ (1962) નાટકને પારિતોષિક મળેલાં. ‘છોરું કછોરું’ નાટક રશિયન ભાષામાં અનુવાદિત થઈ, તાશ્કંદ શહેરમાં ગૉર્કી થિયેટરમાં 1959માં ભજવાયું. આ નાટક અમેરિકામાં કૅલિફૉર્નિયા યુનિવર્સિટીએ નાટ્યવાચન શ્રેણીમાં રજૂ કર્યું હતું. ‘પરણ્યા પહેલાં’ નાટક લંડનમાં 1969માં ભજવાયું હતું.
‘એકલવ્ય અને બીજી બાળનાટિકાઓ’ (1955), ‘છોટુમોટુ’ (1966), ‘ઇતિહાસ બોલે છે’ (1966), ‘સોનાની કુહાડી’ (1970), ‘ચાલો, ચોર પકડીએ’ (1971), ‘ત્રણ વાંદરા’ (1974), ‘ઇતિહાસને પાને’ (1975), ‘પાંચ ટચુકડી’ (1975) વગેરે બાળનાટકો છે.
ફિલ્મકથા, નવલિકા, નવલકથા, ચરિત્ર, નિબંધ અને બાલરંગભૂમિ જેવા સાહિત્યના વિવિધ પ્રકારોમાં પણ તેમણે કલમ ચલાવી છે. ગિજુભાઈની બાળવાર્તાઓનાં રૂપાંતર વનલીલા મહેતા સાથે મળીને કર્યાં છે. એમણે બાળરંગભૂમિનો અભ્યાસક્રમ ઘડ્યો. વિશ્વના કેટલાક દેશોએ તેને માન્યતા આપી છે. ‘તખતો બોલે છે’ ભા 1, 2, (1978–82)માં જૂની રંગભૂમિનો ઇતિહાસ આલેખ્યો છે. ‘બાળ રંગભૂમિ’ (1975) પણ એ પ્રકારના વિકાસને ચર્ચતું પુસ્તક છે. ઇતિહાસગ્રંથો તૈયાર કરી એમણે આ દિશામાં પાયાનું કામ કર્યું છે.
તેમનાં અન્ય સાહિત્યસર્જનોમાં ‘ચરણરજ’ (1955) એકાંકીસંગ્રહ; લઘુનવલ ‘જેની જોતા વાટ’ (1979); ચરિત્ર ‘સંતદર્શન’ (1983), ‘સંતજીવનદર્શન’ (1983), ‘પૃથ્વીવલ્લભ’નું રૂપાંતર (1962); બ્રેખ્તના નાટક ‘કૉકેશિયન ચૉક સર્કલ’નો અનુવાદ ‘ચાકવર્તુળ’ (1974) અને મૅક્સિમ ગૉર્કીના નાટકનો અનુવાદ ‘એક ઘરડો માણસ’ (1983) ઉલ્લેખનીય છે.
ધ્યેયલક્ષી નાટકો દ્વારા સંસ્કારસિંચન કરવાનો પરંપરાગત ઉદ્દેશ એમની કૃતિઓમાં જોવા મળે છે. સાદીસીધી ભાષામાં લખેલા સંવાદો અને કૌતુકપ્રેરક શિષ્ટ ર્દષ્ટિ એમનાં નાટકોની નોંધપાત્ર બાબત છે. ચરિત્રગ્રંથ ‘તખતો બોલે છે’ ભા. 2ને ગુજરાત સાહિત્ય અકાદમીએ પુરસ્કૃત કર્યો છે. ‘ઘરનો દીવો’ નાટકને 1976માં નર્મદ સુવર્ણ ચંદ્રક મળ્યો છે. 1983માં સોવિયેટ લૅન્ડ નેહરુ ઍવૉર્ડ પણ તેમને મળ્યો છે.
દિનકર ભોજક