ડોઝ, ચાર્લ્સ (જ. 27 ઑગસ્ટ 1865 મેરીયેટ્ટા, ઓહાયો; અ. 23 એપ્રિલ 1951 ઇવાનસ્ટોન, ઇલીનૉય) : જર્મન અર્થતંત્રમાં ફુગાવા સામે સ્થિરતા માટેની એક કાર્યકારી યોજના દ્વારા યુરોપીય અર્થતંત્રમાં સ્થિરતા લાવનાર અને મુત્સદ્દી. ઇંગ્લૅન્ડના ઑસ્ટિન ચેમ્બરલીનની સાથે સંયુક્ત રીતે તેમને 1925નું શાંતિનું નોબેલ પારિતોષિક મળ્યું હતું.
વર્સાઈની સંધિ મુજબ યુદ્ધની નુકસાની અંગે જર્મની નિષ્ફળ જતાં બેલ્જિયમ અને ફ્રાંસે જર્મનીના રુહર ખાણ-વિસ્તારનો કબજો લીધો. તેથી જર્મનીની અર્થવ્યવસ્થા ખોરવાઈ જતાં અમેરિકાના અર્થતંત્ર પર તેની અસર થઈ. અમેરિકાએ આ આર્થિક કટોકટી માટે ચાર્લ્સ ડોઝના નેતૃત્વમાં જે કમિશન જર્મની મોકલ્યું તેણે જર્મનીને સજા કરવાનો અભિગમ છોડીને તેને સ્થાને દીર્ઘષ્ટિથી રાજકીય ડહાપણભરી આર્થિક યોજના રજૂ કરી. તેમની આ યોજનાને કારણે યુરોપની આર્થિક કટોકટી તાત્કાલિક તો હળવી થઈ.
ચાર્લ્સ ડોઝ ધારાશાસ્ત્રી હતા. પોતાના કુટુંબનાં 28 જેટલાં ગૅસ અને ઇલેક્ટ્રિક એકમોના માલિક હોવાથી બૅંકિંગ ક્ષેત્રે પણ તેમણે સફળતાથી સંચાલન કરેલું હતું. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ મેક કિનલી વિલિયમ વખતે તેમણે કંટ્રોલર ઑવ્ કરંસી તરીકે સરકારમાં પોતાની સેવા આપેલી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ થયા હતા. તેમને મળેલા શાંતિ માટેના નોબેલ પારિતોષિકની રકમનું તેમણે એક શૈક્ષણિક સંસ્થાને દાન કર્યું હતું.
સાધના ચિતરંજન વોરા