ડૉલેરાઇટ : ગૅબ્રો અને બેસાલ્ટના જેવા જ ખનિજીય અને રાસાયણિક બંધારણવાળો મધ્યમ દાણાદાર બેઝિક ભૂમધ્યકૃત આગ્નેય ખડક. આ પર્યાય માટે ક્યારેક તો સૂક્ષ્મગૅબ્રો જેવું વધુ યોગ્ય નામ પણ ઉપયોગમાં લેવાય છે. બ્રિટનમાં આ પર્યાય ઑફિટિક કણરચનાવાળા તાજા તોડેલા બેસાલ્ટ ખડક માટે વપરાય છે, જ્યારે યુ.એસ.માં તે ડાયાબેઝ માટે વપરાય છે.
પૉર્ફિરિટક ડૉલેરાઇટની પ્રાપ્તિ નહિવત્ છે, પણ તેની પરખ માટે ઑફિટિક કણરચના એક વિશિષ્ટ લક્ષણ બની રહે છે. થોલીઆઇટને મળતા આવતા ક્વાર્ટ્ઝ–ડૉલેરાઇટ જોવા મળે ખરા ! હાઈપરસ્થીન ડૉલેરાઇટ (સૂક્ષ્મ નોરાઇટ) અસામાન્ય છે. જોકે કેટલાક ડૉલેરાઇટ બે કે ત્રણ પ્રકારના પાયરૉક્સીન ધરાવતા મળી આવે છે અને તેને કારણે એવા ખડકોને ડૉલેરાઇટ તરીકે ઓળખવાનું મુશ્કેલ બની રહે છે. આલ્કલી ફેલ્સ્પાર્સ અને ફેલ્સ્પેથૉઇડ ધરાવતા ડૉલેરાઇટ માટે આલ્કલી ગૅબ્રો શબ્દ ઉચિત બની રહે છે. પિક્રાઇટ-ડૉલેરાઇટ(પિક્રોડૉલેરાઇટ)ને ઓછા પ્લેજિયોક્લેઝવાળો ડૉલેરાઇટ (મેલાડૉલેરાઇટ) કહી શકાય.
પ્રાપ્તિસ્થિતિની ર્દષ્ટિએ ડૉલેરાઇટ મોટેભાગે ડાઇક (ક્યારેક ડાઇક-જૂથ), સિલ અને જૂના જ્વાળામુખી કંઠપૂરણી કરતા દાટા જેવાં અંતર્ભેદનોને સ્વરૂપે જોવા મળે છે. અહીં એક બાબત ધ્યાનમાં રાખવી યોગ્ય છે કે ડાઇક અથવા સિલ સ્વરૂપે મળતા સૂક્ષ્મદાણાદાર બેઝિક ખડકોને બેસાલ્ટ કહેવા જોઈએ, પછી તેની પ્રાપ્તિસ્થિતિ ગમે તે હોય.
ગિરીશભાઈ પંડ્યા