ડોઇઝી, એડવર્ડ એડેલ્બર્ટ (જ. 13 નવેમ્બર 1893, હ્યૂમ, ઇલિનૉઇસ, યુ. એસ.; અ. 23 ઑક્ટોબર 1986, સેન્ટ લુઈ) : અમેરિકન જૈવરસાયણશાસ્ત્રી. વિટામિન ‘કે’નું રાસાયણિક બંધારણ શોધી કાઢવા માટે તેમને 1943નું નોબેલ પારિતોષિક મળ્યું હતું. તેમના સહવિજેતા હેન્રીક કાર્લ પીટર ડામ હતા, જેમણે વિટામિન ‘કે’ શોધ્યું હતું. તે ઇલિનૉઇસમાં ભણ્યા હતા. તેમણે હાવર્ડ યુનિવર્સિટીમાંથી 1920માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. તેમણે પ્રાગર્ભવિદ (embryologist) એડ્ગર એલન સાથે કામ કર્યું અને મોટાભાગનું
જીવન સેન્ટ લુઈ યુનિવર્સિટી મેડિકલ સ્કૂલ, મિસુરીમાં વિતાવ્યું. શરૂઆતમાં તેમણે લૈંગિક અંત:સ્રાવો (sex hormones) પર સંશોધન કર્યું અને 1923માં સ્ત્રી-લૈંગિક અંત:સ્રાવોના જૈવ આમાપન(bioassay)ની પદ્ધતિ વિકસાવી. તેના ક્રિયાક્ષમ (potent) અર્ક (extracts) પણ મેળવ્યા. તેમણે (આલ્ફાલ્ફા) ઘાસ અને સડેલી માછલીમાંથી રુધિરગંઠન અથવા રુધિરગુલ્મન (coagulation) માટે જરૂરી ‘કે’ ઘટક જુદું તારવ્યું. તેમણે 1, 4 – નેપ્થોગ્વિનીનમાંથી વિટામિન K1 અને K2 અવશેષ (derivative) રૂપે તારવ્યાં. ‘સેક્સ ઍન્ડ ઇન્ટરનલ સિક્રિશન્સ’ (1980) તથા ‘સેક્સ હૉર્મોન્સ’ (1936) નામનાં બે પુસ્તકો લખ્યાં. તેમણે વિટામિન, ઍન્ટિબાયૉટિક, અંત:સ્રાવો તથા રુધિર-સંતુલકો (blood buffers) વિશેના જ્ઞાનમાં ઉમેરો કર્યો. 1955માં તેમની યુનિવર્સિટીએ એક વિભાગ સાથે તેમનું નામ જોડ્યું.
શિલીન નં. શુક્લ