ડૉબ્ઝેન્સ્કી, થીઓડોસિયસ (જ. 25 જાન્યુઆરી 1900, નેમિરૉન (રશિયા); અ. 18 ડિસેમ્બર 1975, ડેવિસ (કૅલિફૉર્નિયા) : સુપ્રસિદ્ધ અમેરિકન જીવવિજ્ઞાની. આધુનિક જનીનવાદ અને ઉત્ક્રાંતિવાદના ક્ષેત્રે તેમનું પ્રદાન મહત્વનું છે.
ડૉબ્ઝેન્સ્કીએ અભ્યાસની શરૂઆત કીવ(રશિયા)માં કરી અને ત્યાં પ્રાણીવિજ્ઞાનના શિક્ષક બન્યા. 1926માં તેઓ લેનિનગ્રાડમાં જનીન-વિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે નિમાયા અને તે જ વર્ષે રશિયન એકૅડેમીના ફેલો તરીકે તેમની પસંદગી થઈ. 1929માં ડૉબ્ઝેન્સ્કી અમેરિકા ગયા અને કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાં સહાયક પ્રાધ્યાપક તરીકે જોડાયા. 1937માં તેઓ અમેરિકાના નાગરિક બન્યા. ત્યારબાદ 1940થી 1962 સુધી કોલંબિયા યુનિવર્સિટીમાં અને 1962થી 1971 સુધી રૉકફેલર યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે કામ કર્યું.
જનીનિક ક્ષેત્રે પોતાના સંશોધન માટે ડ્રોસોફાઇલા (ફળમાખી, fruit fly) કીટક પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. અગાઉ પ્રાધ્યાપક ટૉમસ હંટ મૉર્ગને પણ પોતાનાં સંશોધનો માટે ડ્રોસોફાઇલાની પસંદગી કરી હતી.
ડ્રોસોફાઇલા કીટક નાના હોય છે. બે પેઢી વચ્ચેનું અંતર ઘણું ટૂંકું હોય છે. તેનાં રંગસૂત્રો પ્રમાણમાં લાંબાં હોય છે. ડ્રોસોફાઇલાની દેખભાળ અને સંવર્ધન સહેલાઈથી કરી શકાય તેમ છે. આ સુવિધાને કારણે થોડાં જ વર્ષોમાં ડ્રોસોફાઇલાની અનેક પેઢીઓ સુધી અભ્યાસ કરી શકાય છે. પરિણામે ડૉબ્ઝેન્સ્કીએ જનીનવિજ્ઞાનના સંશોધનમાં નોંધપાત્ર પ્રગતિ કરી. ઓછા સમયમાં ઉત્ક્રાંતિ પ્રક્રમને ઊંડાણપૂર્વક નિહાળી શક્યા. સજીવની વિવિધ લાક્ષણિકતા પર ઋતુમાનમાં થતા ફેરફાર અને ખોરાકના વિશિષ્ટ સ્રોતની અસર કઈ રીતે થાય છે તેનું નિરીક્ષણ કર્યું. એમનું સંશોધન એક નવા ક્ષેત્ર વસ્તી જનીનવિજ્ઞાન(‘population genetics’)નું સોપાન બન્યું.
ડૉબ્ઝેન્સ્કીનાં સંશોધનોનો સાર આ મુજબ છે : ‘પ્રત્યેક જાતિ(species)ના સજીવની લાક્ષણિકતામાં વિવિધતા રહેલી છે. સાથે સાથે તે જનીનીય ભાર (genetic load) પણ ધરાવે છે. ઘણી ઓછી ઉપયોગિતા હોય તેવાં જનીનો નિર્બળ હોય છે. સજીવમાં જનીનિક ભાર વધારે હોય તો લાક્ષણિકતામાં વધુ ને વધુ વિવિધતા જોવા મળે છે; પરંતુ અલ્પ સંખ્યામાં સભ્યો બદલાતાં પર્યાવરણિક પરિબળોને અનુરૂપ બની કુદરતી પસંદગી હેઠળ ઉત્ક્રાંતિના પ્રક્રમમાંથી પસાર થતા હોય છે.
ડૉબ્ઝેન્સ્કીએ લખેલાં પુસ્તકોમાં ‘જિનેટિક્સ ઍન્ડ ધ ઑરિજિન ઑવ્ સ્પીશીઝ’ (1937) અને ‘ધી ઇવોલ્યૂશન ઑવ્ હ્યુમન સ્પીશીઝ’ (1962) અત્યંત મહત્વનાં છે.
મ. શિ. દૂબળે