ડૉપ્લર, ક્રિસ્ટિઆન જોહાન (જ. 29 નવેમ્બર 1803, સેલ્ઝબર્ગ, ઑસ્ટ્રિયા; અ. 17 માર્ચ 1853, વેનિસ) : ‘ડૉપ્લર અસર’ના શોધક ઑસ્ટ્રિયન ભૌતિકશાસ્ત્રી. વિયેનાની પૉલિટૅક્નિક ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કર્યો. શરૂનાં વર્ષોમાં ગણિતશાસ્ત્ર ઉપર લખ્યું હતું. 1842માં ‘કન્સર્નિંગ ધ ક્લર લાઇટ ઑવ્ ડબલ સ્ટાર્સ’ નામનું તેમનું પુસ્તક પ્રસિદ્ધ થયું. તેમાં તેમણે સિદ્ધાંત આપ્યો કે સ્થિત નિરીક્ષક માટે ગતિમાન સ્રોતમાંથી આવતા ધ્વનિની તીવ્રતા સતત બદલાતી હોવાથી પૃથ્વીની સાપેક્ષે તારાના વેગના પ્રમાણમાં તારામાંથી આવતા પ્રકાશના રંગમાં પણ ફેરફાર થવો જોઈએ. ‘ડૉપ્લર અસર’ વિશે પ્રથમ વાર આ પુસ્તકમાં લખ્યું અને તેના દ્વારા પ્રકાશ તેમજ ધ્વનિના તરંગોની આવૃત્તિ ઉપર સ્રોત અને જ્ઞાપકની સાપેક્ષ ગતિની અસર વિશે વર્ણન કર્યું. 1850માં યુનિવર્સિટી ઑવ્ વિયેનામાં ફિઝિક્લ ઇન્સ્ટિટ્યૂટના નિર્દેશક અને પ્રાયોગિક ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર તરીકે તેમની નિમણૂક થઈ હતી.
રાજેશ શર્મા