ડોનેગલનો ઉપસાગર : આયર્લૅન્ડના વાયવ્ય ભાગમાં આવેલો ઉપસાગર. તે ઍટલાન્ટિક મહાસાગર સાથે જોડાયેલો છે. ભૌ. સ્થાન : 54°.2´ થી 54°.5´ ઉત્તર અક્ષાંશ અને 8.° 01´ થી 10° પ.રે.. આ ઉપસાગરની ઊંડાઈ ઘણી ઓછી છે. ગલ્ફસ્ટ્રીમના ગરમ પ્રવાહની અસર હેઠળ હોવાથી તે હિમથી મુક્ત રહે છે. શિયાળા અને ઉનાળાના તાપમાનમાં મોટો તફાવત નોંધાતો હોવાથી તેમાં મત્સ્ય-ઉદ્યોગનો વિકાસ થયો છે. અહીં મેકરેલ, હેરિંગ, કૉડ, સોલ, હેડક વગેરે જાતની માછલીઓ પકડાય છે. તેના પર ડોનેગલ અને સ્લિગો જેવાં નાનાં મત્સ્ય-બંદરોનો વિકાસ થયો છે. આયર્લૅન્ડનો આ દરિયાકિનારો ઓછા આર્થિક વિકાસવાળો વિસ્તાર છે. માત્ર પશુપાલન અને મત્સ્યપ્રવૃત્તિ વિકાસ પામ્યાં છે. પરિણામે આ ઉપસાગરના કિનારે મોટાં ઔદ્યોગિક કેન્દ્રોનો ખાસ વિકાસ થયો નથી. કિનારાના વિસ્તારમાં માનવવસ્તીની ગીચતા ઓછી જોવા મળે છે.
જીવાભાઈ પટેલ