ડોમિનિયન ઍસ્ટ્રોફિઝિકલ ઑબ્ઝર્વેટરી : ખગોળવિજ્ઞાનના અભ્યાસ માટે કૅનેડામાં 1916માં સ્થાપવામાં આવેલી વેધશાળા. આ વેધશાળા કૅનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના વિક્ટોરિયા શહેર નજીક 229 મી.ની ઊંચાઈએ આવેલી છે. શરૂઆતમાં તે ઓટાવાની ડોમિનિયન વેધશાળાની એક શાખા હતી. સર્વેક્ષણ-વિભાગની એક સામાન્ય સંસ્થા તરીકે તેનો વિકાસ થયો. આ વેધશાળાનું 185 સેમી. વ્યાસના પરાવર્તકવાળું મુખ્ય દૂરબીન 1918માં કાર્યાન્વિત થયું હતું. તેની સાથે 122 સેમી. વ્યાસના પરાવર્તક સાથે બીજું દૂરબીન પણ 1961માં ચાલુ કરવામાં આવ્યું હતું. ખગોળ-ભૌતિકવિજ્ઞાનના સંશોધન માટે આ દૂરબીનનો ઉપયોગ કરવામાં આવે છે. આ વેધશાળા સાથે સંલગ્ન ડોમિનિયન રેડિયો ઍસ્ટ્રોફિઝિકલ ઑબ્ઝર્વેટરી બ્રિટિશ કોલંબિયાના પેન્ટિક્ટન ખાતે સ્થાપવામાં આવેલી છે. તેમાં 26 મી. વ્યાસનું રેડિયો-દૂરબીન રાખવામાં આવ્યું છે. આ બંને સંસ્થાઓનું સંચાલન કૅનેડાની નૅશનલ રિસર્ચ કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે.
આ વેધશાળાનું મહત્વનું કાર્યક્ષેત્ર તારાકીય વર્ણપટદર્શન (stellar spectroscopy) છે. આ ક્ષેત્રે આ સંસ્થાએ સિંહફાળો આપ્યો છે, તેમાંય ખાસ કરીને વર્ણપટદર્શકી યુગ્મતારા(binary)ની કક્ષા નક્કી કરવામાં વિષમ અને વિચિત્ર હવામાનની વચ્ચે રહીને આ પરાવર્તકો પ્રશંસનીય કામગીરી બજાવી રહ્યા છે
પરંતપ પાઠક