ડૉસ, કદરુન્ડલિગે સીતારામ ગુરુરાજ [જ. 10 ઑગસ્ટ 1906, નાગમંગલા (કર્ણાટક); અ. 18 ઑક્ટોબર 1989] : ભારતના ભૌતિક રસાયણવિજ્ઞાની. મૈસૂર અને બૅંગાલુરુમાં શ્રેષ્ઠ સિદ્ધિ સાથે શિક્ષણ મેળવી, સેન્ટ્રલ કૉલેજ, બૅંગાલુરુમાં અધ્યાપક/સહાયક – પ્રાધ્યાપક (1928–43); નૅશનલ શુગર ઇન્સ્ટિટ્યૂટ, કાનપુર ખાતે રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક અને કાર્યકારી નિયામક (1943–57); સેન્ટ્રલ ઇલેક્ટ્રૉકેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કરાઈકુડીના મદદનીશ નિયામક (1957–58) તેમજ નિયામક (1958–67) તરીકે સેવા આપી. 1967–69 દરમિયાન તે ઇન્ડિયા સિમેન્ટ્સ લિ.ના સંશોધન અને વિકાસ વિભાગના વડા અને 1969–72 દરમિયાન કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચના સન્માન્ય (emeritus) પ્રાધ્યાપક રહ્યા. 1972 બાદ ખાંડ, વીજરાસાયણિક અને સંબંધિત ઉદ્યોગોના સલાહકાર તરીકે કાર્ય કર્યું.
ઘણી બાબતોમાં તેમના ઉપર સર સી. વી. રામનની અસર પડી હતી. તેમનું સંશોધનક્ષેત્ર અધિશોષણ સૂક્ષ્મપડો (adsorption films), આર્દ્રીકરણ (wetting) ઘટના, ઝડપી પ્રક્રિયાઓના અભ્યાસ તેમજ અલ્પ સાંદ્રતાના માપન માટેની તકનીક તથા સંશોધન અને વિકાસના ઘણા પ્રોજેક્ટને આવરી લે છે. તેમણે લૅંગમ્યૂર-આદમ-મૅકબેન યુગનાં સંશોધનોમાં ઊંડો રસ લઈ 1930 પછીનાં વર્ષોમાં ભારતમાં તેનો પ્રસાર કર્યો. તે પછીનાં તેમનાં સંશોધનમાં સ્પર્શ-કોણનો સિદ્ધાંત (theory of contact angles) અને ફૅરડેઇક પરિશોધન (rectification) મુખ્ય છે. ફૅરડેઇક પરિશોધનને કારણે પોલરૉગ્રાફી અને ઝડપી પ્રક્રિયાઓના અભ્યાસમાં નવાં ક્ષેત્રો ખૂલી શક્યાં છે. આધુનિક વિદ્યુતરસાયણમાં શૂન્ય વીજભાર(zero charge)થી માંડીને ઑક્સાઇડ ફિલ્મોના ઉદભવ અને વીજરાસાયણિક કંપનો (oscillations) સુધીનું એક પણ પાસું એવું નથી જેમાં તેમણે રસ દાખવ્યો ન હોય. તેમની મુખ્ય શોધોમાં હવા-વિધ્રુવીભૂત (air-depolarized) કોષો માટેના છિદ્રાળુ વીજધ્રુવો, અવરોધ-તાપન (resistance heating) અને માસ્ક્વિટોના ક્ષણિક (transient) તાપનને ગણાવી શકાય. તેમણે 200થી વધુ સંશોધનપત્રો પ્રકાશિત કર્યાં છે.
તેમની યશસ્વી કારકિર્દીની વિશેષતાઓ : માનાર્હ ફેલો, શુગર ટૅક્નૉલૉજિસ્ટ્સ ઍસોસિયેશન ઑવ્ ઇન્ડિયા; આજીવન ફેલો, રૉયલ સોસાયટી ઑવ્ કેમિસ્ટ્રી (લંડન); ફેલો, ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સીઝ, ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમી, ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિઝિક્સ (લંડન), ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટ્યૂટ; ઉપપ્રમુખ, ઇન્ટરનેશનલ કમિટી ઑવ્ ઇલેક્ટ્રૉકેમિકલ થરમૉડાયનેમિક્સ અને કાઇનેટિક્સ; કાયમી સભ્ય, કાઉન્સિલ ઑવ્ યુરોપિયન ફેડરેશન ઑવ્ કરોઝન; નૅશનલ સેક્રેટરી, ઇન્ટરનેશનલ સોસાયટી ઑવ્ ઇલેક્ટ્રૉકેમિસ્ટ્રી; ઉપપ્રમુખ, ઇન્ટરનેશનલ કૉંગ્રેસ ઑન મેટૅલિક કરોઝન, મૉસ્કો (1972) અને ટોકિયો (1974). તે ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિસ્ટ્સ (ઇન્ડિયા) અને ઇન્ડિયન કેમિકલ સોસાયટી અને સેસ્ટ(SAEST – Society for Advancement of Electrochemical Science and Technology)ના ફેલો હોવા ઉપરાંત પ્રમુખપદે પણ રહી ચૂક્યા છે. 1966માં તેમને સંશોધકો માટેનું નૅશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કૉર્પોરેશન(NRDC)નું પ્રથમ ઇનામ, 1982માં ઑલ ઇન્ડિયા વાસવિક ઍવૉર્ડ, 1983માં શુગર ટૅક્નૉલૉજિસ્ટ્સ ઍસોસિયેશન ઑવ્ ઇન્ડિયાનો નેલ ડીર સુવર્ણચંદ્રક અને 1985માં સંશોધકો માટેનો પ્રજાસત્તાક દિન ઍવૉર્ડ પણ મળ્યો હતો.
1975માં તેમના સિત્તેરમા જન્મદિવસ નિમિત્તે ‘ઇન્ટરનેશનલ જર્નલ ઑવ્ ઇલેક્ટ્રૉઍનાલિટિક્લ કેમિસ્ટ્રી’ તરફથી તથા તેમના એંસીમા જન્મદિવસ પ્રસંગે ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સીઝ અને ઇન્ડિયન જર્નલ ઑવ્ ટૅક્નૉલૉજી તરફથી ખાસ અંકો બહાર પાડવામાં આવ્યા હતા.
જ. દા. તલાટી